2000ના દશકની શરૂઆતમાં પેરિસ હિલ્ટન, લિન્ડસે લોહાન અને બ્રિટની સ્પીયર્સ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યું હતું ત્યારે ચોક્કસ પ્રકારના શરીર સૌષ્ઠવની જરૂર હતી. પાતળા, હિરોઈન જેવા ઘાટીલા, સુંદર અને સૌંદર્યલક્ષી શરીર સિવાયનાં શરીરો માટે બહુ અવકાશ નહોતો. જ્યારે નિકોલ કિડમેને 2022માં એક મેગેઝિનના કવર માટે પહેર્યું ત્યારે તસવીરોએ ઉંમર, સુંદરતા અને કોને શું પહેરવાની તક મળે છે તે અંગે વૈશ્વિક ચર્ચા શરૂ કરી હતી. 55 વર્ષની ઉંમરે કિડમેને તત્કાલીન સામાન્ય નિયમ `હેમલાઇન્સ (કાપડની કોર કે કિનાર) મતલબ કપડાની લંબાઈ યુવાનીમાં ઘટે છે અને ઉંમર સાથે વધે છે' ને પડકાર ફેંક્યો હતો. જેણે સાબિત કર્યું હતું કે આ વસ્ત્ર કોઈ એક એક પેઢી માટે અનામત નથી. પેરિસ હિલ્ટન દ્વારા લોકપ્રિય બનાવાયેલ અને નિકોલ કિડમેન દ્વારા પડકારાયેલ વસ્ત્ર એટલે માઇક્રો મિનિ સ્કર્ટ. માઇક્રો મિનિ સ્કર્ટ એ પૂર્વજ સ્કર્ટનું આધુનિક સંસ્કરણ છે, જે સ્ત્રી પુરુષ બંને પહેરતાં!
માનવ ઇતિહાસના સૌથી જૂનાં વસ્ત્રોમાંનું એક સ્કર્ટ છે, જે પ્રાગૈતિહાસિક કાળથી સ્ત્રી પુરુષ બંને જાતિઓ માટે કમરથી ઘૂંટણ સુધીના શરીરને ઢાંકવા ઉપયોગમાં લેવાતું. પ્રાચીન સમય (લગભગ 3900 બીસી પછી)માં સ્કર્ટ સ્ટ્રો (સૂકું ઘાસ) અથવા ચામડાના બનેલા હતા. જેમ કે, આર્મેનિયન સ્ટ્રો સ્કર્ટ. ઇજિપ્ત, સુમેરિયા અને સિંધુ ખીણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને સાદા, ડ્રેપ્ડ સ્કર્ટ પહેરતાં હતાં, જે પુરુષોને કામ, બાંધકામ, ખેતી કરતી વખતે કે લડતી વખતે હલનચલનની સરળતા અને સ્વતંત્રતા આપતાં હતાં. સિંધુ ખીણની સભ્યતાના પુરુષો કમરની આસપાસ ધોતી અથવા લપેટી શકાય તેવા સ્કર્ટ જેવું કપડું પહેરતા હતા.
મધ્ય યુગ દરમિયાન, વણાટ અને ટેલરિંગના ક્ષેત્રમાં થયેલી પ્રગતિએ પુરુષો માટે હોઝિયર, ટાઇટ્સ અને ટ્રાઉઝર રજૂ કર્યાં. પુરુષોએ ટ્યુનિક અને હોઝિયરી પહેરવાનું શરૂ કર્યું. પુરુષોમાં આ શૈલીના ડ્રેસિંગને પ્રોત્સાહન આપવાનું એક કારણ ઘોડેસવારી અને બહાર કામ કરતી વખતે ઠંડી સામે વધુ સારી સુરક્ષા આપતા કપડાંની જરૂરિયાત હતી. કારણ ગમે તે હોય, સ્કોટ્સ સિવાયના પુરુષો (જેઓ કિલ્ટ પહેરતા હતા) દ્વારા સ્કર્ટ પહેરવાનું બંધ થઈ ગયું અને લિંગ-તટસ્થ સ્કર્ટ, સ્ત્રી લિંગમાં પરિવર્તિત થવા લાગ્યા. સ્કર્ટ 18મી અને 19મી સદીમાં તેમના નાટ્યાત્મક કદ-વિસ્તાર માટે જાણીતાં થયાં. સ્ત્રીત્વ પર ભાર મૂકવા અને સ્ત્રીઓના જ ઉચ્ચ દરજ્જાને પ્રતિબિંબિત કરવા માટે હૂપ્સ, પેનિયર્સ અને બસ્ટલ્સનો ઉપયોગ શરૂ થયો.
વિશિષ્ટ, મોંઘા કાપડમાંથી બનેલા, ભારે શણગારાયેલા સ્કર્ટ પહેરનારની સંપત્તિ દર્શાવતા, સ્કર્ટને વિશાળ બનાવવા માટે હૂપ પેટીકોટ પહેરવામાં આવતા હતા. પેનિયર્સ અથવા સાઇડ હૂપ્સ પણ લોકપ્રિય હતા. વિસ્તૃત સ્કર્ટ સમાજમાં મહિલાઓની ભૂમિકાનું પ્રતીક હતા. વિક્ટોરિયન યુગના ઉત્તરાર્ધ દરમિયાન સ્ત્રીઓએ સવારી, સાઇકલ ચલાવવા અને ચાલવા સાથે વધુ સક્રિય જીવનશૈલી જીવવાનું શરૂ કર્યું. અલગ જેકેટ્સ અને સ્કર્ટ્સે કપડાંને અવરોધમુક્ત બનાવ્યાં અને હલનચલનની વધુ સ્વતંત્રતા આપી. સ્કર્ટ શરીર માટે વધુ સુવ્યવસ્થિત બન્યાં. 20મી સદી દરમિયાન સ્કર્ટને બદલે પેન્ટ લોકપ્રિય બન્યાં જે વધુ અનુકૂળ હતાં, પરંતુ 20મી સદી યુદ્ધની મુશ્કેલીઓએ સ્ત્રીઓને ટૂંકા અને વધુ કામ કરવા યોગ્ય કપડાં પહેરવાની ફરજ પડી. હેમલાઇન્સ ઘૂંટણથી થોડી નીચે સુધી ઊંચી થઇ, જેનાથી પગના ઝબકારા લબકારા દેખાતા હતા.
સદીઓથી લાંબા, વિશાળ વિક્ટોરિયન ગાઉનથી 1960ના દાયકાના મુક્તિદાતા મિનિ સ્કર્ટ સુધીની સફર ખેડનાર સ્કર્ટ મુખ્યત્વે પશ્ચિમી ફેશનમાં સ્ત્રીપોશાક બની ગયાં. મિનિ સ્કર્ટને નારીની આઝાદી સાથે જોડી દેવામાં આવ્યા. મિનિ સ્કર્ટની ટીકા કરનારને નારી સ્વતંત્રતા વિરોધી ચીતરી નાખવામાં આવતાં. એટલું જ નહિ, (small, smaller, and smallest) નાના, થોડા નાના અને એકદમ નાના બનવાનો ટ્રેન્ડ આરંભાયો; જેને મિનિથી સ્ત્રીના સાથળ માંડ માંડ ઢાંકી શકતા માઇક્રો-મિનિ તરફનો વિકાસ કહેવામાં આવે છે. ફેશન ચક્ર સાંસ્કૃતિક બળવો અને વ્યક્તિગત અભિવ્યક્તિના સંયોજન દ્વારા પ્રેરિત થયું હોવાનું કહેવાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો