કોઇ પણ વ્યક્તિના સ્વભાવ, ટેવ અને વાણી-વર્તનનું પિષ્ટપેષણ કરવું એ માનવ સ્વભાવ છે. માણસને એ જેવો છે તેવો સ્વીકારી દિલથી પ્રેમ કરવો એ મોટો પડકાર છે. અરે! ઘણી વાર તો જેની સાથે ખાસ કોઇ લેવાદેવા નથી એવી વ્યક્તિની જન્મકુંડળી કાઢીને એના વિશે અભિપ્રાય આપવાની આપણને મજા આવે છે. આપણે ક્યારેય આપણી જાતને એવું નથી પૂછતાં કે કોઇ વ્યક્તિ સારી છે કે ખરાબ? લુચ્ચી છે કે ભોળી એ નક્કી કરીને અભિપ્રાય આપવાનો અધિકાર આપણને કોણે આપ્યો? અને કોઇને જજ કરવાની આપણી લાયકાત છે ખરી? કોઇને જજ કરીને, ટેગ કે ખરાં-ખોટાં લેબલ લગાવીને આપણે એમની સાથે તો અન્યાય કરીએ જ છીએ, પરંતુ ખુદને પણ નેગેટિવ બનાવીએ છીએ. આશ્ચર્યની વાત તો એ છે કે જજ કરવામાં આપણે નાનાં બચ્ચાંઓને પણ નથી છોડતાં. આપણી માનસિકતાને વ્યક્ત કરતાં કેટલાંક ઉદાહરણ જોઇએ.
પાંચ વર્ષનો એક છોકરો ઘરમાં તોફાન-મસ્તી કરે છે. આવતાં-જતાંને છેડે છે. કોઇ કંઇ કહે તો મોં બનાવે છે. બાળકનાં બાળસહજ તોફાનોને સહજતાથી લેવાને બદલે દાદા કહેશે કે આ તો એના બાપ કરતાં પણ વધારે અળવીતરો છે. તો કોઇ કહેશે કે ઓ બાપ રે! આવો બદમાશ છોકરો તો મેં જોયો જ નથી. આ છે જજ કરવાની મનોવૃત્તિ. ટેગ લગાડવાની આદત. બાળકને અળવીતરો કે બદમાશ ચીતરવાનો કોઇ મીનિંગ ખરો? એણે તમારું કશું બગાડ્યું નથી અને બાળકનું મન અને વર્તન બંને ચંચળ હોય છે. એમાં નિર્દોષતાની સાથે કુતૂહલતા અને અલ્લડતા પણ હોવાની. એને જજ કરવાનો ન તો આપણને અધિકાર છે કે ન લાયકાત છે.
પરિવારમાં નવી વહુ પરણીને આવે છે એટલે પહેલાં લોકો એના દેખાવને અને પછી સ્વભાવ અને હોશિયારીનું વિશ્લેષણ કરશે. યાર, આ તો ખાસ્સી કાળી છે, વટનો કટકો છે, આવડત તો છે નહીં ને એટિટ્યૂડ તો કલેક્ટર જેવો છે. કોઇને મળીએ એટલે તરત જ આપણે એમનો આખો એક્સ-રે લઇએ, નખશિખ ઓબ્ઝર્વેશન કરીએ અને પછી શું સારું અને શું ખરાબ એનું એનાલિસિસ કરીએ. આટલેથી અટકવાને બદલે આપણાં જ્ઞાનને, આપણી ધારણાને તથા અભિપ્રાયને લોકો સમક્ષ ગર્વભેર વ્યક્ત કરીએ. અરે! નાનકડી છોકરી હોય તો પણ એને જાડી કે કાળી કહીને જજ કરીશું. કોઇ ઓછું બોલે તો મીઠું અને વધારે બોલે તો બોલ બચ્ચન કહીને જજ કરીશું. કોઇ ઓછું કમાય તો એની આવડતની ઠેકડી ઉડાવીશું અને વધારે કમાય તો નક્કી દાળમાં કંઇ કાળું છે એમ કહીને એની નીતિ-રીતિને વગોવશું. સવાલ એ છે કે આપણે શા માટે કોઇને માણસ તરીકે જ સ્વીકારવાને બદલે ટેગ આપીને વગોવીએ છીએ?
કદાચ આપણું મન એટલું બધું નવરું છે કે કોઇને જોતાં જ એ સારું-ખરાબ નક્કી કરીને જજ કરવા માંડે છે. કોઇ કાળું-જાડું છે એમાં એ શું કરી શકે? કોઇનામાં સ્માર્ટનેસ ઓછી હોય તો એને જજ કરવાનો બધાને અધિકાર મળી જાય? અરે! નવજાત શિશુને પણ નિર્દોષભાવે રમાડવાને બદલે એની મુખમુદ્રાને જજ કરીએ છીએ. જોને કેવું લુચ્ચું હસે છે. અરે! આ તો એનાં મા-બાપથી સાવ અલગ જ લાગે છે. ડી.એન.એ. મેચ કરાવવો પડશે. શા માટે આપણે આટલા જજમેન્ટલ છીએ? જેઓ ખુદને ખૂબ હોશિયાર સમજે છે બધા વચ્ચે પોતાની વાતનું વજન પડે છે એવો ફાંકો રાખે છે. તેઓ વારંવાર વગર પૂછ્યે બીજા માટે અભિપ્રાય આપશે. બીજાને જજ કરવામાં એમનો ઇગો સંતોષાય છે. હું તો માણસને નખ પરથી ઓળખી કાઢું એવા ખુદના વહેમને તેઓ જજમેન્ટલ બની સાચો ઠેરવે છે.
વાસ્તવમાં હોશિયાર હોવા છતાં સામી વ્યક્તિનાં પ્લસ-માઇનસ જાણ્યા પછી એને માનવ સહજ ગુણો ગણી તટસ્થ રહેવું એ મોટો પડકાર છે. એ માટે ધીરજ જોઇએ, સમજણ અને સંવેદન જોઇએ અને ખાસ તો માણસને એનાં સારા-ખરાબ સ્વરૂપે સ્વીકારવાની ભાવના જોઇએ. જે લોકો ખૂબ નેગેટિવ છે તેઓ તરત જ જજમેન્ટલ બને છે. અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાતી એમ એમને માણસમાં રહેલી બુરાઇ જ દેખાય છે. ખૂબ સારા માણસમાં પણ એમને કોઇ ને કોઇ ખોટ દેખાઈ જ જાય. મે બી એમનો ઉછેર જ ટીકા સાથે થયો હોય, લોકોએ એમને હંમેશાં જજ કર્યા હોય, પણ એમાંથી બોધ લેવાને બદલે તેઓ એમની સાથે જે થયું એનું પુનરાવર્તન બીજા સાથે કરે છે. ત્રીજા પ્રકારના લોકો મૂર્ખ હોય છે. એમનામાં બીજાની લાગણીની ચિંતા કર્યા વિના મનમાં જે આવે તે બોલી દેવાની ટેવ હોય છે અને ચોથા પ્રકારના લોકો ચાલક અને પરપીડક હોય છે. એમને બીજાને જજ કરવામાં, સાચું-ખોટું સંભળાવવામાં કે ચાર માણસ વચ્ચે કોઇને બેઇજ્જત કરવામાં ખૂબ મજા પડે છે. કોઇને ખરાબ ચીતરવામાં એમના દિલને સુકૂન મળે છે. તેઓ જાણીજોઈને બીજાને જજ કરશે.
આ તો થઇ માણસના વ્યક્તિત્વની વાત, પરંતુ પરિવારમાં કોઇનાં લગ્ન ન થતાં હોય, કોઇ વારંવાર બહાર ફરવા જતું હોય? લેટ નાઇટ ઘરે આવતું હોય, બાળકો ન થતાં હોય કે પેરેન્ટ્સ સંતાનોથી અલગ રહેતાં હોય દરેક બાબતે એમને જજ કરવાની આદત હોય છે. ખબર નહીં કેમ સહુને ન્યાયાધીશ બનવું બહુ ગમે છે. જજ કરતા પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. જેમ કે,
જજ કરનાર વ્યક્તિ કોઇને ગમતી નથી, બધા એનાથી દૂર ભાગે છે.
જજ કરનારની છબી નકારાત્મક બને છે.
એમના પર કોઇ ભરોસો કરતું નથી. નજીકના લોકો પણ એમને કશું શેર નથી કરતા.
જજમેન્ટલ પ્રકૃતિ માણસની સારી બાબતોથી દૂર કરે છે.
તેઓને સામી વ્યક્તિની વાસ્તવિકતાની ખબર નથી હોતી, તેથી તેઓ ઘણીવાર મૂર્ખ અને જડ સાબિત થાય છે.
આવા લોકો દલીલ-ઝઘડા વગેરેને કારણે તણાવમાં રહે છે.
કોઇને પણ જજ કરવા એ નકારાત્મક વૃત્તિ છે અને નકારાત્મક માણસને હંમેશાં આનંદથી દૂર રાખે છે.
તેઓ બીજા લોકોનાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનને તોડે છે.