આજના ડિજિટલ યુગનો સૌથી મોટો પડકાર તમારા જે તે ડેટાને ખૂબ જ લાંબા ગાળા સુધી સાચવી રાખવાનો છે. જે માટે ભલે વિકલ્પ તરીકે હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ, મેગ્નેટિક ટેપ, મેમરી કાર્ડ કે સીડી-વીસીડીનો આપણે ઉપયોગ કરીએ છીએ.

 પરંતુ આ તમામ કેટલાક દશક પછી કામ આપતા બંધ થઇ જાય છે. બ્રિટનમાં કેમ્બ્રિજસ્થિત એક આઇ.ટી. કંપનીએ એવી ટેક્નિક વિકસાવી છે, જે તમારો ડેટા 10,000 વર્ષ સુધી સુરક્ષિત રાખી શકે છે. તેમના પ્રોજેક્ટ સિલીકાએ લેસરની મદદથી ગ્લાસ પર ડેટાને એનકોડ કરવાની સંપૂર્ણ વિશ્વસનીય ટેક્નિક વિકસાવી છે. આ ટેક્નિકમાં પાવરફુલ સટીક લેસર કિરણોથી ગ્લાસની પાતળી પ્લેટની અંદર સૂક્ષ્મ સ્તર પર ડેટા લખી શકાય છે. આ પ્રક્રિયા સામાન્ય સપાટી પર નહીં, પરંતુ કાચની અંદર આવેલી પરત પર થાય છે, જેથી બાહ્ય પ્રકારના કોઇ પણ પ્રકારનું નુકસાન અહીં થતું નથી. અલબત્ત, તેમની ટીમના જણાવ્યા પ્રમાણે ગ્લાસમાં સ્ટોર કરેલો ડેટા ભેજ, તાપમાનની વધઘટ અને કોઇ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફેરેન્સથી પણ પ્રભાવિત થતો નથી. ટૂંકમાં, તે વરસાદ, આગ કે ભીષણ ગરમીમાં પણ સેફ રહી શકે છે. આ ટેક્નિક જરૂરી કાનૂની, ઐતિહાસિક, વ્યક્તિગત યાદો કે અન્ય દસ્તાવેજોના ડેટા સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ નીવડશે.

કાગડાઓ સાત વર્ષે પણ બદલો લે છે

કેટલીક ફિલ્મોમાં દેખાડવામાં આવે છે કે, સાપ-નાગ કે અન્ય કોઇ પ્રાણીને તમે હાનિ પહોંચાડી હોય છે તો તે તમારા પર વર્ષો પછી પણ બદલો લે છે. એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે તે વાત સાચી સાબિત થઇ છે. પશુ-પંખીઓમાં કાગડો પણ એક એવું પંખી છે, જેને તમે હાનિ પહોંચાડી હોય તો તે દશક સુધી તમને યાદ કરી બદલો લે છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના એક પ્રોફેસરે વર્ષ 2006માં એક ડેવિલ માસ્ક પહેરીને 7 કાગડાઓને પોતાની જાળમાં લપેટ્યા હતા. ત્યારબાદ તે કાગડાને ઓળખાણ માટે બેન્ડ પણ બાંધી દીધા હતા. થોડા સમય બાદ પ્રોફેસરે તે કાગડાઓને છોડી દીધા હતા. ત્યારબાદ જ્યારે પણ પ્રોફેસર ડેવિલ માસ્ક પહેરીને યુનિવર્સિટી કેમ્પસમાં નીકળતા ત્યારે તે કાગડાઓ તેમને ચાંચ મારીને હાનિ પહોંચાડતા હતા. આ સિલસિલો 7 વર્ષ સુધી સળંગ ચાલ્યો હતો. નોંધનીય છે કે, ભારતના કાગડાઓએ જે ઝાડ પર માળા બાંધ્યા હોય છે અને જો તે ઝાડને કોઇ કારણોસર કાપવામાં આવે છે ત્યારે કાપનાર માણસને કાગડો યાદ રાખે છે અને તેને ગમે ત્યારે ચાંચ મારતો હોય છે.

મેડિટેશન માટે `શબપેટી'નો ઉપયોગ!

આજની ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો પોતાના સ્ટ્રેસને દૂર કરવા કસરત, સાઇકલિંગ, જિમ, યોગ, સ્વિમિંગ કે મેડિટેશન કરતા હોય છે. જોકે, આ બધી પ્રક્રિયા માટે કોઇ ક્લબ, હેલ્થ હાઉસ કે અન્ય જગ્યા હોવી જરૂરી છે. આશ્ચર્યની વાત એ છે કે, જો તમારે મેડિટેશન કરવું છે તો તે માટે એક `શબપેટી'ની જરૂર પડે છે! જાપાનના ઘણા લોકો હવે મેડિટેશન માટે શબપેટીનો વિશેષ રીતે ઉપયોગ કરતા જોવા મળે છે. નોંધનીય છે કે, જાપાનના ચિબા પ્રાંતમાં એક વિશેષ પ્રકારનું `ફ્યૂનરલ હોમ' પણ બનાવવામાં આવ્યું છે. આ ફ્યૂનરલ હોમમાં લોકો સંપૂર્ણ શાંતિ અનુભવે છે પ્લસ પોતાના જીવનમાં આવેલાં સુખ-દુઃખને પણ ભૂલી જાય છે. અલબત્ત, શબપેટીમાં મેડિટેશન કરનારા લોકો સ્પષ્ટપણે માનવા લાગે છે કે, એક રીતે પોતાના મૃત્યુ બાબતે નિશ્ચિત થવા માટે તેમજ પોતાની જાતને વધુ સ્ફૂર્તિમય બનાવવા માટે આ અકસીર ઇલાજ છે. ઉલ્લેખનીય છે કે, જાપાનના યુવાઓમાં આત્મહત્યાનો દર વધી રહ્યો છે, એવામાં યુવાનો પોતાની જાત વિશે વિચારવામાં તેમજ નશ્વરતા અને મૃત્યુ વચ્ચેના સંબંધની સાથે સાથે જીવનની ખૂબસૂરતીને અનુભવવા શબપેટી-મેડિટેશનનો ટ્રેન્ડ સફળ સાબિત થઇ રહ્યો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો