નવેમ્બર હંમેશાં ઓરમાન બાળક જેવો મહિનો લાગ્યો છે. વધારાનો મહિનો. પતિ-પત્નીએ પ્લાનિંગ ન કર્યું હોય અને તો પણ ટપકી પડ્યું હોય એવું બાળક એટલે કેલેન્ડરમાં નવેમ્બરનો મહિનો. આ મહિનાની જરૂર શું છે?

કંઈ જ નહીં. નવેમ્બર પાસે કોઈ વ્યક્તિત્વ જ નહીં. ના કોઈ આગવી વિશેષતા, ના કોઈ રસપ્રદ વાર્તા કે ના કોઈ સમૃદ્ધ વારસો. વર્ષ પૂરું થવાને આડે જે એક મહિનો બાકી હોય એને પણ આડે આવતો મહિનો એટલે નવેમ્બર. અધિક માસ જે સાલ ન હોય એ સાલ દિવાળી પણ ઓક્ટોબરમાં આવીને ચાલી જાય. ક્રિસમસ કે વિન્ટર ફેસ્ટિવલ ડિસેમ્બરમાં આવે. કાતિલ ઠંડી ડિસેમ્બર ને જાન્યુઆરીમાં પડે. ખૂબ ગરમી માર્ચ-એપ્રિલ-મેમાં. વસંતઋતુ ફેબ્રુઆરીમાં. વરસાદ જૂન-જુલાઈ-ઓગસ્ટમાં. સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં મહાન માણસોના જન્મદિવસ હોય અને વરસાદ પછીની સીઝન માટેની તૈયારીઓ હોય. આ બધામાં નવેમ્બર વધારાનો મહિનો સાબિત થયો છે.

પણ પછી સાવ કંઈ નવેમ્બર માટે માનવજાત નિર્દયી વર્તન કરે એવું થોડું ચાલે? માન્યું કે નવેમ્બર પાસે ખાસ કોઈ તહેવાર-તિથિ કે આઝાદી દિવસ નથી. કોઈ તહેવાર-ઉજવણી કે ફેસ્ટિવલ નથી થતા. તો શું? નબળા બાળકને ત્યજી દેવાય? ઠોઠ નિશાળિયા ઉપર તો વધુ વહાલ વરસાવાય. એટલે જ અમુક ડાહ્યા (અને અમુક દોઢડાહ્યા) માણસોએ નવેમ્બરના મહિનામાં અમુક ટ્રેન્ડ ઘુસાડ્યા છે. ઈન્ટરનેટ પ્રચલિત ન હતું ત્યારે આવેલો ટ્રેન્ડ એટલે નો શેવ નવેમ્બર અને ઈન્ટરનેટ પ્રચલિત થયું એના પછી ઘુસાડેલી ફેશન એટલે નો નટ નવેમ્બર. હવે જે પણ વિરાટવાચકોને નો નટ નવેમ્બરનો અર્થ ખબર હશે એ મનમાં મલકાતા હશે (કે અપરાધભાવ અનુભવતા હશે) અને જેને ખબર નથી એ ધરપત રાખે, આગામી ફકરાઓમાં ખ્યાલ આવી જશે, પણ આ બે ટ્રેન્ડ એવા છે કે નવેમ્બર મહિનાનું જ માત્ર એનાલિસિસ કરીએ તો માનવજાતની સુવૃત્તિ અને કુવૃત્તિ વિશે ખ્યાલ આવે, તેના દિલની વિશાળતાની ખબર પડે અને આત્મ-સંયમ-જ્ઞાનનો પણ મહિમા ગાઈ શકાય.

બે ટ્રેન્ડમાંથી જે ટ્રેન્ડ વિશે વાત કરતા શરમ આવે એવું નથી એની વાત કરીએ. નો શેવ નવેમ્બરમાં ખરેખર ઘણા લોકો દાઢી કરતા નથી કે વાળ કપાવતા નથી. હા, આપણો શ્રાવણ એ અમેરિકનો અને બ્રિટિશરોનો નવેમ્બર, પણ શું કામ એવું? રેઝર કંપનીઓને ફટકો નથી પડતો શું? એ તો મહાદેવ જાણે પણ નવેમ્બરમાં કેશકર્તન ન કરવાનું એક ઉમદા કારણ છે. એ એક ચેરિટેબલ ચળવળ છે કેન્સરના પેશન્ટોને મદદ કરવા સારુ. 2000ની સાલમાં ઈન્ટરનેટ ભાખોડિયાં ભરતું હતું ત્યારે અમુક નેકદિલ નેટિજનોએ આ મૂવમેન્ટ ચાલુ કરી. નવેમ્બરનો આખો મહિનો રેઝરને હાથ અડાડવાનો નહીં કે સલૂનમાં જવાનું નહીં. આમ કરવાથી જે પૈસા બચે એ કેન્સર દર્દીઓની સારવારની સહાયમાં આપવાના. એ જ દાયકામાં ઓસ્ટ્રેલિયામાં નવેમ્બર મહિનાને મોવેમ્બર તરીકે ઊજવવામાં આવતો. મેન્સ એટલે કે પુરુષોના સ્વાસ્થ્યની જાગૃતિ. પ્રોસ્ટેટથી લઈને વૃષણના કેન્સર જેવા પુરુષપ્રધાન રોગો પરત્વે જાગૃતિ માટે. આ મહિનામાં ઘણા પુરુષો હિમાલયમાં ફરતા યોગીબાવા જેવા લાગતા હોય છે. ભારતમાં જે પણ ડાહ્યા યુવાનો નવેમ્બરમાં દાઢી નથી કરતા એ મેડિકલ ફિલ્ડમાં દાન કરે છે?

બીજો ટ્રેન્ડ છે નો નટ નવેમ્બર. સ્ટોઇસીઝમ - સમદર્શીવાદનો ઈન્ટરનેટિયો કઝીન. લગભગ રેડિટમાંથી 2011ની આસપાસ આની શરૂઆત થઈ હતી. આ એક ચેલેન્જ છે કે નવેમ્બર મહિનામાં એટલે કે ઠંડીની શરૂઆત થતી હોય એવા સમયમાં પુરુષે વિષય-ભોગથી અલિપ્ત રહેવાનું. શારીરિક સમાગમની ત્રીસ દિવસ માટે બાધા લઈ લેવાની. સ્વયંને પણ સુખ આપવું નહિ કે પાર્ટનર પાસેથી પણ ચરમસુખની લાલચ રાખવી નહીં. ટૂંકમાં, છિછોરે ફિલ્મના સેક્સા કેરેક્ટર જેવું કંઈ કરવું નહીં. આ થયું અસલ બ્રહ્મચર્ય. જેનો મહિમા શાસ્ત્રો, હઠયોગીઓથી લઈને ગાંધીજી સુધીના ઘણા મહાપુરુષોએ ગાયો છે (અને અધૂરા ઘડાએ જેની વિચાર્યા સમજ્યા વિના ટીકા કરી છે.) આ છે ઈન્ટરનેટની તાકાત. અંગત પડકારને જાહેર પર્ફોર્મન્સમાં ફેરવવાની કળા ઇન્સ્ટાગ્રામ જનરેશન પાસેથી શીખવા જેવી છે. નો નટ નવેમ્બરને ખૂબ વિશાળ પ્રતિસાદ મળ્યો અને લોકો તેને ફોલો કરી રહ્યા છે. ડોપામાઇન ડિટોક્સ, સેલ્ફ કંટ્રોલ અને મર્દાનગીની જાળવણી જેવા હેતુ માટે પણ ઘણા પુરુષો આ મહિનાના શુષ્કપણાને ભીની આંખો સાથે ઊજવે છે.

આ મહિનો હેર અને હોર્મોન્સનો છે. અહીં સંયમની ફિલસૂફી છે. જીવન જીવવાનો આ તરીકો પણ આજની પેઢીને સાચો લાગે છે, કારણ કે કહેવાતો આધુનિક સમય અનહદ ભોગવિલાસને ગ્લોરિફાય કરે છે. બીન્જ વોચિંગ નેટફ્લિક્સ, બીન્જ ઇટિંગ, બીન્જ ડેટિંગ. ક્યાંય લિમિટ નહીં. તો લિમિટ ક્યાં મૂકવાની? બહુ બધું સતત કરવાની સામે ક્યારેક કંઈ ન કરવું એ પણ સંતુલન માટે જરૂરી હોય છે. માટે આ નવેમ્બરનો સિદ્ધાંત કે ઊગવા દો વાળ. એ પ્રતીક છે અતિ વપરાશની સામે લઘુતમ પ્રતિક્રિયાનું. યુવાનોને પોતાની વધેલી દાઢીવાળો ફોટો ઇન્સ્ટામાં સ્ટોરી તરીકે મૂકવો ગમે છે તો એમાં કંઈ ખોટું નથી. આમ પણ ઇતિહાસ તરફ નજર કરીએ તો વધેલી દાઢી એ બળવાનું બળકટ પ્રતીક રહ્યું છે. ચે ગૂવેરાથી લઈને અપ્રસ્તુત કાર્લ માર્ક્સ સુધી, ઋષિ-મુનિઓથી લઈને રજનીશ સુધી, રોકસ્ટાર ગાયકોથી લઈને

નેતાઓ સુધી બધા દાઢી વધારે છે ને એ વધેલી દાઢી આખા સમાજને જાણે કંઈક કહેવા માંગે છે. એ વધેલી દાઢી નથી, પણ પોતાનું સ્ટેટમેન્ટ છે, પોતે સ્વતંત્ર રીતે લીધેલું સ્ટેન્ડ છે.

નવેમ્બરમાં બ્રહ્મચર્ય એ આજના સંસારીઓનો આધુનિક સંતવાદ છે. ફેરારી વેચી નાખતા સાધુની ચોપડી વાંચતા આજના યુવાનોને સમજાયું છે કે અતિ ઉત્તેજના બહુ ફાયદાકારક નથી. પોતાનાં તન અને પોતાના મન પર ખુદનું નિયંત્રણ કેમ ન હોય? બ્રહ્મચર્ય પાળવાથી કંઈ સુપરમેન નથી બની જવાતું, પણ મનને આદત પડે છે. આદતોને જરૂર પડ્યે છોડવાની-છોડી શકવાની. આ ડિજિટલ કેપિટાલિઝમનો જમાનો છે. આપણી ઈચ્છાઓ પણ આપણા અલ્ગોરિધમ મુજબ બદલાતી રહે છે. ઓન્લી ફેન્સ અબજોનું ટર્નઓવર કરે છે. એ ખોટું છે એમ કહેવાનો ઈરાદો નથી, પણ ખરી મર્દાનગી વહી જવા કરતાં સખત આદમી બનવામાં છે. માર્કેટ આપણા શરીરને કંટ્રોલ કરે એ તો નબળાઈ જ થઈને? બે વ્યક્તિઓને સમાગમ કરતા કોઈ જેન્ટલમેન ન જુએ. માર્વેલના કાલ્પનિક હીરો શું પોર્ન જોતા હશે?

એનિવે, સાદગી અને સંયમ - આ વડીલોની શિખામણ નથી, લેટેસ્ટ લાઈફ સટાઇલ છે અને શાંતિના સચોટ સરનામાં છે. બહુ બધું કરવાથી આનંદ મળે અને એ આનંદ પણ લેવો જોઈએ, પણ ક્યારેક કંઈક ન કરવાથી વિશેષ આનંદ પણ મળી શકે. એની શક્યતા પણ ખુલ્લી રાખવી જોઈએને? નવેમ્બર સાત્ત્વિકતા અર્પીને જાય છે. ઓરમાન અણગમતું બાળક જ પિક્ચરમાં હીરો બનતું હોય છે. આ નવેમ્બરમાં શું ત્યાગ કરવાની ભાવના છે?