5 વર્ષનો જિયાન હસમુખો અને પરાણે મીઠડો લાગે એવો. પોતાની દરેક વસ્તુઓ જેમ કહે તેમ કરે, પરંતુ છેલ્લા 6 મહિનાથી એ જિદ્દી અને તોડફોડ કરનારો બની ગયો.

એના ચહેરા પર હાસ્યને બદલે ગુસ્સો જોવા મળે છે અને એનું કારણ છે એની નાની બહેન જિયાનાનું આગમન. ઘરમાં બીજા બાળકના આગમનથી મોટા બાળકના વર્તનમાં જે નેગેટિવ પરિણામ આવે છે, એનું નામ છે ઓલ્ડેસ્ટ ચાઇલ્ડ સિન્ડ્રોમ. જેને સમય જતાં બધું ઠીક થઈ જશે એવા વહેમમાં મોટાભાગનાં પેરેન્ટ્સ અવગણે છે.

જે પરિવારમાં એકથી વધારે બાળક છે ત્યાં મોટું બાળક આ સિન્ડ્રોમથી પીડાય છે. એના વ્યક્તિત્વમાં ધીરે-ધીરે પરિવર્તન આવે છે. લાખો બાળકો પ્રતિસ્પર્ધી, તોફાની અને જિદ્દી બને છે, પરંતુ પેરેન્ટ્સ એને બાળસહજ તોફાન ગણી અવગણે છે. ભવિષ્યમાં આ લક્ષણો બાળકનું વ્યક્તિત્વ અને ઓળખ બની જાય અને પેરેન્ટ્સ વિચારતાં રહે કે બાળકના ઉછેરમાં, જરૂરિયાતમાં કોઇ બાંધછોડ ન કરી હોવા છતાં મારું બાળક આવું કેમ?

પેરેન્ટ્સ નાનાં ભાઈ-બહેન માટે મોટા બાળકને માનસિક રીતે તૈયાર ન કરે, બીજું બાળક આવતાં મોટું બાળક અવગણના પામે, એને સમય, પ્રેમ અને વસ્તુઓ સાથે સમાધાન કરવું પડે ત્યારે આ સિન્ડ્રોમ વિકસે. જેમાં બાળક -

  •  મનમાં ને મનમાં પરેશાન થાય છે.
  •  અસલામતી અનુભવે છે.
  •  નાના બાળક સાથે પ્રતિસ્પર્ધા કરે છે.
  •  એના મનમાં ઇર્ષ્યાનો ભાવ આવે છે.
  •  નાના બાળકને કોઇને ખબર ન પડે એ રીતે હાનિ પહોંચાડશે.
  •  પોતે ધમાલ કરીને દોષનો ટોપલો નાના બાળક પર નાખશે.
  •  પોતાની શેરિંગની ભાવનાને દબાવી દેશે.

બાળક આમ કરે છે, કારણ કે એની જિંદગી હવે પહેલાં જેવી નથી રહી. એનો હક-પ્રેમ વહેંચાયો છે અને જવાબદારી વધી છે. મમ્મી એને હવે કામ સોંપે છે કે બેટા નાના ભાઇને હીંચકો નાંખ, ત્યાંથી ડાયપર લઇ આવ, દૂધની બોટલ મૂકી દે વગેરે. નાનું બાળક રડે ત્યારે મમ્મી એને ખોળામાંથી ઉતારીને નાના બાળક પાસે જતી રહે છે અને લાગે છે કે એનો પ્રેમ વહેંચાઈ રહ્યો છે. આ ભાવનાને સમજીને બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ ન કરવામાં આવે તો નાના બાળકને એ અજાગ્રત રીતે નફરત કરશે. મોટો થતાં પોતાની ખામી-નિષ્ફળતા માટે નાનાં ભાઇ-બહેનને જવાબદાર ગણશે અને એ પોતાનું બાળપણ અને કિશોરાવસ્થા હતાશા, તણાવ અને ઇર્ષ્યા સાથે પસાર કરશે. એનું માનસિક સ્વાસ્થ્ય નબળું પડશે.

ઓલ્ડેસ્ટ ચાઇલ્ડ સિન્ડ્રોમને કારણે મોટું બાળક હંમેશાં નાનાં-ભાઇ બહેન પર હાવી થવાની કે નેતૃત્ત્વ કરવાની કોશિશ કરે છે. જોકે, પેરેન્ટ્સ જ એને નાના ભાઇની જવાબદારી સોંપીને એનો લીડર બનાવી દે છે, પરંતુ મોટા બાળકની લીડરશિપમાં નેગેટિવિટી પણ આવશે. અત્યાર સુધી નાના બાળકને કારણે એણે જે સહન કર્યું છે એનો બદલો એ અજાગ્રત રીતે લે છે. ઘણીવાર પોતાની આ માનસિકતાનો ઉપયોગ એ એના બીજા મિત્રો સાથે પણ કરે છે. મતલબ કે નાનાં ભાઇ-બહેન માટેની ગ્રંથિની અસર બાળકના અન્ય સંબંધો પર પણ પડે છે.

આ સિન્ડ્રોમથી પીડિત બાળક હંમેશાં ખુદને એસિવર્સના રૂપમાં વ્યક્ત થવાની કોશિશ કરે છે. 2018માં થયેલા એક અધ્યયન મુજબ બાળક ખુદ જ પોતાના માટે હાઇ સ્ટાન્ડર્ડ નક્કી કરે છે અને પછી એના માટે સંઘર્ષ કરે છે. જો એ સફળ થાય તો અહંકારી બને અને નિષ્ફળ થાય તો આક્રમક બને છે. સાયકોલોજિસ્ટ એન્ડ કાઉન્સેલર જમીલા જોન્સના જણાવ્યા મુજબ મોટા બાળકને નાનાં ભાઇ-બહેન માટે ઉદાહરણ તરીકે જોવાય છે. મતલબ કે એને હંમેશાં `રોલ મોડલ' બનવાનું પ્રેશર સહેવું પડે છે. તેથી ભણવાથી લઇને સ્પોર્ટસ સુધી એને ડબલ મહેનત કરવી પડે છે. આ દબાણ અને મહેનત એનું પ્રેશર છીનવી લે છે.

બીજું, પેરેન્ટ્સ મોટા બાળકને હંમેશાં નાના બાળકના રક્ષકના રૂપમાં રજૂ કરે છે અને ક્યારેક આ બાબત પર એટલું જોર મૂકવામાં આવે છે કે મોટું બાળક નાના બાળકના રક્ષણ માટે ઝનૂની બને છે. એ માટે અન્ય લોકો સાથે મારપીટ પણ કરશે. આ ઝનૂન નોર્મલ નહીં, પરંતુ ઓલ્ડેસ્ટ ચાઇલ્ડ સિન્ડ્રોમની નિશાની છે.

પેરેન્ટ્સ આ સિન્ડ્રોમને સમજે તથા બાળકમાં નેગેટિવિટી ન વિકસે એ માટે પ્રેમ, સંવાદ, સમજણ અને સાયકોલોજીનો સહારો લે એ આવશ્યક છે.