મહેમાનગતિ ભારતની સૌથી જૂની પરંપરાઓમાંની એક છે. જૂના જેમાંથી આપણે ત્યાં અતિથિને દેવ કહેવામાં આવે છે, પણ જમાનો બદલાવાની સાથે આ દેવનો વ્યવહાર પણ બદલાયો છે.  

જૂના જમાનાના મહેમાનો આવવાના હોય તો કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. એકદમ બારણું ખખડતું અને બહાર આખો પરિવાર સામાન સાથે ઊભો હોય! આજે મહેમાન આવવાના હોય તો અઠવાડિયા પહેલાંથી વૉટ્સએપ મેસેજો કરે `વી આર કમીંગ' અને છેલ્લે `લોકેશન મોકલો, ગૂગલ મેપ્સ કંઈક બીજે લઈ જાય છે' એવો કૉલ કરે.  

પહેલાંના મહેમાનો કહેતા `ત્રણ દિવસ રોકાઈશું' આજે મહેમાન ઘરમાં પ્રવેશતાં પહેલાં કહી દે, `ડોન્ટ વરી, પાંચ મિનિટમાં નીકળી જઈશું.' પણ એ પાંચ મિનિટમાં પચીસ સેલ્ફી અને પાંચ રીલ બનાવી દે.  

જૂના મહેમાનો બેગમાં કપડાં લઈને આવતા. આજના મહેમાનો મોબાઇલનું ચાર્જર, પાવરબૅન્ક અને ત્રણ પ્રકારના કેબલ લઈને આવે. કપડાં ભૂલી જાય તો ચાલે, પણ ચાર્જર ભુલાઈ જાય તો એમને લાગે કે જીવનનો અર્થ જ ભુલાઈ ગયો!  

પહેલાં મહેમાન ઘરમાં પ્રવેશતાં પૂછતા, `બધા મજામાંને?' આજના મહેમાન પૂછે, `વાઈફાઈનો પાસવર્ડ શું છે?' આપણા ઘરનું પાણી પીવે એ પહેલાં આપણા ઘરના ઇન્ટરનેટ સાથે જોડાઈ જાય.  

પહેલાં આપણાં બાળકો મહેમાનની આસપાસ ગોળ ગોળ ફરતાં. આજે મહેમાન આવે તો બાળકો રૂમમાંથી બહાર જ નથી આવતાં. ફક્ત મોબાઈલમાં `હાઈ' લખીને મોકલી દે છે.  

પહેલાં મહેમાન બાળકોને દસ રૂપિયાની નોટ આપતા. આજે બાળકો સામેથી કહે છે `અંકલ, ઑનલાઇન પે કરી દો.'   

પહેલાં જમવામાં જે બન્યું હોય મહેમાન એ રાજીખુશીથી ખાઈ લેતા. આજે કહે છે, `મારે સુગર નહીં, ગ્લૂટન નહીં, ઓઇલ નહીં, ચોખા નહીં, બટાકા નહીં.' ઘરવાળાને શંકા જાય કે મહેમાન જમવા આવ્યા છે કે મેડિકલ ટેસ્ટ કરાવવા!  

પહેલાં મહેમાન તરીકે આવેલી મહિલાઓ રસોડામાં જઈને કહેતી, `ભાભી, ચાલો મદદ કરાવું.' આજે કહે છે, `એક મિનિટ, પહેલાં પ્લેટનો ફોટો લઈ લઉં.' ભોજન ઠંડું પડી જાય, પણ ફોટો ગરમાગરમ જોઈએ.  

પહેલાં મહેમાન સાથે વાતો થતી. કોઈ બાળપણ યાદ કરે, કોઈ લગ્નની વાત કરે, કોઈ ગામની વાત કરે. આજે એક જ સોફા પર પાંચ લોકો બેઠા હોય, પણ વાત કોઈની સાથે નહીં, બધા મોબાઇલ સાથે જ ચોંટેલા હોય!  

પહેલાંના જમાનામાં મહેમાન ઘરમાં દાખલ થાય એટલે સૌથી પહેલાં વડીલોના પગે લાગતા. પછી ગળે મળવાનું, ખભા પર હાથ મૂકીને પૂછવાનું, `કેમ છો? ઘણા દિવસે મળ્યા!' અડધો કલાક તો હસવામાં અને વાતોમાં જ પસાર થઈ જતો. આજે મહેમાન આવે એટલે પહેલાં મોબાઇલ બહાર આવે. `એક સેલ્ફી લઈ લઈએ. હવે એક સ્માઇલવાળી. હવે એક કેન્ડિડ. હવે એક રીલ માટે!' વાતો પછી થાય કે નહીં એ ખબર નહીં, પણ ફોટા એટલા પડી જાય કે લાગે મહેમાન ઘરે નહીં, ફોટોશૂટ માટે આવ્યા હોય!  

પહેલાં મહેમાન જતા હોય ત્યારે અડધો કલાક વિદાય ચાલતી. `ચાલો આવજો. ફરી આવજો.' કહીને ગલીના નાકા સુધી વળાવવા જવાતું, આંખો ભીની થતી. આજે તો જેવો લિફ્ટનો દરવાજો બંધ થાય કે બધા એકદમ નોર્મલ થઈ જાય.  

હા, એક વાતમાં બંને જમાનાના મહેમાનો એકસરખા છે. બંને કહે છે, `અમે કંઈ ખાશું નહીં' અને પાંચ મિનિટ પછી પૂછીએ તો કહે, `ગરમ ગરમ ચા હોય તો ચાલે. સાથે થોડો નાસ્તો હોય તો પણ વાંધો નહીં!'  

સમય ઘણો બદલાઈ ગયો છે. પહેલાં મહેમાનો યાદો મૂકીને જતા હતા, આજે મોબાઇલમાં ફોટા મૂકી જાય છે. પહેલાં વિદાય પછી ઘરમાં સૂનકાર લાગતો હતો, આજે મહેમાન જાય પછી સૌથી પહેલાં કહેવામાં આવે છે `વાઈફાઈનો પાસવર્ડ બદલી નાખજો.'  

જૂના જમાનાના મહેમાન ઘરનો પ્રેમ વધારીને જતા, જ્યારે નવા જમાનાના મહેમાન ઘરના વાઈફાઈના પાસવર્ડ બદલાવીને જાય છે. પહેલાં મહેમાન આવે તો ઘરમાં આનંદ વધારીને જતાં, આજે મહેમાન ઘરના બજેટનું ટેન્શન વધારીને જાય છે.  

આજના જમાનામાં અતિથિ દેવ નથી, પરંતુ ગેસ્ટ આર્ટિસ્ટ છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો