સોશિયલ મીડિયા પર આવતાં કન્ટેન્ટમાંથી 100માંથી 10 કન્ટેન્ટ વૃદ્ધોની દયનીય સ્થિતિ, સંતાનોની નિષ્ઠુરતા અને પારિવારિક ઝઘડાઓનાં આવે છે. પેરેન્ટ્સની સંપત્તિ પોતાના નામે કરી લેવાની વૃત્તિથી લઇને પેરેન્ટ્સને ઘરમાંથી કાઢી મૂકવા જેવી દર્દનાક કહાનીઓ જોઇને દિલ વ્યથિત બને છે. સવાલ એ છે કે આ બધા માટે માત્ર સંતાનો જ જવાબદાર છે? ઘટનાઓનું વિશ્લેષણ કરીએ તો 50 ટકા ઘટનાઓમાં સંતાન તો 50 ટકા ઘટનામાં ખુદ પેરેન્ટ્સ જવાબદાર છે. શું વધતી ઉંમર એ અહમ્, જીદ, સલાહ, ઓર્ડર, અને માન-પાનનો પર્યાય છે? ઉંમરના એક પડાવ પર મોહની ગાંઠ મજબૂત કરવી જોઇએ કે વળગણોથી મુક્ત થઇને ખુદ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ? જેઓ પોતે પેરેન્ટ્સ છે એવાં સંતાનોનાં જીવનમાં દખલગીરી કરવી, સતત સલાહો આપવી અને એમના જીવન પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંટ્રોલ કરવાની વૃત્તિ ઉંમરની ગરિમાને ડાઘ લગાડે છે એ વાત ભૂલી જવાય છે એટલે પણ પ્રશ્નો જન્મે છે. જેમનાં સંતાનો ખરેખર પેરેન્ટ્સ સાથે પ્રેમથી રહેવા ઇચ્છે છે એવાં પેરેન્ટ્સે પોતાની ઉંમરની ગરિમા જાળવવા કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે.

વૃદ્ધત્ત્વ એ વધતી જતી ઉંમરના આંકડા માત્ર નથી. સમજણ-અનુભવ-ડહાપણ અને જીવનને નવી દૃષ્ટિથી મૂલવવાનું સાહસ પણ છે. જેઓ આ સાહસ કરે છે તેઓ વૃદ્ધત્ત્વનો જંગ જીતે છે અને જેઓ જૂની-પુરાણી માન્યતાઓની દોરીને પકડી રાખે છે, તેઓ ખુલ્લા ગગનમાં વિહરવાનો આનંદ ગુમાવે છે.

વૃદ્ધત્ત્વને શણગારવાની, સુંદર બનાવવાની પહેલી સીડી છે સ્વાવલંબીપણું. આર્થિક-માનસિક-ભાવનાત્મક અને સામાજિક દરેક રીતે સ્વાવલંબી બનવું. નાથિયામાંથી નાથાલાલ બની સન્માન મેળવવું હશે તો ઘડપણની આર્થિક મૂડીને લગ્ન-મરણ કે અન્ય વહેવાર-રિવાજ પાછળ વેડફવાની બંધ કરવી પડશે. મધ્યમવર્ગીય અને ગરીબ વૃદ્ધો ફૂટબોલની જેમ આમથી તેમ ફંગોળાય છે, કારણ કે મોટાભાગે તેઓ દેવું કરીને પણ દેખાદેખીથી ચાદર કરતાં વધારે પગ લંબાવે છે. જે કંઇ થોડું-ઘણું બચ્યું છે તેને સાચવી રાખો. દીકરીને આણું કરવા માટે પોતાની બચેલી બે બંગડી વેચીને ઓશિયાળા બનવાની જરૂર નથી. પૌત્રની ફી માટે એફ.ડી. તોડાવતા પહેલાં વિચારજો. આર્થિક સ્વતંત્રતા એ ઘડપણને જીતવાની સિક્સર છે. તમારી પાસે જે કંઇ મૂડી છે એનું તમારી સલામતી અને સુખાકારી માટે પ્લાનિંગ કરો.

બીજું, ઉંમર સાથે ફિઝિકલી ફિટનેસ હોવા છતાં વડીલોને વડીલપણું સાબિત કરવા જાતે કરી શકાય એવાં કામો માટે પણ ઓર્ડર આપવાની કુટેવ છે. સમય છે, શક્તિ છે તો પોતાનાં કામ બને ત્યાં સુધી જાતે કરો. આજે નાનાં-મોટા સૌ કોઇ બિઝી છે. જરૂર સિવાય વડીલપણું બતાવવા ડિસ્ટર્બ ન કરો.

ઓફિસેથી થાકીને આવેલી પુત્રવધૂને સતત ઓર્ડર કરવાને બદલે તમારાથી થાય એટલી હેલ્પ કરવાનો ટ્રાય કરો, પણ જતાવો નહીં. નિવૃત્તિનો મતલબ સતત આરામ કે બીજા પર આધારિત બનવું એવું તો નથી. હાથ-પગમાં દમ છે ત્યાં સુધી એક્ટિવ રહેવાથી, અન્યને હેલ્પ કરવાથી ઉંમરનો અહેસાસ ઓછો થશે.

ત્રીજું, તમે તમારાં પેરેન્ટ્સ માટે જે કર્યું એ તમારાં સંતાનો તમારા માટે કરશે એવી આશા-અપેક્ષા રાખવાનું ભૂલી જાઓ. આખી જિંદગી લાગણીને ગળે વળગાડીને રાખી છે, હવે સ્થિતિને સ્વીકારીને નિઃસ્પૃહી થવાનો સમય છે. લાગણી-પ્રેમની અપેક્ષા એ ગળતો જામ છે. એને કેટલોય ભરશો એ અધૂરો જ રહેવાનો. જેટલો ભરાય એનાંથી સંતોષ માનવા સિવાય છૂટકો નથી. સારું-નરસું સમયની સાથે જે કંઇ બદલાયું છે એને નિયતિ ગણીને સ્વીકારો અને એમાંથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરો. ઢળતી ઉંમરે `ઇસ દુનિયા મેં કિતને ગમ હૈ હમારે ગમ તો કિતને કમ હૈ'ની ફિલોસોફી જ આનંદિત રાખી શકશે.

ઉંમરના એક પડાવે `સંયમ' એ હારને જીતમાં બદલી શકે છે. સંયમ એટલે ખાવા પર, બોલવા પર, સલાહો આપવા પર અને અપેક્ષાઓ પર નિયંત્રણ. આ સંયમ જેટલો વધારે એટલી સમસ્યાઓ ઓછી. ખાવા પર સંયમ બિનજરૂરી રોગોને કાબૂમાં રાખી શકશે. 400 સુગરવાળી વ્યક્તિ તક મળતાં જ મીઠાઇ ખાવાનો મોહ છોડી શકતી નથી. આખી જિંદગી ખાધુ-પીધું, હવે સંયમ નહીં રાખશો તો ક્યારે રાખશો? બીજું, આપણે ત્યાં સાઠે બુદ્ધિ નાઠી એવી કહેવત છે. શું બોલવું - શું ન બોલવું એનો વિવેક તેઓ ગુમાવી દે. પોતાને ઠીક ન હોય તો એનો ગુસ્સો સંતાનો પર થશે. સંતાનોની લાઇફસ્ટાઇલ જોઇને પોતાની વીતેલી જિંદગીના અસંતોષને યાદ કરીને કંઇ ને કંઇ આડુંઅવળું બોલતા રહેવું એ શાણપણ નથી. વીતેલી જિંદગીને ગળે વળગાડીને દુઃખી થવાને બદલે જે છે એમાં ખુશ રહેવું જોઇએ અને એ માટે મહત્ત્વનો છે સાક્ષીભાવ.

સાક્ષીભાવ જ બિનજરૂરી સલાહ, દલીલો અને ભૂલો શોધવાની વૃત્તિને રોકી શકે. અગર થોડો પણ સાક્ષીભાવ કેળવાય તો કોઇને નડીને અળખામણાં ન બનાય.  

કહેવાનો મતલબ એ જ છે કે ઘડપણમાં પામવાના અભરખા કરતાં છોડવાની નિઃસ્પૃહિતા રાખવાથી સુખ અને આનંદ મેળવી શકાશે. શું માનવું છે તમારું? 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો