દૂધને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે. આપણા રોજિંદા આહારમાં દૂધનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધમાંથી પ્રોટીન, મિનરલ્સ અને કેલ્શિયમ જેવાં પોષકતત્ત્વો મળે છે, પરંતુ આપણે અવારનવાર દૂધમાં ભેળસેળ થતી હોવાનું અને નકલી દૂધ વેચાતું હોવાનું વાંચીએ-સાંભળીએ છીએ. મિલાવટી મિલ્ક સંપૂર્ણ આહાર મટી આરોગ્યને નુકસાન કરે છે. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનાં પાંચેક ગામોના 16 લોકોનાં મોત ભેળસેળયુક્ત દૂધ પીવાથી થયાં હોવાની ઘટના હજી થોડા મહિના પહેલાંની જ છે. દૂધમાં ભેળવેલા ઝેરી તત્ત્વની અસર આ લોકોની કિડની પર થઈ અને મોત પણ થયાં.   

ઊજળા દૂધનો કાળો કારોબાર માંડી બેઠેલા લોકો દૂધમાં પાણી મેળવે તે તો હવે સાવ સામાન્ય બાબત છે, પરંતુ દૂધમાં યુરિયા, કોસ્ટિક સોડા, ગ્લુકોઝ, ડિટર્જન્ટ, બ્લીચ, સફેદ રંગ, રિફાઈન્ડ તેલ, ફોર્મેલિન અને બીજાં રસાયણો ભેળવવામાં આવે છે. નેશનલ સર્વે ઓફ મિલ્ક અડલ્ટ્રેશનમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે. મિલાવટ કરનારા પાણી ભેળવીને દૂધનું પ્રમાણ વધારે છે. તેનાથી દૂધ પાતળું થઈ જાય તો ડિટર્જન્ટ ભેળવીને દૂધને જાડું કરે છે અને ફીણ વળે છે. યુરિયા દૂધમાં મિક્સ કરીને પ્રોટીનયુક્ત દૂધ હોવાનું પુરવાર કરવામાં આવે છે. આ અને આવી ભેળસેળ માનવ શરીર માટે ઘાતક બને છે, તેથી દૂધ સંપૂર્ણ ખોરાક મટીને ઝેર બની જાય છે.   

સંસદના અંદાજપત્ર સત્રમાં રાજ્યસભામાં જીરો અવર્સમાં તે વખતના આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ દૂધમાં ભેળસેળનો મુદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે દૂધના 71 ટકા નમૂનામાં યુરિયા અને 64 ટકામાં ન્યૂટ્રલાઈઝર જોવા મળ્યું છે. તેમણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા

(FSSAI)ના મિલ્ક સર્વેલન્સ રિપોર્ટનો હવાલો આપ્યો હતો. આ અહેવાલ પ્રમાણે 2022માં જે 798 દૂધના નમૂનાની તપાસ થઈ હતી તેમાંથી અડધામાં મિલાવટ જોવા મળી હતી. દર ત્રણમાંથી એક નમૂનો ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ હતો. 2015 કરતાં 2018માં દૂધમાં ભેળસેળ 16.4 ટકા વધી હતી. સ્વતંત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ ટ્રસ્ટિફાઈડના રિપોર્ટમાં દેશના પ્રતિષ્ઠિત બ્રાન્ડના પેકેજ્ડ દૂધમાં કોલિફોર્મ નામના હાનિકારક બેક્ટેરિયા નિર્ધારિત મર્યાદા કરતાં 98 ગણા વધુ જણાયા હતા.ઉત્તર ભારતમાં કાચા દૂધના 47 ટકા, પશ્ચિમ ભારતના 23 ટકા, દક્ષિણ ભારતના 18 ટકા અને પૂર્વના 13 ટકા નમૂના અપ્રમાણિત હતા. આ હકીકતો દૂધમાં ભેળસેળનું પ્રમાણ કેટલું હાનિકારક અને વધારે પ્રમાણમાં છે તે દર્શાવે છે.   

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળમાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહિરના એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દૂધના નમૂનાઓના પરીક્ષણમાં તે નિયત ધોરણ મુજબનું કે હલકી ગુણવત્તાનું હોવાનું માલૂમ પડેલ છે, પરંતુ કેમિકલયુક્ત જણાયું નથી. 11648 નમૂનાઓના પરીક્ષણમાંથી 868 નમૂના નિયત ધારાધોરણ કરતાં સબસ્ટાન્ડર્સ જણાયા હતા, જે કુલ નમૂનાના 7.45 ટકા છે.   

આંધ્રપ્રદેશમાં મિલાવટી દૂધના કારણે 16 લોકોનાં મોતનો હાહાકાર મચ્યો હતો ત્યારે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તિરુમાલા મંદિરમાં ભેળસેળયુક્ત ઘીના ઉપયોગથી લાડુ બન્યા હોવાનું જણાવી રહ્યા હતા. પૂર્વ સરકારના 2019થી 24ના સમયગાળા દરમિયાન 59.71 લાખ લિટર મિલાવટી ઘીથી 20 કરોડ લાડુ બનાવવામાં આવ્યા હતા અને મોટા પાયે ખાયકી થઈ હતી. તેના ઉકેલ માટે રૂ. 25 કરોડના ખર્ચે 40 લોકોની 

ટીમ સાથેની એક લેબોરેટરી બનાવી છે, જે લાડુના સ્વાદ અને સુગંધની તપાસ કરશે. ઈ ટંગ અને ઈ નોઝ બંને સેન્સર અને કમ્પ્યૂટર્સ સિસ્ટમ આધારિત છે, જે ઈલેક્ટ્રોનિક જીભ અને નાકથી ભેળસેળનું પરીક્ષણ કરશે.   

જોકે, વેંકટેશ્વર મંદિર જેવી મોંઘી નહીં તો સસ્તી અને સરળ પદ્ધતિથી ભેળસેળ પકડવા માટે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના 26 વર્ષીય ધ્રુવ તોમરે દૂધની શુદ્ધતાના પરીક્ષણ માટે પેપર પ્રો તૈયાર કર્યું છે. 40 રૂ.ની કિંમતનું અને ખિસ્સામાં રાખી શકાય તેવા આ કાર્ડ પર દૂધનાં થોડાં ટીપાં નાંખીને દૂધની મિલાવટ પકડી શકાય છે. ગ્રાહકો અને નાના દુકાનદારો માટે તે ઉપયોગી બની શકે તેમ છે.

દૂધના ઉત્પાદન અને વપરાશમાં સમગ્ર દુનિયામાં ભારત અવ્વલ છે. હાલ ભારતમાં 239.30 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થાય છે. 

વિશ્વના કુલ દૂધના ઉત્પાદનમાં ભારતનું યોગદાન ચોથા ભાગનું કે 25થી 32 ટકા આસપાસનું છે. 1951માં ભારતમાં 17 મિલિયન ટન દૂધનું ઉત્પાદનં થતું હતું, આજે 240 મિલિયન ટન ઉત્પાદન થાય છે. દેશના જીડીપીમાં તેનો ફાળો 5 ટકા છે. દેશમાં દૂધાળાં પશુઓ 112 મિલિયન છે. આ બધાં કારણોથી 2026માં દેશ 242 મિલિયન ટન દૂધના ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે. જોકે, દૂધમાં થતી ભેળસેળ માટે દૂધના ઉત્પાદન કરતાં તેનો વપરાશ વધુ હોવાથી તેનો લાભ લઈને ભેળસેળ થતી હોવાની આશંકા રહે છે. દૂધના ઉત્પાદનના ચોક્કસ આંકડા મળે છે, પરંતુ ઉપયોગના મળતા નથી, તેથી આ આરોપ પુરવાર કરી શકાતો નથી.   

દૂધના વપરાશકર્તા અને ગ્રાહકોએ પણ દૂધમાં થતી મિલાવટથી બચવા સાવધ રહેવાની જરૂર છે. ગ્રાહકોએ દેશની પ્રતિષ્ઠિત કંપનીનું જ દૂધ ખરીદવું જોઈએ. દૂધના વપરાશની એક્સપાયરી ડેટ સાથે તેના પેકેજિંગની ડેટ પણ ખાતરી કરીને ખરીદવું જોઈએ. દૂધને ચોખ્ખા વાસણમાં સારી રીતે ઉકાળીને ઢાંકીને રાખવાની કાળજી લેવી જોઈએ. દૂધને ઉકાળીને રાખવાથી બેક્ટેરિયા નાશ પામે છે. સરકારી તંત્ર ભેળસેળ અટકાવવામાં નાકામ હોય ત્યારે ગ્રાહકોએ જ જાગ્રત થવું રહ્યું. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો