ભાદરવો ભરપૂર વહ્યા પછી આસો માસના પદરવ થઇ રહ્યા હતા. સીમ સાથે વગડો પણ મઘમઘતી સોડમથી ફોરી રહ્યો હતો.

ધન-ધાન્યની લણણી માથે આવેલી મોલાત બેજીવ સોતી સ્ત્રીની જેમ કસટાટી હતી, પણ મોં પરનો મલકાટ ને ચળકાટ લેભાગુને લલચાવે એવો હતો.

માથોડા ઢંક ગાડા મારગમાં નવોઢાના વેલડા જેમ જીવતી રૂમઝૂમ વહે જાતી હતી. માથે ભાતું હતું, પણ હૈયામાં ભરાયેલો ઉચાટ સ્થિર થાવા દેતો નહોતો. ઉતાવળી હાલના લીધે ઝીણાં ઝાંઝરનો છુમછુમ રણકાર તમરાના તૂરા સાદ સાથે એકાકાર થઇ રહ્યો હતો. પગ જમીન પર છબતો નહોતો. ત્યાં છાતીમાં સણકો આવ્યો: `એલી મૂઇ હાલવામાં નિરાંત રાખ, તારું ખેતર આવી જાશે ને મનગમતાને મળવાનું રહી જાશે.' જીવતીના પગ થંભી ગયા. મોં લાલઘૂમ થઇ ગયું. ઉફણતી છાતી હાંફલવા લાગી. જીવ ચૂંથાવા લાગ્યો. હવે શું કરવું? ઊંડો મારગ હમણાં વિરમી જાશે ને પછી સામે જ પોતાના ખેતરનો શેઢો દેખાશે. ત્યાં કાનજી કાંપો વાળી દાડિયાઓ સાથે બાજરી લણતો હશે.

જીવતીએ પાછા ફરીને જોયા પછી આગળ મીટ માંડી, પણ વિઠ્ઠલના હોવા-આવવાનો કોઈ અણસાર દેખાયો નહીં. સવારના ઉઘડતા પહોરમાં ડેલી આગળ મળી ગયો હતો: `ભાભી, ભાતું લઈને એકલાં નો નીકળતાં, સીમમાં દીપડાએ દેખા દીધી છે.' પછી મોં ભરી મારી ઉમેર્યું હતું: `કે'તા હોતો સથવારો કરાવીશ.' જીવતીની જીભે આવી ગયું હતું: `દીપડાના બાપથીય ડરું એવી નથી' પણ પછી ભાનશાન ભૂલી ભાફંગ કરતી વિઠ્ઠલની આંખના ઉલાળામાં મોં ભરાણ ખાબકી હતી ને મોં પરનું મરકલું વિઠ્ઠલને જાણે ભાવભીનું ઈજન આપી ગયું હતું. સામે વરણાગી વિઠ્ઠલ તો ખુદના ગમતા ગલગલિયાથી અધમૂઓ થઇ ગયો હતો.

વિઠ્ઠલ ભણ્યો છે પણ જરાય ગણ્યો નથી. નોકરી મળતી નથી ને ખેતીકામમાં જીવ ચોંટતો નથી. વચ્ચે શહેરની સફર કરી આવ્યો હતો. મંગાળે મેશ ચોંટી નહીં તે હાથ ઉલાળતો પાછો ગામડે આવ્યો હતો. કામ કાંઈ નહોતું અને હતું તે કરતો નહોતો. પછી તો નવરો બેઠો નખ્ખોદ વાળે એવું હતું. કોઈ તેના બાપને મોં પર મારતું: `લ્યો, ભણાવીને શું કાંદો કાઢી લીધો!' તો સામે જડબાતોડ જવાબ આપતા હતા: `તમે છોકરા ન ભણાવીને શું કાંદો કાઢી લીધો. એ ક્યો?' અધકચરા ભણતરવાળાનો ગામમાં પાર નહોતો.

જીવતી ગામડાની નિશાળમાં ઝાઝું ભણેલી નહીં, પણ ગણેલી હતી. સઘળી સમજણ પડે, પણ અહીં વિઠ્ઠલના પાણી વગરના ખાબોચિયામાં લપસીને ગડથોલિયું ખાઈ ગઈ તે નરવી, કડવી ને વરવી હકીકત હતી. જ્યાં સામો મળે ત્યાં સનકારા કરવાનું ચૂકતો નહોતો. તે સૌ કોઈની આંખે આવી ગયો હતો. એક નખટી બાઈએ મોં પર સંભળાવી દીધું હતું: `ઇ વિઠ્ઠલો ભારે અપલખણો છે, આઘી રે'જે નકર હડફેટમાં આવતા વાર નંઈ લાગે!' ત્યારે જીવતીના મોંએ આવી ગયું હતું: `તારો અનુભવ બોલતો લાગે છે.' સામે વાત ચોળવામાં ચીકણું થાય એવું સમજી જાતું કર્યું હતું, પણ મનમાંથી વિઠ્ઠલને જાતો કર્યો નહોતો. ઘણીવાર સપનામાં આવી મેઘધનુષના રંગોની ભાતીગળ રંગોળી પણ પૂરી જાતો હતો.

હજુ બપોર તપ્યા કે ફાટ્યા નહોતા, પણ ઉતાવળી બે આંટા વધારે વાળે એમ વિઠ્ઠલને મળવાની લાયમાં દાડિયા માટેના પાંચ-દસ રોટલા વહેલા ટીપી નાખ્યા હતા. અડદની દાળ તો સવારના પહોરમાં ચૂલે ચઢાવી દીધી હતી. સાસુને પણ નવાઈ લાગી હતી: `વવ તો ભારે કામઢી થઇ ગઈ લાગે છેને શું!'

જીવતીને મૂંઝવણે ઘેરી લીધી. પોતાનું ખેતર હવે નજીકમાં હતું અને વિઠ્ઠલના ક્યાંય વાવડ નહોતા, શું કરવું? ઊંડા મારગમાં એકલી ઊભી રહે તો કોઈ ટપારે પણ ખરું: `કેમ ઊભાં છો જીવતીવવ?'

મારગના કાંઠે બોરડી ચણીબોરથી લૂમેઝૂમે હતી. જીવતી માથે રહેલા ભાતને સંભાળવા સાથે બોર તોડવા ગઈ, પણ ફાવી નહીં ને આંગળીમાં કાંટો વાગ્યો તે નફામાં રહ્યો. તેનાથી બોલાઈ ગયું: `મરે રે મરે મારો રોયો.' ત્યાં વિઠ્ઠલ જાણે જીવતો થયો. તે મોલાતના માથાઢંક ખેતરમાંથી કૂદીને મારગમાં જીવતીની ઉરાઉર આવીને ઊભો રહ્યો. બેઉના ગરમાગરમ શ્વાસ એકમેકમાં અટવાઇ ધમણ માફક સુપડાવા લાગ્યા.

બસ, હવે તો સઘળું ઓગળીને એક થયા પછીએ સુખ મોરલા માફક તન-મનમાં ગહેકવા લાગશે.

પણ ઊંડા ને ભૂંડા મારગના બેઉ કાંઠા ભેગા થાય એ પહેલાં જીવતીએ ડર સાથે નજર દોડાવી તો કોઈ આવતું હોય એવું લાગ્યું. વિઠ્ઠલને આઘો હડસેલતાં કહી દીધું: `ક્યાંક સંતાઈ જાવ કોઈ

આવે છે.'

થોડીવારે કાનજી લાકડી ઉલાળતો સામે આવીને ઊભો રહ્યો. જીવતીએ આંખો પટપટાવી, પણ તેનું સામે હોવું નર્યું સત્ય હતું. સઘળું શૂન્ય થઇ ગયું. ત્યાં કાનજી કહે: `એક દીપડો ભારે ભૂરાયો થયો છે, તે મારે આવવું પડ્યું!' થડકતા હૈયે જીવતીની જીભે ચઢી ગયું: `ખરા ટાણે મને ઉગારી લીધી!'

પછી બેઉ પોતાના ખેતર ભણી એકસાથે ચાલવા લાગ્યાં