દરેક દેશનો પોતાનો આગવો ઇતિહાસ હોય છે. કોઇપણ દેશના ઇતિહાસને વધુ વિસ્તારથી જાણવા માટે જે-તે સમયની નિર્માણ પામેલી વસ્તુઓને શોધી કાઢવામાં આવે તો ઇતિહાસને સંપૂર્ણપણે જાણી શકાય છે. થોડા સમય પહેલાં જ ઉત્તર લક્ઝમબર્ગ નામના દેશના હોલ્જથુમ નામના એક ગામડામાં 141 જેટલા સિક્કાઓ મળી આવ્યા હતા. અહીં જ્યારે ખોદકામ કરવામાં આવ્યુ હતું ત્યારે આ સિક્કાઓ છુટ્ટા છવાયા નહીં પરંતુ એક જગ્યા પર એક પાત્રમાં વ્યવસ્થિત પણે રાખવામાં આવ્યા હતા. પુરાતત્ત્વવિદના જણાવ્યા પ્રમાણે આ સિક્કાઓ ચોથી સદીના અંતે તેમજ પાંચમી સદીના શરૂઆતના જણાય છે. અલબત્ત આ તે સમય હતો જ્યારે રોમન સામ્રાજ્યનો પશ્ચિમી દેશો પર ભારે દબદબો હતો. મળેલ સિક્કાઓમાં વધુ અચરજ પમાડતી બાબત એ પણ છે કે, તેમાં અલગ-અલગ રાજાઓના સિક્કાઓ જોવા મળે છે, જે સાબિતી આપે છે કે સમયાંતરે રાજાઓની સત્તાઓ બદલાતી રહેતી હતી. આ સિક્કાઓ પૈકી કેટલાકમાં સમ્રાટ યૂજીનિયસની છબી કંડારવામાં આવી છે જેમનું શાસનકાળ 390ના દશકનું હતું! હજુ પણ આ તમામ સિક્કાઓ પરથી વધુ માહિતી મળે તેમ છે અને આ સિક્કાઓની કિંમત સેંકડો-હજારો યૂરોમાં આંકવામાં આવી છે.

આ થિયેટરના વોશરૂમમાં પણ સ્ક્રીન છે!

આજે દુનિયાભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રી આધુનિક ફિલ્મો બનાવે છે અને સામે આધુનિક થિયેટર્સમાં આ ફિલ્મો રિલીઝ થાય છે અને તે ફિલ્મો બોક્સ ઓફિસ બ્રેક કરતી હોય છે. આજે પણ એક અલગ જ વર્ગ છે જે મોટાભાગની ફિલ્મો મોબાઇલમાં, ઘરે ટીવીમાં જોવા કરતા થિયેટરમાં જોવાનું વધુ પસંદ કરતા હોય છે. ઘણીવાર કેટલીક ફિલ્મો ખૂબ જ લાંબી હોય છે અને રોમાંચક હોય છે, પરંતુ આવા સમયે બ્રેક પણ લાંબો પડતો હોય છે. ત્યારે જો અચાનક વોશરૂમ જવાનું થાય ત્યારે તમે ફિલ્મોના રોમાંચક સિન્સ મીસ કરી દો છો, પરંતુ સ્વિત્ઝરલેન્ડના ઘણા થિયેટરમાં તમે તમારી મનપસંદ ફિલ્મના કોઇપણ સીન મિસ કરી શકતા નથી, કારણ કે આ થિયેટર્સમાં તમે જે ફિલ્મ જોતા હોવ છો તે જ ફિલ્મ વોશરૂમમાં મિનિ સ્ક્રિનમાં ચાલતી હોય છે તેથી તમે ફિલ્મોનો કોઇપણ સીન મીસ કરી શક્તા નથી. મૂળ આ થિયેટર્સના વોશરૂમમાં ફર્શ પર એક સ્ક્રિન રાખવામાં આવી છે જેમાં તમે સ્પષ્ટ રીતે ફિલ્મ જોઇ શકો છો! બસ તમારે થિયેટરમાંથી વોશરૂમમાં જવા માટે સ્લાઇટ દોડ લગાવવાની છે જેથી કેટલીક સેકન્ડ બચાવીને તમે ફિલ્મ સંપૂર્ણ જોઇ શકો છો.

64 વર્ષ સુધી ડેટિંગ બાદ લગ્ન કર્યા

આજકાલના યુવાનો પોતાના પ્રિયપાત્રની પસદંગી માટે ડેટિંગ પર જતા હોય છે. આ ડેટિંગ પરથી જ તેઓ તેમનું લગ્ન ભવિષ્ય સારું રહેશે કે કેમ તે નક્કી કરતા હોય છે. આ કપલ પૈકી કેટલાક કપલ થોડા સમયની ડેટિંગ બાદ લગ્ન પણ કરી લેતા હોય છે, પરંતુ કેન્યાનું એક કપલ છેલ્લા 64 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા, પરંતુ પ્રભુતામાં પગલાં પાડવામાં ખચકાતા હતા. જોકે, હવે આ કપલે લગ્ન કરી લીધા છે અને તેઓ ટોક ઓફ ધ વર્લ્ડ સાબિત થયા છે. આ કપલમાં 95 વર્ષીય ઇબ્રાહિમ બોમ્બોએ 90 વર્ષીય તાબિથા વાન્ગુઇની સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે તાબિથાને કહેવામાં આવ્યું કે આટલે મોડે લગ્ન કરવાનું કારણ શું હતું? જેના જવાબમાં તેણે સ્મિતપૂર્વક જણાવ્યું હતું કે, `મર્દ હંમેશાં પોતાનું મન બદલી લેતા હોય છે, તેથી મને જ્યારે સંપૂર્ણ રીતે વિશ્વાસ ન બેસે ત્યા સુધી મેં રાહ જોવાનું પસંદ કર્યું હતું.' મૂળ આ કપલની સ્ટોરી વર્ષ 1960થી ચાલુ થઇ હતી અને બંને એકબીજાની સાથે તો રહેતા હતા પરંતુ લગ્નગ્રંથિથી જોડાયા ન હતા. અંતે તાબિથાને બોમ્બો પર વિશ્વાસ જણાતા છેક વર્ષ 2024માં લગ્ન કર્યા.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો