મહાભારતના `શાંતિપર્વ'માં પિતામહ ભીષ્મ અને યુધિષ્ઠિરના સંવાદો માત્ર રાજધર્મના નિયમો નથી, પરંતુ માનવ જીવન, નેતૃત્વ અને સાચી વિવેકબુદ્ધિની અત્યંત ઊંડી વાતો છે. અહીં ભીષ્મ એક જગ્યાએ લીડરશિપને લઈને અદ્ભુત અને ચોટદાર વાત કરે છે. તેઓ કહે છે કે લીડરે એ સમજણ ખાસ કેળવવાની થાય છે કે તેને એ વાસ્તવિક ખ્યાલ હોય કે તેણે પોતાના જીવનમાં કે શાસનમાં કેટલાં યુદ્ધો લડવાનાં છે અને કેટલાં યુદ્ધોથી ધરાર દૂર રહેવાનું છે.
આપણને સામાન્ય રીતે એવું શીખવવામાં આવતું હોય છે કે દરેક સવાલનો જવાબ આપવો કે સામે આવતી દરેક મુશ્કેલી સામે છાતી ઠોકીને લડી પડવું એ જ બહાદુરી છે, પરંતુ પિતામહ ભીષ્મ આ વાત સાથે સદંતર અસહમત થાય છે. તેઓ કહે છે કે જો કોઈ લીડર તેની સામે આવતું દરેક નાનું-મોટું યુદ્ધ લડવા જશે, તો તે વહેલો કે મોડો સંપૂર્ણપણે ખૂંવાર થઈ જશે, કારણ કે આખરે દરેક યુદ્ધની એક ભયાનક કિંમત હોય છે. ચાહે એ રણમેદાન પર લડાતું યુદ્ધ હોય, વેપાર ધંધાની સ્પર્ધા હોય કે આપણા પોતાના રોજના વિવાદો હોય. દરેક સંઘર્ષ માણસની તાકાત, સમય, સંપત્તિ અને મનની આંતરિક શાંતિ નીચોવી લે છે.
ભીષ્મ યુધિષ્ઠિરને ગૂઢ નીતિ સમજાવતા કહે છે કે અણસમજુ લીડર પોતાના અહંકારમાં આવીને બિનજરૂરી મોરચે પોતાની શક્તિ વેડફી નાખે છે. જ્યારે એક ચતુર અને દીર્ઘદૃષ્ટા નેતા માત્ર એ જ યુદ્ધ લડે છે, જે તેના અંતિમ લક્ષ્ય કે રાજ્યના ભવિષ્ય માટે અનિવાર્ય હોય. જે યુદ્ધ જીત્યા પછી પણ નુકસાન જ થવાનું હોય, અથવા જે સંઘર્ષ માત્ર ક્ષણિક અહંકારને સંતોષવા માટે થતો હોય, તેને લડવાની મૂર્ખામી કોઈ વિવેકી માણસ ક્યારેય કરતો નથી.
હવે અહીં સવાલ એ થાય કે તો પછી શું લીડરે નિષ્ક્રિય થઈ જવું? કશું જ કર્યા વગર હાથ પર હાથ ધરીને બેસી રહેવું? બિલકુલ નહીં. ભીષ્મ કહે છે કે બીજી તરફ લીડરે સતત પ્રયત્નશીલ રહીને પ્રગતિ તો કરવાની જ હોય છે. સ્થિર થઈ જવું કે કામ ટાળીને બેસી રહેવું એ તો વિનાશ તરફ લઈ જાય છે, પરંતુ સાચી ચતુરાઈ એમાં છે કે લીડરે અમુક બિનજરૂરી સમસ્યાઓ, અડચણો કે નકામા વિવાદોને ધરાર અવગણવાના હોય છે.
આ અવગણના એ કોઈ કાયરતા કે પલાયનવાદ નથી, પણ એ લીડરશિપની અત્યંત ઉચ્ચ કક્ષાની વ્યૂહરચના છે. દરેક વાતનો જવાબ આપવા જવું, દરેક નાની ટીકા સામે સાક્ષી પૂરવા નીકળવું કે દરેક નાનકડા વિરોધ સામે મોરચો માંડવો એ કોઈ બુદ્ધિમાની નથી. જો તમે રસ્તામાં ભસતા દરેક પ્રાણી પર પથ્થર મારવા રોકાશો, તો તમે તમારી મંજિલ સુધી ક્યારેય પહોંચી શકવાના નથી. એટલે જ ભીષ્મ કહે છે કે લીડરે પોતાનું આખું ધ્યાન અને પોતાની તમામ ઊર્જા માત્ર પોતાના મુખ્ય લક્ષ્ય પર જ કેન્દ્રિત રાખવી જોઈએ. જે સમસ્યાઓ કે નાનાં યુદ્ધો તમારા મુખ્ય લક્ષ્ય સાથે જોડાયેલા જ નથી, તેને શાંતિથી પસાર થઈ જવા દેવા એ જ સાચી સજાગતા છે.
આપણા અંગત જીવનમાં અને કરિયરમાં પણ આપણે સતત એવા લોકો અને પરિસ્થિતિઓથી ઘેરાયેલા હોઈએ છીએ, જે આપણી માનસિક ઊર્જા બગાડવા માટે જ ઊભા થયા હોય છે. જો આપણે દરેક વાતમાં પ્રતિક્રિયા આપવા માંડીશું, તો આપણું મન સતત વ્યગ્ર અને અશાંત રહેશે. જેના મનમાં શાંતિ નથી, તે ક્યારેય કોઈ નવું કે મોટું કામ કરી શકવાનો નથી.
ભીષ્મ સ્પષ્ટ કહે છે કે વિવેકબુદ્ધિથી પસંદ કરેલાં યુદ્ધો જ માણસને કીર્તિ અને સમૃદ્ધિ અપાવે છે. જે યુદ્ધમાં વિજય મળ્યા પછી પણ તમારો સંસાર કે આખી સંસ્થા બરબાદ થઈ જતી હોય, તેને ભીષ્મ ક્યારેય `વિજય' નથી ગણતા પણ એને `પરાજય' જ ગણે છે, તેથી એક ઉત્તમ લીડરે પોતાની ઊર્જા અને સમયનું સાચું કેલ્ક્યુલેશન કરવું જોઈએ.
ઈનશોર્ટ, આ આખી વાતનો અર્ક એ જ છે કે જીવનમાં જો અવિચળ પ્રગતિ કરવી હોય અને મનની શાંતિ જાળવી રાખવી હોય, તો ક્યારેક સામે ચાલીને કૂદી પડવા કરતાં `પાછા હટી જવામાં' કે અમુક વાતોને `અવગણી દેવામાં' જ વધારે મોટો વિજય છુપાયેલો હોય છે. બધા જ મોરચે એકસાથે લડીને ખૂંવાર થઈ જવા કરતાં અમુક નકામાં યુદ્ધો ક્ષમતા હોવા છતાં ન લડવાં એ જ સાચી લીડરશિપ છે અને એ જ જીવન જીવવાની શ્રેષ્ઠ રીત છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો