જૂની પેઢીને નવી ટેક્નોલોજી આપો એટલે સોલિડ કૉમેડી શરૂ થાય. નવી પેઢી મોબાઇલ વાપરે છે. જ્યારે જૂની પેઢી મોબાઇલ સાથે `દંગલ' કરે છે.   

સૌથી પહેલાં આવે વીડિયો કોલ. અમેરિકાથી વીડિયો કૉલ આવે એટલે દાદી તરત માથે ઓઢી સાડીનો પાલવ ઠીક કરે, દાદા બચેલા વાળ સરખા કરે. બંને કેમેરા સામે એવી રીતે સજ્જડ થઈને બેસે જાણે પોલીસ પૂછપરછ કરતી હોય. દાદા ફોન કાન પાસે રાખીને કહે, `હા બોલ!' સામેથી અવાજ આવે, `દાદા, ફોન સામે રાખો, આમાં તમારો કાન દેખાય છે.' દાદા ફોન સામે કરે તો સ્ક્રીન પર માત્ર કપાળ દેખાય. સામેથી કહે, `થોડો નીચે કરો, તમારું કપાળ દેખાય છે. અરે! હવે નાક દેખાય છે.' આખા વીડિયો કોલમાં અડધો સમય `દેખાય છે?', `સંભળાય છે?' અને `હેલો, હેલો'માં જાય. બાકીનો સમય દાદા કહે, `ચાલો, હવે ફોન મૂકીએ, બહુ વાત થઈ.' વીડિયો કોલ પૂરો થાય ત્યારે બધાને ખબર જ ન પડે શેની વાત થઈ.   

વોટ્સએપ તો દાદા માટે આધુનિક ટપાલખાતું છે. સવારે `ગુડ મોર્નિંગ'નો મેસેજ આવે એટલે એમને જવાબ આપવો જ પડે. સામે ફૂલ હોય તો ફૂલ, ભગવાન હોય તો ભગવાન અને સૂરજ હોય તો એવો સૂરજ મોકલે. `આ મેસેજ દસ લોકોને મોકલો' આવે એટલે દાદા વીસ લોકોને મોકલે. ઘણી વખત દાદાજી ભૂલથી ફેમિલી ગ્રૂપમાં `ભેદી' ફોટો મૂકી દે. પછી ડિલીટ કરતા ન આવડે એટલે બધાને ફોન કરે `એ ફોટો મેં નહોતો મોકલ્યો હોં.'   

ગૂગલ તો દાદા - દાદાનો નવો `બાબલો' છે. `ગૂગલ બેટા, આજે વરસાદ પડશે?' `બકા ગૂગલ, આ દવા લેવાય?' `ગૂગલિયા, દૂધીનો હલવો કેવી રીતે બનાવવો?' ગૂગલ પર એટલો વિશ્વાસ હોય કે એક વખત એક વીડિયો જોઈને દાદાએ નળ રિપેર કરવાનો પ્રયત્ન કર્યો. નળ તો રિપેર ન થયો, પણ ઘરમાં `હોમમેડ' ફુવારો તૈયાર થઈ ગયેલો. દાદીએ ગૂગલ સર્ચ કરી એવી વાનગી બનાવેલી જેને લીધે એમના માટે રસોડામાં નો-એન્ટ્રી થઈ ગયેલી.

ઓનલાઈન શોપિંગમાં દાદી પણ પાછળ નથી. પહેલાં દુકાનમાં જઈ પચાસ સાડી ખોલાવતી, હવે મોબાઇલમાં પાંચસો પચાસ ફોટા જોઈને પૂછે, `જુઓ તો આ કેવી છે?' દાદા કહે, `ફોટામાં તો સરસ છે.' પછી દાદા, દાદી સાથે બેસીને ઑનલાઇન શોપિંગ કરે. પાર્સલ આવે ત્યારે ખબર પડે કે દાદીએ સાડીને બદલે પલંગ પર પાથરવાની બેડશીટ્સ મંગાવી હતી. છેવટે દાદી પૌત્રી રિટર્નની માથાકૂટ શરૂ કરે.   

સ્માર્ટ ટીવી તો દાદાને હજુ પણ શંકાસ્પદ લાગે છે. પૌત્ર કહે, `દાદા, આ સ્માર્ટ ટીવી છે. એ તમારા વૉઇસ કમાન્ડથી ચાલશે. તમે બોલો એ મુજબ એ બધું દેખાડશે.' દાદા રિમોટ મોઢા પાસે લઈ જઈને મોટે મોટેથી બૂમો પાડે, `ભજન ચાલુ કર, ભજન ચાલુ કર.' ટીવી કન્ફ્યૂઝ થઈ ચૂપ રહે. દાદા કહે, `આ ટીવી બહેરું છે. મારી વાત સાંભળતું નથી.' છેવટે પૌત્ર બટન દબાવી ભજન ચાલુ કરી આપે. દાદા પૌત્રને કહે, `દર વખતે તને બોલાવી ચાલુ કરાવવાનું હોય તો આ ટીવી સ્માર્ટ નહીં તદ્દન ડફોળ છે.'   

પછી આવે યુપીઆઈ પેમેન્ટ. દાદાનો ક્યૂઆર કોડ વખતે જબરો સીન થાય. સ્કેન કરે અને પછી દુકાનદારને પૂછે, `પૈસા મળી ગયા?' દુકાનદાર કહે, `દાદા, રકમ નાખી, પાસવર્ડ આપો' દાદા કહે મેં છાપામાં વાંચ્યું છે કે કોઈને પાસવર્ડ આપવો નહીં.' છેવટે દાદા રોકડા આપીને આવતા રહે. એક જગ્યાએ એટીએમમાં બેંકવાળાએ દાદાને પિન નાખવા કહેલું તો દાદાએ બાજુમાં ઊભેલા દાદીના માથામાંથી હેરપિન કાઢી મશીનમાં ભરાવી દીધેલી, જેને કાઢવા બેંકવાળાએ ટેક્નિશિયન બોલાવવા પડેલા.' ફોનમાં એલાર્મ વાગે તો દાદા આખી સોસાયટી જાગી જાય એમ બૂમ પાડે, `અલ્યા ઊઠી ગયો છું, બંધ થા.' મોબાઇલમાં `લો બેટરી' લખેલું આવે તો પૌત્રને બોલાવે, `બેટા, આને અશક્તિ આવી ગઈ છે. આને દવા આપ'. ક્યાંક `ફરગેટ પાસવર્ડ' લખેલું આવે ત્યારે દાદી ગુસ્સે થઈ કહે, `આ ડોબો તો સાવ ભૂલકણો છે.'   

ટૂંકમાં, દુનિયા ભલે ડિજિટલ થાય, દાદા-દાદી તો ટ્રેડિશનલ જ રહેવાનાં છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો