અત્યાર સુધી આપણે હોટપોટમાં નિત નવી વાનગી, સૂપ અને સબ્જી બનાવતા હતા. હવે માર્કેટમાં એવા હોટપોટ આવી ગયા છે જેમાં તમે બાથ પણ લઇ શકો છો! ચીનમાં હવે એવા `હોટપોટ બાથ' ટ્રેન્ડિંગમાં આવ્યા છે, જેમાં લોકો મરચાં, દૂધ અને કેટલીક જડીબુટ્ટીઓથી ભરેલા ગરમ સૂપમાં એકદમ બિન્ધાસ્ત રીતે ડૂબકી લગાવે છે! ચીનના હેલોંગજિયાંગના હાર્બિનમાં છેલ્લા એક મહિનાથી આ કોન્સેપ્ટ સ્થાનિકો અને પર્યટકોને આકર્ષે છે. મૂળ આ કોન્સેપ્ટ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન (TCM)થી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેડિશનમાં જડીબુટ્ટીઓ, વરાળ અને હર્બલ પાણીમાં નહાવાની પરંપરા હજારો વર્ષો જૂની છે. જે રિસોર્ટમાં આ હોટપોટ બાથ રાખવામાં આવ્યું છે તેમાં લાલ મરચાંવાળી તીખી તમતમતી `ગ્રેવી' અને બીજી તરફ દૂધથી બનાવવામાં આવેલ સૂપ ભરવામાં આવ્યા છે. જેમાં રીંગણ, કોબીજ ઉપરાંત અન્ય સામગ્રીઓ પણ રાખવામાં આવી છે. તેમજ જે સફેદ ભાગ છે તેમાં દૂઘની સાથે સાથે ખજૂર અને અન્ય ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવ્યા છે. રિસોર્ટના જણાવ્યા પ્રમાણે મરચાંવાળા ભાગથી બ્લડ સર્ક્યુલેશન અને મેટાબોલિઝમ વધારવામાં મદદ મળે છે અને દૂધવાળા ભાગથી સ્કિન મોઇશ્ચરાઇઝ થવામાં મદદ મળે છે. નોંધનીય છે કેટલાક દેશોમાં વાઇન બાથ પ્લસ બિયર બાથ પણ ટ્રેન્ડિંગમાં છે.

જીવતેજીવત નનામી કેમ ઉપાડી?

તમે જીવતું જગતિયું એવું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ તમે જીવતા જ અંતિમ યાત્રા કાઢી હોય એવું સાંભળ્યું છે ખરું? બિહારના ગયાજી જિલ્લામાં રહેતા 74 વર્ષીય મોહનલાલ તો જીવતા જ નનામીમાં પોઢી ગયા. તેમણે પરિવાર અને મિત્રોની મદદથી પોતાની નનામી સજાવી અને બેન્ડબાજાં સાથે અંતિમ યાત્રા પણ કાઢી. મોહનલાલની અંતિમ યાત્રામાં બેન્ડબાજાંમાં `ચલ ઉડ જા રે પંછી, અબ દેશ હુઆ બેગાના' ગીત પણ વગાડવામાં આવ્યું હતું. તેમની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા. જોકે, સ્મશાનમાં તેમના પ્રતિકાત્મક પૂતળાને બાળવામાં આવ્યું હતું. ત્યારબાદ સામૂહિક ભોજન અને ભેટસોગાદો આપવામાં આવી હતી. આ બધું મોહનલાલ ચુપકેથી જોતા હતા અને દુઃખદ પ્રસંગની મજા લઇ રહ્યા હતા. જીવતા જ અંતિમ યાત્રા કાઢવા માટે મોહનલાલે જણાવ્યું હતું કે, `લોકો મર્યા પછી નનામી ઉપાડે છે, પરંતુ મારે તે નજારો જીવતા જ જોવો હતો. હું જોવા માંગતો હતો કે મર્યા પછી મને કેટલા લોકો માન-સન્માન અને પ્રેમ આપે છે!' વરસાદી સીઝનમાં અંતિમ યાત્રામાં પડતી મુશ્કેલીને જોઇને તેમણે એક સુલભ મુક્તિધામ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

દુલ્હનના પિતાએ શર્ટ ઉપર ક્યૂઆર કોડ ટાંક્યો

એક સમય હતો કે કોઇ પણ લગ્નપ્રસંગમાં કે અન્ય સગાઇ કે બાબરી જેવા પ્રસંગમાં સગાંવહાલાંઓ કવરમાં કે ખુલ્લા પૈસા આપતા હતા અને તેની નોંધ એક ચોપડામાં કરવામાં આવતી હતી. સમય જતાં ચોપડાપ્રથા બંધ થઇ અને લેપટોપ આવી ગયા. તેથીય આગળ હવે લોકો લગ્નભેટના કાઉન્ટરમાં ક્યૂઆર કોડ મૂકવા લાગ્યા, જેથી ચોપડા, લેપટોપની જરૂર ન પડે, પરંતુ કેરળના એક લગ્નમાં દુલ્હનના પિતાએ પોતાના શર્ટ ઉપર જ ક્યૂઆર કોડ ટાંકી દીધો હતો, તેથી જે કોઇ પણ સગાંવહાલાંઓ કે સ્નેહીજનો તેમને રૂબરૂ મળતા ત્યારે અભિવાદન કરીને સીધો ક્યૂઆર સ્કેન કરીને દુલ્હનના પિતાને સીધી ભેટ રકમ મળી જતી. અલબત્ત, એક રીતે આ `કેશલેસ લગ્ન' સાબિત થયાં હતાં. ટૂંકમાં, આ ઘટના પરથી ડિજિટલ યુગ હવે ખરા અર્થમાં સાર્થક થયો છે તેમ કહી શકાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ઉત્તર ભારતના કોઇ એક રાજ્યમાં દુલ્હને પોતાના હાથમાં જ ક્યૂઆર કોડવાળી મેંદી મૂકી હતી, જેની નોંધ ભારતભરમાં લેવામાં આવી હતી.