ભારતમાં મફત વીજળીનો વાયદો ચૂંટણી જીતવાના ખાતરીપૂર્વકના અનેક વાયદાઓમાંથી એક અને પ્રમુખ રહ્યો છે. અમુક યુનિટ સુધી વીજળી મફત આપવી અને વીજળીના ભાવ જ શૂન્ય થઇ જવા એ વચ્ચે બહુ મોટો ફરક છે.
કોઈ પણ સરકાર સીધી રીતે મફત વીજળી આપીને આડકતરી રીતે દેશ પર દેવું વધારતી રહે છે જે અંતે અન્ય રીતે કર રૂપે, અન્ય રીતે પ્રજા પાસે જ વસૂલવા પડે છે. સરકારની મજબૂરી હોય છે, પરંતુ 2025ના ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહના આરંભે 8 તારીખ અને સોમવારે ફ્રાન્સમાં વીજળીના ભાવ એકાએક શૂન્ય થઈ ગયા હતા. `અરે, ફ્રાન્સમાં તો વીજળી મફત મળે છે!' આપણે ત્યાં, આપણી સરકારને કોસવા માંડો તે પહેલાં જાણી લો કે ફ્રાન્સમાં વીજળી કાયમ માટે મફત નથી હોતી.
વીજળીનું મૂલ્યશૂન્ય થયું હતું, વીજળી મૂલ્યહીન નહોતી થઇ 8 ડિસેમ્બરના રોજ ફ્રાન્સમાં વીજળીનું મૂલ્ય શૂન્ય થઇ ગયું હતું, અમુકકલાકોપૂરતુંજ, સતત અને કાયમી ધોરણે નહિ. કારણ હતું વીજળીનો પુરવઠો થોડા સમય માટે માંગ કરતાં એટલો વધી ગયો કે વીજળીનો કોઈ બજારભાવ જ રહ્યો નહીં. આ કારણ પાછળ અન્ય ઘણાં કારણો કારણભૂત હતાં. પહેલું ફ્રાન્સ મોટાભાગે અશ્મિભૂત-મુક્ત ઊર્જા પ્રણાલીથી વીજળી ઉત્પન્ન કરે છે. હવે થયું એવું કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફ્રાન્સના વાતાવરણમાં ફેરફાર થવા લાગ્યો, જેટ સ્ટ્રીમ્સે ઉત્તર ફ્રાન્સમાં ગરમ હવા ફૂંકાવા લાગી, જેના કારણે તાપમાનમાં વધારો થયો. હળવા શિયાળા જોડે ગરમ હવાનું મિશ્રણ થયું, જેથી ઓછી ગરમીની માંગ થઇ, મતલબ હીટરની જરૂરત ઘટી ગઈ. તાપમાન મોસમી ધોરણો કરતાં 13 ઔંસ C સુધી વધી ગયું અને પીક પાવર માંગ એક અઠવાડિયા અગાઉ 69 ગીગાવોટથી ઘટીને 62 ગીગાવોટ થઈ ગઈ.
બીજું, દેશમાં પવન જોરમાં ફૂંકાવા લાગ્યો અને ભારે પવનથી સમગ્ર દેશમાં પવન ઊર્જા ઉત્પાદનમાં વધારો થયો. ત્રીજું, તે જ સમયે ફ્રાન્સના પરમાણુ રિએક્ટર સંપૂર્ણ ક્ષમતાની નજીક કાર્યરત હતા, જેમાં મોટા પ્રમાણમાં સ્થિર બેઝલોડ ઊર્જાનો ઉમેરો થયો. હવે એક, બે અને ત્રણ કારણો; હળવા શિયાળાની આબોહવા (ઓછી ગરમીની માંગ), તીવ્ર પવન અને લગભગ સંપૂર્ણ પરમાણુ ઊર્જા ઉત્પાદનના મિશ્રણથી વીજળીનો મોટો સરપ્લસ સર્જાયો. જેના કારણે ગ્રીડમાં વધારાનો પુરવઠો છલકાઈ ગયો. વીજળીનો પુરવઠો થોડા સમય માટે માંગ કરતાં એટલો વધુ હતો કે વીજળીનો કોઈ બજારભાવ રહ્યો નહોતો.
ફ્રાન્સ વીજળીના વધુ પડતા પુરવઠાનો સામનો કરી રહ્યું છે અને આ સ્થિતિ 2028 સુધી ચાલુ રહેવાની ધારણા છે. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે ફ્રાન્સના વીજળી કરારમાં પણ 2025માં લગભગ 30%નો ઘટાડો થયો હતો અને પ્રતિ મેગાવોટ-કલાક 50 યુરોની નજીક વેપાર થયો હતો. આ સ્તર છેલ્લે 5 વર્ષ પહેલાં 2020માં જોવા મળ્યું હતું. ટૂંકમાં, જ્યારે દુનિયા હજુ પણ વીજળી માટે ચુકવણી કરે છે ત્યારે ફ્રાન્સની ઊર્જા પ્રણાલી એટલા વધુ પ્રમાણમાં સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી રહી છે કે ગ્રીડ ક્યારેક ક્યારેક છલકાઈ જાય છે, જેના કારણે આ અનોખા `ભાવમુક્ત (શૂન્ય, મફત નહિ) વીજળી' ક્ષણો આવે છે. નિષ્ણાતો કહે છે કે આ ઘટના આધુનિક ઊર્જા પ્રણાલીઓની મજબૂતાઈ અને જટિલતા બંનેને છતી કરે છે. જ્યારે મફત વીજળી આદર્શ લાગે છે, ત્યારે વધુ ઉત્પાદન ગ્રીડ-સંતુલનના પડકારો ઊભા કરે છે. બેટરી અને હાઇડ્રોજન સિસ્ટમ્સ જેવી જરૂરિયાત ઊભી કરે છે, કારણ કે મફતમાં મળતી વીજળીના વપરાશ પર નિયંત્રણ રાખવું અઘરું છે. મત મેળવવા મફત વીજળીની લાણી થાય છે, પરંતુ મફતમાં મળતી વસ્તુનું મૂલ્ય નહિવત્ થઇ જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો