મારી કોઈ વાતમાં તારું ધ્યાન જ ક્યાં હોય છે? આખો દિવસ તું તારા મોબાઇલમાં જ હોય છે. તને મારી નયા ભારની પડી નથી. આવા સંવાદો હવે ઠેર ઠેર સાંભળવા મળે છે. આજના સમયમાં મોટાભાગના લોકો રિલેશનશિપ ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છે. દરેકને પોતાની સૌથી નજીકની વ્યક્તિ સાથે જ કોઇ ને કોઇ ઇશ્યૂ છે. આ વિશે હમણાં થયેલો એક સરવે એવું કહે છે કે, સંબંધોમાં ભંગાણ અથવા તો તિરાડનું સૌથી મોટું કારણ ઇમોશનલ અવેબેલિટીનો અભાવ છે. ડિજિટલ લાઇફના કારણે સ્થિતિ એવી સર્જાઇ છે કે, માણસ સામે હોય છે, પણ સાથે હોતો નથી. વાત કરવા માટે મોકા શોધવા પડે છે. રાહ જોવી પડે છે. માણસને રીલમાં જેટલો રસ પડે છે એટલી પરવા પોતાની વ્યક્તિ શું વાત કરે છે એની નથી હોતી. હમણાંની એક સાવ સાચી ઘટના છે. પતિ સાંજે જોબ પરથી આવ્યો એ પછી સોફા પર મોબાઇલ લઇને બેસી ગયો હતો. એ સતત સોશિયલ મીડિયા પર લાગેલો હતો. પત્નીને એક ફેમિલી ઇશ્યૂ વિશે વાત કરવી હતી. પતિ ફોન મૂકે તેની રાહ જોતી હતી. ઘણો સમય થયો છતાં પતિએ મોબાઇલ મૂક્યો જ નહીં. આખરે થાકીને પત્નીએ કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે. પતિએ મોબાઇલ જોતાં જોતાં જ કહ્યું કે, હા બોલને, શું હતું? પત્નીએ વાત કરવાનું શરૂ કર્યું. પત્ની વાત કરતી હતી ત્યારે પણ પતિનું ધ્યાન ફોનમાં જ હતું. આખરે પત્નીનું મગજ છટક્યું. તેણે પતિના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધો. બંને વચ્ચે રીતસરની બોલાચાલી થઇ ગઇ અને વાત વણસી ગઇ. માત્ર પતિ પત્ની વચ્ચે જ નહીં, પેરેન્ટ્સ અને સંતાનો વચ્ચે પણ આવું થઇ રહ્યું છે. આપણે કોઇને મળવા જઇએ ત્યારે ઘણી વખત એવું જોવા મળે છે કે, જેના માટે આપણે સમય કાઢીને ગયા હોઇએ એ મહાશય કે એ મેડમ ફોનમાં જ રચ્યાપચ્યા હોય. અગાઉના સમયમાં ટીવીના કારણે એવું થતું હતું, હવે મોબાઇલના કારણે આવું થઇ રહ્યું છે. ઇમોશનલ અવેલિબિટીનો અભાવ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા બની ગઇ છે.

ઇમોશનલ અવેલિબિટી એટલે માણસની એવી હાજરી જેમાં તેનું હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલમેન્ટ હોય. સંવેદનશીલ હાજરી માત્ર વાત સાંભળવા પૂરતી નહીં, પણ એથી ઘણું બધું વિશેષ છે. મનોવિજ્ઞાની ડો. ઝેનપ બિરિંગેને તેમના સાથીઓ સાથે મળીને ઇમોશનલ અવેબિલિટી સ્કેલ્સ બનાવ્યા છે. મુખ્ય ચાર સ્કેલમાં સૌથી પહેલાં સેન્સિટિવિટી એટલે કે સંવેદનશીલતાનો તેઓ ઉલ્લેખ કરે છે. પોતાની વ્યક્તિ જ્યારે વાત કરતી હોય ત્યારે ધ્યાન માત્ર તેની વાતમાં જ નહીં, પણ તેના હાવભાવ, તેની મનોવ્યથા, તેનું વર્તન અને બોલવાના ટોનમાં પણ હોવું જોઇએ. તેની વાતને પૂરેપૂરી સમજીને તેને જવાબ આપવો. જરૂર હોય તો સાંત્વના પાઠવવી અને સહાનુભૂતિ પ્રગટ કરવી. આજના સમયમાં લોકો ધ્યાનથી વાત તો સાંભળતા નથી, ઊલટું એવું વિચારે છે કે, આણે ક્યાં નવી કથા શરૂ કરી. હવે જલદી પૂરું કરે તો સારું. મોટાભાગના લોકો વાત સાંભળવી પડે એટલા ખાતર વાત સાંભળતા હોય છે. પોતાની વ્યક્તિ કેવી મનોદશામાંથી પસાર થઇ રહી છે એની તેને પરવા જ નથી હોતી.

ઇમોશનલ અવેલિબિટીમાં સેકન્ડ સ્કેલ વિશે ડો. ઝેનપ કહે છે કે, શાંતિથી તેની વાત સાંભળીને તેને જરૂર હોય એટલું માર્ગદર્શન પૂરું પાડવું. એમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે, એની સ્વતંત્રતા ન છીનવાવી જોઇએ. માણસ આવા સંજોગોમાં પણ મન ફાવે એમ કરતો હોય છે. મેં તો તને પહેલેથી કહ્યું હતું કે, આવું કરવા જેવું નથી. તારે જરાક વિચાર કરીને તો કંઇક કરવું જોઇએ. તમારા જેવા લોકો ફસાય ત્યારે રડવા બેસે છે. આવી વાત ડિસ્ટન્સ વધારી દે છે. આ ઉપરાંત ત્રીજી વાત એ કહેવામાં આવી છે કે, ગમે એટલી નજીકની વ્યક્તિ હોય તો પણ એની સ્પેસનો આદર કરવો જોઇએ. તેની લાઇફમાં કારણ વગરનું એન્ક્રોચમેન્ટ ન કરવું જોઇએ. એને પેઇનમાંથી મુક્ત કરવા માટે એ જરૂરી હોય છે કે, એક હદ કરતાં વધુ દખલગીરી ન કરવી. છેલ્લે ચોથી અને સૌથી મહત્ત્વની વાત. ક્યારેક એવું પણ થાય કે, સામેની વ્યક્તિની વાત સાંભળીને આપણું મગજ છટકે. આપણને કહેવાનું મન થઇ આવે કે, તારામાં બુદ્ધિ જેવું કંઇ છે કે નહીં. આવું કરવું જોખમી છે. ગમે એટલી નારાજગી પેદા થાય, ગુસ્સો આવે તો પણ સમયની નજાકત ઓળખીને શાંત રહેવું જોઇએ.

જે લોકોના સંબંધો ગાઢ છે એ લોકોના અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, સારા સંબંધોનું સૌથી મોટું કારણ એકબીજા પ્રત્યે લાગણી, પરવા અને ચિંતા છે. આ મારી વ્યક્તિ છે. મારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોતાની વ્યક્તિ સાથેની આત્મીયતાના કારણે માનસિક તણાવમાં ઘટાડો થાય છે. આજના સમયમાં જેન-ઝી સાથે ડીલ કરવું કપરું બનતું જાય છે. સંતાનો સાથે વ્યવહાર કરવામાં પણ કાળજી રાખવી પડે એમ છે. બહુ સલુકાઇથી વર્તવું પડે છે. ઇમોશનલી અવેલેબેલ રહેવું પડે છે.

હવે ઇમોશનલ અવેલિબિટીના પ્રોબ્લેમ પણ બહાર આવી રહ્યા છે. આપણે આપણા લોકો માટે ઇમોશનલી અવેલેબલ હોઇએ એ સારી વાત છે, પણ ભાવનામાં વધુ પડતા ખેંચાઇ ન જવાય એની પણ કાળજી રાખવી પડતી હોય છે. 

સતત કોઇની વાત સાંભળીને અને તેનું ધ્યાન રાખીને ઘણી વખત ઇમોશનલ થાક પણ લાગતો હોય છે. મારે જ ધ્યાન રાખવાનું છે, સામેની વ્યક્તિએ કંઇ નહીં કરવાનું? કેટલાક સંજોગોમાં માણસ માનસિક ઊર્જા ગુમાવી બેસે છે. કંટાળી જાય છે. ધીમે ધીમે ખાલીપાનો ભોગ બને છે. મનોવિજ્ઞાનીઓ ચેતવે છે કે, તમારા લોકો માટે હાજર રહેજો, પણ સાથોસાથ તમારું પોતાનું પણ ધ્યાન રાખજો. પોતાની સ્પેસ પણ સચવાવી જોઇએ. બીજાને મદદ કરતા ક્યાંક એવી સ્થિતિનો ભોગ ન બની જવાય કે, આપણને કોઇની મદદની જરૂર પડે.

આજના સમયમાં દરેક વ્યક્તિએ ડિજિટલ ડિસિપ્લિન મેઇન્ટેન કરવી પડે એમ છે. લોકો ડાઇનિંગ ટેબલ પર સાથે જમવા બેઠા હોય ત્યારે પણ ધ્યાન મોબાઇલમાં હોય છે. હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ દ્વારા સતત 85 વર્ષ સુધી એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું હતું કે, જે વ્યક્તિને પોતાના લોકો અને મિત્રોનો ઇમોશનલ સપોર્ટ હતો એ લોકો લાંબું અને ખુશહાલ જિંદગી જીવતા હતા. હવેના સમયમાં ઇમોશનલ સપોર્ટ મળવાનું ઓછું થઇ ગયું છે એટલે લોકો પોતાની જાતને એકલા મહેસૂસ કરવા લાગ્યા છે. એમને પોતાની લાઇફ બોરિંગ લાગવા માંડી છે. એકલતા માણસને ડિપ્રેશન તરફ ખેંચી જાય છે. દરેક માણસને પોતાની વ્યક્તિ પાસેથી એવી ઇચ્છા હોય છે કે, એ મારી વાત સાંભળે, મને સમજે, મને હોંકારો આપે. આપણે કોઇની પાસે ઇમોશનલ અવેલિબિટીની અપેક્ષા રાખીએ એમાં કશું ખોટું નથી, સાથોસાથ એ પણ ચેક કરતા રહેવા જેવું છે કે, હું કોઇ માટે હાજર હોઉં છું કે કેમ? નિષ્ણાતો કહે છે કે, બીજું કંઇ કરો કે ન કરો, પણ એક વાતનું ચોક્કસ ધ્યાન રાખો. જ્યારે તમારી વ્યક્તિ તમને વાત કરતી હોય ત્યારે મોબાઇલ બાજુમાં મૂકી દો. પોતાની વ્યક્તિ સાથે આંખમાં આંખ પરોવીને વાત કરો. તેને એવો અહેસાસ થવો જોઇએ કે, કંઇ પણ થાય તમે હંમેશાં એની સાથે છો. સંબંધો સજીવન હશે તો જ જિંદગી જીવવા જેવી લાગશે. શક્ય હોય તો પોતાની વ્યક્તિ સાથે દરરોજ થોડો સમય વાત કરવાનો સમય કાઢો. એ ભલે ગોસિપ હોય કે સાવ નક્કામી વાત હોય, પણ વાત કરો. બહાર ફરવા જાવ. પ્રકૃતિના સાંનિધ્યને માણો. મોબાઇલ જિંદગી નથી. મોબાઇલ આપણને બીજાથી દૂર તો કરી જ દે છે, આપણને પણ આપણાથી અળગા કરી નાખે છે. પોતાને પણ સમય આપો. આપણે પોતે સારી રીતે જીવતા હશું તો જ કોઇને સારી રીતે જીવવામાં મદદ કરી શકીશું. આપણી સંવેદનાઓ સુષુપ્ત ન થઇ જાય એનું ધ્યાન રાખવું પડે એવો અત્યારનો સમય છે. સમય વર્તે સાવધાન થઇ જવામાં જ ભલાઇ છે. 

પેશ-એ-ખિદમત

દિલ મેં તો બહુત કુછ હૈ જબાં તક નહીં આતા,

મૈં જિતના ચલૂ ફિર ભી યહાં તક નહીં આતા,

આંસુ જો બહે સુર્થ તો હો જાતી હૈં આંખેં,

દિલ ઐસા સુલગતા હૈ ધુઆં તક નહીં આતા.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો