એમ તો આપણે ત્યાં હવે વિભક્ત પરિવાર સામાન્ય થઈ ગયા છે. આપણે ત્યાં આજકાલ તો છોકરીઓ લગ્ન કરતાં પહેલાં ઘરમાં કેટલા `ડસ્ટબિન' એટલે કે વૃદ્ધો છે, તે પૂછવાનું ભૂલતી નથી, ત્યારે જાપાનમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. 60 વર્ષથી વધુ વયની દાદીઓ જુવાનિયાઓના પરિવારને ભોજન બનાવી આપવાથી માંડીને સારાનરસા પ્રસંગે લાગણીનો ટેકો આપવાની એક અનોખી સેવા આપી રહી છે. આ સેવા એટલે ઓકે ગ્રાન્ડમા.
પશ્ચિમના દેશોમાં વિભક્ત પરિવારનો વ્યાપ વધુ છે, પરંતુ હવે ઘણા પરિવારોને લાગણીભીનો સંગાથ આખું જીવન મળી રહે એવી ઝંખના છે. ભારત જેવા સંયુક્ત પરિવારમાં માણસ જે રીતે સચવાઈ જાય છે, તે જોઈને ઘણા પશ્ચિમના લોકો હવે માતા-પિતા કે દાદા-દાદી સાથે રહેતા હોય એવું જોવા મળે છે. તો બીજી તરફ આપણે ત્યાં હવે આપણે બે અને આપણું એક એવા કન્સેપ્ટ સાથે જીવતા પરિવારોનું ચલણ વધી રહ્યું છે. ઘરમાં વૃદ્ધો ગમતા નથી, તો બીજી તરફ પરિવારમાં નાનાં સંતાનોને સાચવવામાં પડતી મુશ્કેલી દૂર કરવા પૂરતાં વૃદ્ધોને ચલાવી લેવાનો પણ ટ્રેન્ડ છે, પરંતુ વૃદ્ધો પણ ઘરમાં એક મોભ બની રહે છે, એ હવે આપણે ભૂલી રહ્યા છીએ, ત્યારે એ વાત જાપાનીઓને સમજાઈ છે.
એમ તો જાપાનમાં સરેરાશ આયુ વધી છે. સંખ્યાબંધ શતાયુ લોકો જોવા મળી રહ્યા છે. એ સંજોગોમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે જીવન કપરું બની જાય છે. ન તો કોઈ કામ રહે કે ન કોઈ સંગાથ, એકલવાયું જીવન મુશ્કેલ બની જાય છે. બીજી તરફ એકલા રહેતાં યુવાન દંપતીઓને પણ સારાનરસા પ્રસંગે એકલવાયી જિંદગી બોજ બની રહી છે. એમ પણ જાપાનીઓ દુનિયામાં સૌથી વધુ કામઢા લોકો છે, ત્યારે આખો દિવસ કામ કર્યા બાદ ઘરે પાછા ફરે ત્યારે તેમની સાથે કોઈ વાત કરે, સાંજે ઘરે આવે ત્યારે ચા-નાસ્તો તૈયાર હોય અને સાથે કરવા લાગે એવી વ્યક્તિઓની તલાશ વધી છે.
સ્વાભાવિક રીતે જ આજના જમાનામાં તણાવ વધી રહ્યો છે, ત્યારે વાત સાંભળનારું પણ કોઈ નથી. નોકરીમાં કે સમાજમાંના ઘર્ષણ અંગે સાંભળનારું કે અનુભવને આધારે ઉકેલ સુઝાડનારું કે સાંત્વના આપનારું હોય તો દિલ હળવું થઈ જાય અને તણાવ પણ ઘટે. પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય એટલે એકબીજાનાં રોદણાં રડવાં પણ યોગ્ય નથી, ત્યારે ઘરમાં એવી વ્યક્તિ જોઈએ, જે બંનેને સાચવી શકે અને સુખ-દુઃખની વાતો સાંભળી શકે. બસ, એમાંથી જ ટોકિયોના ક્લાયન્ટ પાર્ટનર્સે ઓકે ઓબાચાન એટલે કો ઓકે ગ્રાન્ડમા નામની સેવા શરૂ કરી છે. 60થી 94 વર્ષની સ્વાસ્થ્યથી `કકરી' દાદી જેને જેવી જરૂરિયાત હોય એવી ઘરે જઈને ભોજન બનાવવામાં મદદ કરવાથી માંડીને તમારી સાથે ચા-નાસ્તો કરીને વાતો સાંભળવા જેવી સેવા આપે છે. આ નવી સેવાથી એક તરફ વૃદ્ધાઓને પણ સમય પસાર કરવા સાથે સાથે કમાણી પણ મળે છે. તેમના એકલવાયા જીવનમાં પણ રોમાંચ આવે છે. વળી, તેઓ હોંશે હોંશે કામ કરીને જાણે પરિવારના જ સભ્યો હોય એ રીતે લાગણીથી કામ કરે છે.
બીજી તરફ પરિવારના લોકોને વૃદ્ધોની હૂંફ મળી રહે છે. ઘરના જ વડીલ હોય એ રીતે તેમને લાગણીનો ટેકો મળી રહે છે. ઘણા કિસ્સામાં તો આ વૃદ્ધો યુવાનોને કોઠાસૂઝવાળી સલાહ આપીને તેમની સમસ્યા પણ ઉકેલી દેતી હોય છે. દાદીમાને પણ પરિવારનો પ્રેમ મળતો થાય છે, તેથી તેમની જતી ઉંમરે પરિવારનો પ્રેમ મળતાં જીવન ખીલી ઊઠે છે. આમ જોવા જાવ તો યુવાન દંપતી અને વૃદ્ધ એમ બંનેને એકબીજાનો ટેકો તથા હૂંફ મળી રહે છે. આમ પણ આજે દુઃખ સાંભળનારા પ્રિયજનો તો મળે જ ક્યાં છે? એમાં ઓકે ગ્રાન્ડમાં શું ખોટા? જોકે, એ માટે કલાકના 1917 રૂપિયા ચૂકવવા પડે છે. એ ઉપરાંત દાદીને આવવા-જવા માટેનો ખર્ચ પણ આપવો પડે. જોકે, એ ખર્ચ સામે દાદી તમને સાંભળે, તમને મદદ કરે એ તો કંઈ ઓછું ન કહેવાય. બે અઢી હજાર રૂપિયા ચૂકવતાં પણ મનનો કચરો ઠાલવીને હળવા થવાનું મળતું હોય તો તેનાથી રૂડું બીજું શું?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો