ધારો કે કોઈ એક ગામમાં પહેલી વાર બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે. ગામમાં આ અગાઉ કોઈએ રક્તદાન કર્યું નથી અને યુવાનોના મનમાં પણ રક્તદાન અંગે કેટલીક ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે. તેમ છતાં કેટલાક સમજુ યુવાનો ડરતાં ડરતાંય રક્તદાન કરવા તૈયાર થાય છે ખરા. હવે થાય છે એવું કે આમાંના મોટાભાગના યુવાનો રક્તદાન પછી તરત જ લો બ્લડપ્રેશરને કારણે ચક્કર ખાઈને પડી જાય છે. સાચું પૂછો તો આ બધા યુવાનો તબિયતથી તગડા હતા. તેમ છતાં એમને ચક્કર આવી ગયાં. આવું કેમ થયું હશે? હકીકતે પ્રોબ્લેમ એ લોકોના મનમાં હતો!
હવે એક બીજો કેસ જુઓ. એક શ્રીમંત પરિવારમાંથી આવતી ગૃહિણીને છાશવારે ફેમિલી ડોક્ટર પાસે દોડી જવાની ટેવ છે. શરીરમાં કશી સમસ્યા ન હોય, તેમ છતાં પેલા બહેન અઠવાડિયામાં એકાદ વખત તો કોઈક ને કોઈક બહાને ડોક્ટર પાસે અવશ્ય દોડી જાય. ફેમિલી ડોક્ટર બહેનની વાત ધ્યાનથી સાંભળે અને ત્યાર પછી ગહન વિચાર કરતાં હોય એમ થોડી સેકન્ડ્સ પસાર થવા દઈ એ પછી કોઈ દવાને બદલે નાનાં બાળકોને ચગળવા આપી શકાય એવી, સાવ સામાન્ય ટીકડીઓ પડીકીમાં બાંધી આપે. હકીકતે આ ટીકડીઓ કેલ્શિયમની નિર્દોષ ટીકડીઓ જ હોય, પણ એ લીધા પછી જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ પેલા બહેનની સમસ્યાઓ બીજા જ દિવસે સવારે દૂર થઈ જાય છે! એટલું જ નહિ, પણ એમને શરીર એકદમ સ્ફૂર્તિલું-તરોતાજા લાગવા માંડે! આ કેસમાંય પ્રોબ્લેમ શરીરમાં નહિ પણ મનમાં છે.
ઓકે ફાઈન. ઉપર જણાવેલા બંને જુદા જુદા કેસીસમાં સમસ્યા મનની જ છે, પણ એકમાં પેશન્ટ ચક્કર ખાઈને ઢળી પડે છે, જ્યારે બીજામાં પેશન્ટની તબિયત સુધરી જાય છે. આ બંને માનસિક અવસ્થાઓ માટે અનુક્રમે `નોસિબો (Nocebo) ઈફેક્ટ' અને `પ્લેસિબો (Placebo) ઈફેક્ટ' જેવા શબ્દો વાપરવામાં આવે છે. હકીકતે આ બંને પરિસ્થિતિ માનવના મન અને શરીર વચ્ચેના સંબંધ - mind-body connectionનાં અદ્ભુત ઉદાહરણો છે. ઇન શોર્ટ, બંને ઘટનાઓ પાછળ વૈજ્ઞાનિક કારણ છે.
ઉપર બ્લડ ડોનેશન બાદ ઢળી પડેલા યુવાનોનું જે ઉદાહરણ આપ્યું, એ નકારાત્મક બાબતોની શરીર પર થતી વિપરીત અસર, એટલે કે નોસિબો ઈફેક્ટ દર્શાવે છે. જ્યારે કોઈ બાબત પ્રત્યે આપણે નકારાત્મક અભિગમ બાંધી લીધો હોય, ત્યારે એ બાબત એ રીતે જ આકાર પામે. પૂરતી જાણકારીને અભાવે પહેલી વખત બ્લડ ડોનેશન કરવા માટે માંડ માંડ રાજી થનારા યુવાનોના મનમાં સ્વાભાવિક જ એવો ડર હોવાનો, કે ક્યાંક વધુ પડતું લોહી શરીરમાંથી નીકળી જવાને કારણે આપણું શરીર નબળું તો નહિ પડી જાયને? આ વિચાર એટલી હદે હાવી થઇ જાય છે કે બ્લડ ડોનેટ કર્યા બાદ કોઈ પણ દેખીતા કારણ વિના અમુક લોકો બેહોશ થઈને ઢળી પડતા દેખાશે! આ થઇ નોસિબો ઈફેક્ટ.
પ્લેસિબો ઈફેક્ટની વાત કરીએ તો અમુક ચોક્કસ પ્રકારના દર્દીઓની `સારવાર'માં એ બહુ ઉપયોગી સાબિત થાય છે. પ્લેસિબો અસર એ એક મનોવૈજ્ઞાનિક અને જીવવિજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિને નકલી અથવા નિષ્ક્રિય (inactive) સારવાર આપવામાં આવે છે, પરંતુ વ્યક્તિ તેને અસરકારક દવા માનીને સુધારો અનુભવે છે.
માઇન્ડ-બોડી કનેક્શન
હકીકતે આ આખો ખેલ શરીર અને મન વચ્ચેના જટિલ સંબંધોને કારણે રચાય છે. સામાન્ય બોલચાલની ભાષામાં આપણે એને માઈન્ડ-બોડી કનેક્શન તરીકે ઓળખીએ છીએ. તમે કોઈ બાબત ઉપર બહુ ગંભીરતાથી કશુંક પોઝિટિવ કે નેગેટિવ વિચારતા હોવ, એની અસર તમારા મગજ ઉપર પડ્યા વિના રહેતી નથી. આ આખી બાયોકેમિકલ પ્રોસેસ બહુ રસપ્રદ છે.
ધારો કે, તમે કશુંક પોઝિટિવ વિચારો છો. દાખલા તરીકે, દવા લઈશ એટલે મારી બીમારી મટી જશે. હવે તમારો આ આશાવાદ મનમાં વિશ્વાસ અને સાજા થવાની અપેક્ષા પેદા કરે છે. આ પ્રકારના ભાવોને કારણે નેચરલ પેઈનકિલર ગણાતું એન્ડોર્ફિન તેમજ આનંદની લાગણી પેદા કરતું ડોપામાઈન સહિતનાં રસાયણો (ન્યૂરોટ્રાન્સમીટર) પેદા થાય છે, જે પીડાને ઘટાડે છે અને સુખાકારીની ભાવના વધારે છે.
આ હોર્મોન્સને `ફીલ-ગુડ' અથવા પેઇનકિલર હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોર્મોન્સ પીડિત વ્યક્તિને વાસ્તવિક રાહત આપે છે.
મજાની વાત એ છે કે જે રીતે એઆઈ પોતાની મેળે શીખતું રહે છે, એમ માનવ શરીર પણ પોતાના અનુભવો નોટ કરી કરીને શીખતું રહે છે. એક વાર ફેમિલી ડોક્ટરની દવાથી સાજો થઈ જનાર વ્યક્તિ બીજી વખત પણ ફેમિલી ડોક્ટરની દવા લીધા બાદ જૂના અનુભવોને આધારે એવી માન્યતા બાંધી લે છે કે પોતે સારો થઇ જશે. તમે આને એક પ્રકારનું માઈન્ડ હેકિંગ પણ ગણી શકો.
હવે જીવનમાં આવતા ભાવનાત્મક ઉતાર-ચઢાવ વખતે જો તમે જાતને સધિયારો આપતા રહો અને ડિપ્રેશનનો શિકાર ન થઇ જાવ, તો નોસિબો અને પ્લેસિબો ઈફેક્ટસ વિશે મેળવેલી માહિતી લેખે લાગશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો