જાપાનના વૈજ્ઞાનિકોએ કેન્સરની બીમારીનો ખાત્મો બોલાવવા માટે દેડકા-ગરોળીઓ પર પ્રયોગ કર્યા હતા. દેડકા અને ગરોળીઓનાં આંતરડાંઓમાં ઇવિંગેલા અમેરિકાના (Ewingella americana) નામના બેક્ટેરિયા જોવા મળે છે,

જે માણસોમાં થતા ખતરનાક કોલોરેક્ટલ કેન્સરને જડથી ખતમ કરે છે. નાગોયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા થયેલ રિસર્ચમાં જોવા મળ્યું કે, આ બેક્ટેરિયા દેડકા-ગરોળીઓના પાચનતંત્રમાં જોવા મળે છે અને તે કેન્સરને હરાવવા માટે અકસીર ઇલાજ બની શકે તેમ છે. વૈજ્ઞાનિકોએ જાપાની ટ્રી ફ્રોગ, જાપાની ફાયર-બેલી ન્યુટ અને જાપાની ગ્રાસ લિઝાર્ડનાં આંતરડાંમાંથી કુલ 45 અલગ અલગ બેક્ટેરિયલ સ્ટ્રેન્સને અલગ કર્યા. આમાંથી નવ સ્ટ્રેન્સમાં કેન્સર વિરોધી ગુણધર્મો જોવા મળ્યા, પરંતુ ઇવિંગેલા અમેરિકાના સૌથી અસરકારક સાબિત થયા હતા. લેબમાં આ બેક્ટેરિયા સીધા કેન્સર ટ્યુમર પર હુમલો કરતા હતા અને ટ્યુમરની અંદર ઘૂસીને ઈમ્યૂન સિસ્ટમને તે જ જગ્યામાં સક્રિય કરી દેતા હતા. ત્યારબાદ શરીરની T-Cells કેન્સર કોશિકાઓને ઓળખીને તેના પર હુમલો કરીને તેને ખતમ કરી દે છે. આ પ્રક્રિયાથી ટ્યૂમર વધતું નથી અને શરીર પોતે જ કેન્સરથી લડવા લાગે છે.

અન્ય મહિલાઓના ફોટા લાઇક કરશો તો પણ ડિવોર્સ?

દુનિયાભરના ડિવોર્સના કેસનાં અલગ અલગ કારણો હોય છે, પરંતુ હવે આ કારણોમાં જો કોઇ પતિ અન્ય કોઇ મહિલાના ફોટા વારંવાર લાઇક કરશે તો પણ તેને ડિવોર્સના એક કારણમાં સમાવવામાં આવશે. તુર્કીના એક શહેર કાયસેરીમાં પતિ-પત્નીએ ડિવોર્સની અરજી દાખલ કરી હતી. જેમાં બંનેએ એકબીજાને નીચા દેખાડવામાં આર્થિક સહયોગ ન આપવો તેમજ વિવાહની મર્યાદા ભંગ પ્લસ દગો આપ્યાના આરોપ લગાવ્યા હતા. જેમાં પત્નીએ સતત બીજી મહિલાઓના ફોટા લાઇક કરવાનો મોટો આરોપ લગાવ્યો હતો. જેના બચાવમાં પતિએ તેને અપમાનિત કરવા અને વધારે શંકા કરે છે તેમ જણાવ્યું હતું. અલબત્ત, બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પતિને સૌથી વધુ દોષિત માન્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે `સોશિયલ મીડિયા પર અન્ય મહિલાઓના ફોટાને વારંવાર લાઇક કરવું તે વિવાહમાં વિશ્વાસને નબળું પાડવાનું કામ કરે છે.' આ આધાર પર કોર્ટે બંનેને ડિવોર્સની મંજૂરી આપી અને પતિને પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય તુર્કીમાં એક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે, કારણ કે પહેલીવાર સોશિયલ મીડિયા પર કોઇ પરિણીત પુરુષ દ્વારા કોઇ અન્ય મહિલાની તસવીરો લાઇક કરવાને વિવાહિક બેવફાઇ સાથે જોડવામાં આવ્યું છે.

રેલવે સ્ટેશનમાં ચાર ભાષામાં એનાઉન્સમેન્ટ!

જ્યા રે પણ આપણે રેલવે સ્ટેશનની મુલાકાત લેતા હોઈએ છીએ ત્યારે રેલવેના આવન-જાવન માટે જે તે રાજ્યની ભાષા અને હિન્દી-અંગ્રેજી ભાષામાં એનાઉન્સમેન્ટ થતું હોય છે, પરંતુ અહીં એ રેલવે સ્ટેશનની વાત છે કે જે અડધું ગુજરાતમાં અને અડધું મહારાષ્ટ્રમાં પડે છે. આ રેલવે સ્ટેશનનું નામ નવાપુર છે. તેનો અડધો ભાગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવે છે અને અડધો ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે. અહીં કુલ ચાર ભાષા ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. મૂળ આ રેલવે સ્ટેશનની વચ્ચોવચ એક રેખા પણ દોરવામાં આવી છે, જેથી બંને રાજ્યો અલગ પડે છે. આ રેલવે સ્ટેશનને જોવા ભારતભરમાંથી પર્યટકો પણ આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ બંને રાજ્યો પૈકી ગુજરાતમાં દારૂબંધી છે અને મહારાષ્ટ્રમાં નથી, તેથી જે તે મુસાફરે અહીં ખૂબ જ સાવચેત રહેવું પડે છે. નોંધનીય છે કે, આ રેલવે સ્ટેશન અંગ્રેજોના શાસનમાં બન્યું હતું! આઝાદી બાદના સમયમાં પાછળથી ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય અલગ પડતાં રેલવે સ્ટેશન અડધું વહેંચાઈ ગયું.