પત્નીનું ખૂન કરી ચૂકેલો પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક અજાણ્યા સહયાત્રી સમક્ષ પોતાના ભયાનક ભૂતકાળને વર્ણવી રહ્યો છે. એ કહે છે...
બાળકો થવાથી અમારા લગ્નજીવનમાં સુધારો થયો નહીં. ઊલટું, બાળકો અમારા ઝઘડાનું એક નવું કારણ બની રહ્યાં. સંતાનો જેમ જેમ મોટાં થતાં ગયાં, તેમ તેમ અમે તેમનો લડાઈનાં શસ્ત્રો તરીકે વધુ ને વધુ ઉપયોગ કરતાં ગયાં. બિચારાં સંતાનો. નાની દીકરી મારી મજબૂત સાથીદાર હતી, જ્યારે મા પર ઊતરેલો મોટો દીકરો માનો બહુ લાડલો હતો. એને જોઈને મને ઘણી વાર ચીડ ચડતી.
શરૂઆતમાં અમે ગામમાં રહેતાં હતાં, પછી શહેરમાં આવ્યાં. જો અંતિમ દુર્ઘટના ન ઘટી હોત (મેં પત્નીનું ખૂન ન કર્યું હોત) તો હું શહેરમાં જ ઘરડો થયો હોત અને એવું માનતો રહ્યો હોત કે મારું જીવન સામાન્ય રહ્યું. ન બહુ સારું, ન બહુ ખરાબ. કહો કે બીજા બધા જેવું. જોકે, અંદરથી મને પહેલેથી એવું લાગતું હતું કે મારા લગ્નજીવનમાં કશોક લોચો છે. મને એવું લાગતું હતું કે ઘરમાં મારું નહીં, પત્નીનું રાજ ચાલતું હતું. એ બાળકોને કારણે અને બાળકોના જોરે રાજ ચલાવતી હતી. હું પત્નીના અંકુશમાંથી છૂટવા માગતો હતો, પણ છૂટી નહોતો શકતો. ત્યારે હું એ નહોતો સમજી શક્યો કે મારી પત્નીનું વધારે વજન પડતું હતું, કારણ કે લગ્ન થયું ત્યારથી એ નૈતિક રીતે મારાથી ચડિયાતી હતી. આમ પણ છોકરીઓ સામાન્ય રીતે પુરુષોથી ચડિયાતી જ હોય છે, કારણ કે એ ઘણી વધારે શુદ્ધ હોય છે.
આમાં એવું છે કે જન્મ સમયે તો છોકરા-છોકરી સમાન જ હોય છે, પરંતુ છોકરાઓ મોટા થઈને દારૂ, સિગારેટ, જુગાર, દોસ્તારો, વેશ્યાગૃહો અને જાહેર સમારંભો વડે ખરડાય છે. છોકરીઓ આમાંથી બચી જાય છે. એટલે થાય છે એવું કે છોકરીઓ વીસેકની ઉંમર સુધી તો શુદ્ધ અને આદર્શવાદી હોય, પરંતુ પત્ની બન્યા પછી એ સાવ સામાન્ય બની રહે. માત્ર સામાન્ય જ નહીં, એથી નીચે ઊતરીને સ્વાર્થી, કૂથલીખોર અને મિજાજી પણ બનતી હોય છે. આમાં વાંક એમના પતિઓનો હોય છે. એ એમને નીચે ખેંચે છે.
લગ્ન વેળાની ચડિયાતી સ્ત્રી સંતાનોના જન્મ બાદ ફરી એક વાર પુરુષથી ઊંચેરી બની રહે છે, કારણ કે એ એક નવું જીવન પૃથ્વી પર લાવે છે. એ બાળકને દૂધ પાય છે, ઉછેરે છે. પુરુષ શું કરે? એ ઓફિસે જાય, પૈસા કમાય. પૈસા કમાવાના તો અનેક વિકલ્પ હોય છે અને એક વાર કમાઈ લીધા પછી ન કમાવ તો પણ ચાલે, પરંતુ ભૂખ્યા બાળકને દૂધ પાયા વિના ન ચાલે. એમાં વિકલ્પ નથી. માટે પુરુષ કરતાં સ્ત્રીનું કામ ચડિયાતું હોય છે અને માટે લગ્નજીવનમાં પુરુષ પર સ્ત્રી પ્રભુત્વ ભોગવે એ સ્વાભાવિક છે.
ખૈર, મારી પત્ની મારા સરકારી કામને ઓછું મહત્ત્વ આપતી અને હું તેના ઘરકામને ઊતરતું ગણતો.
લગ્નના ચોથા વર્ષ સુધીમાં અમે વિચારોની આપ-લે કરવાનું બંધ કરી દીધું, કારણ કે એ શક્ય જ નહોતું. અમે કંઈ પણ બોલીએ એ સાથે જ સામેના પક્ષેથી વિરોધ વછૂટતો. જોકે, અજાણ્યા લોકો સાથે અમે ખૂલીને વાત કરી શકતા, પરંતુ એકબીજા સાથે નહીં. કોઈ બહારના માણસ સાથે મારી પત્ની વાત કરતી હોય ત્યારે મને એવો વિચાર આવતો કે બાપ રે! આ કેટલું જૂઠું બોલે છે અને પેલો પણ કેટલો ડોબો કે આના જુઠાણાને સાચું માને છે.
તો સ્થિતિ એવી થઈ કે ઘરમાં અમારી વાતચીત માત્ર સાવ સાદી બાબતો સુધી જ મર્યાદિત બની રહીઃ કેટલા વાગ્યા? જમવામાં શું બનાવ્યું છે? છોકરાને તાવ આવ્યો છે. બસ, વાત પૂરી.
આવા મર્યાદિત ઘરેલુ મુદ્દાની એક સાંકડી વિષયસૂચિ સિવાયના કોઈ પણ મુદ્દે વાત થાય તો મતભેદ અને તડાફડી પાક્કી. એને લાગતું કે એ જ હંમેશાં સાચી હોય છે અને મને લાગતું કે એની સરખામણીમાં હું સંત છું.
વચ્ચે-વચ્ચે શારીરિક પ્રેમની પળો આવતી, પરંતુ એ પળો પૂરી થયા પછી અમને એકમેક પ્રત્યે ચીડ ચડતી. બહુ મોડેથી હું એ સમજ્યો કે એ પ્રેમ અને ચીડ એકમેક સાથે જોડાયેલાં હતાં. ઉત્કટ પ્રેમ પછી આકરી ચીડ ચડતી અને સૌમ્ય પ્રેમ પછી માપસરની ચીડ ચડતી. સરવાળે એ પ્રેમ-ચીડ એક જ જનાવરી વૃત્તિની બે બાજુ હતી.
મારી પત્ની પોતાની જાતને ભૂલવા માટે અનંત ઘરકામમાં ડૂબી જતી. કપડાં, ફર્નિચર, બાળકોના પાઠ, દવાઓ વગેરે વગેરે. હું શિકાર, પત્તાં, દારૂ અને તમાકુમાં જાતને ખૂંપાડી દેતો. મારું ધૂમ્રપાન અને શરાબસેવન ખાસ્સાં વધી ગયાં. જમતાં પહેલાં વોડકા પીવાનો અને ભોજનની સાથે બે ગ્લાસ વાઈન. એકદમ ધુમ્મસમાં જીવતાં હતાં અમે. અમારાં દુઃખોને ટાળવા માટે અમે પોતપોતાની રીતે મથતાં હતાં. ડૉક્ટરો અમારા એ ઉધામાને કદાચ હિસ્ટેરિયા કે બીમારી કહી શકે, પરંતુ હકીકત એ હતી કે અમે ખોટી રીતે જીવવાનાં પરિણામો વેઠી રહ્યાં હતાં.
અમે બે કેદીઓ જેવાં હતાં. એક જ સાંકળથી બંધાયેલાં, એકબીજાને શાપ આપતાં, એકબીજાનું જીવન ઝેરી બનાવતાં, છતાં છૂટા ન થઈ શકતાં કેદીઓ.
જોકે, મને ત્યારે ખબર નહોતી કે સોમાંથી નવ્વાણુ પરિવારો આવા જ નરકમાં જીવતા હોય છે.
આગલા પ્રકરણમાં કથાનાયક પોઝ્નીશેફે બાળઉછેરનો અનુભવ કેટલો પીડાદાયક હોય છે એની વાત કરી અને આ પ્રકરણમાં પતિ-પત્ની વચ્ચેનું સામાન્ય જીવન કેટલું કડવાશભર્યું હોય છે એની વાત કરી. એની વાતોમાં વાસ્તવિકતાનો થોડો અંશ છે ખરો, પરંતુ એની રજૂઆત અતિરેકી છે. નવ્વાણુ ટકા કપલ્સ એકમેક સાથે નરક જેવું જીવન વિતાવતાં હોય છે એવો એનો અભિપ્રાય નોર્મલ નથી. આ અભિપ્રાય આપનારો પોતે પણ સાવ નોર્મલ નથી. એ એક એવો માણસ છે જે ત્રાસીને ખૂન કરવાની હદે જઈ ચૂક્યો છે. આવા એક માણસ દ્વારા આ બધી વાતો કહેવાઈ રહી છે એ યાદ રાખવું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
