`કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે તે મહારાજાને અધવચ્ચે અટકાવવાની દુષ્ટતા કરી રહ્યું છે?' સણસણતો સવાલ તાતી તલવારની જેમ વીંઝાયો. ત્યાં વળી કોઈ બોલ્યું: `માથે મોત ભમતું લાગે છે, બાકી આવી અવળી મતિ કોને સૂઝે?' કાફલામાં ચણભણાટ થાવા લાગ્યો: `કોણ છે એ બે માથાળો?'
મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારકાધીશનાં દર્શન કરવા પધાર્યા હતા. દ્વારકા ગાયકવાડ તાબાનું હોવાથી કોઈ તુમારો હોય તો તેનો સ્થળ પર જ નિકાલ થાય તે માટે કારકુન, સેવકથી લઇ સૂબા-સરસૂબા અને વહીવટદારનો આખો રજવાડી-રસાલો સાથે હતો, પણ મહારાજાને મંદિરમાં પ્રવેશતા સંત્રીએ અટકાવ્યા હતા ને આખો રસાલો સ્તબ્ધ થઇ ગયો હતો. સાથે ધ્રૂજવા લાગ્યો હતો: `કો'કનું આવી બન્યું, હવે નો થાવાની થાશે, નક્કી કો'ક ઢેબરાં અભડાઈ જવાનાં સમજો!'
પ્રાગટ્યનો પ્હો ફાટ્યો નહોતો. જલાધિરાજ લંગોટિયા બાળકની જેમ કુણા કુણા ઘૂઘવાટા કરતો હતો. તે વેળા મહારાજા ગોમતીના પુનિત જળમાં સ્નાન કરી, શ્વેત વસ્ત્રો ધારણ કરી, હૈયે ને હોઠે દ્વારકાધીશનું નામ રટતા મંદિરનાં પગથિયાં ચઢીને દરવાજા પાસે આવ્યા હતા ત્યાં જ સંત્રીઓ બંદૂક આડે ધરી ઊભા રહ્યા હતા.
`આપણા મહારાજા સાહેબ છે, તમે ઓળખતા નથી એટલે...' વહીવટદારે દબાતા છતાં સત્તાવાહી સ્વરે કહ્યું હતું ત્યાં સામે જવાબ મળ્યો હતો: `અમે ઓળખીએ છીએ મહારાજા સાહેબને!'
`ઓય તમારી ભલી થાય, તોય આવું?' વહીવટદાર સહિત સાંભળનારા સૌના કાન સરવા થયા. પહેલાં ભવાં અધ્ધર ચઢી ગયાં હતાં. `તો પછી આવી ગુસ્તાખી?' વહીવટદારે ઊંચા આવજે કહ્યું હતું ત્યાં એક સંત્રીએ દરવાજે લટકતું પાટિયું વાંચવા ઈશારો કર્યો હતો. `પગરખાં કાઢીને પછી મંદિરમાં પ્રવેશવું' વહીવટદારને થયું હતું: `એલા આણે તો ભારે કરી, આટલી જ વાત હતી' પણ આવું કહે કોણ?
મહારાજા પળના પા ભાગમાં સમજી ગયા. મોજડી બહાર ઉતારી દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતાં.
આ ઘટનાનો છૂપો ભય સૌ કોઈને સતાવી રહ્યો હતો.પ્રથમ નજરે સંત્રીઓની ગુસ્તાખી હતી. તેણે ડા'પણ વધારવાની જરૂર નહોતી. પ્રજા માટેના આવા સામાન્ય નિયમ મહારાજા માટે ન હોય!
પ્રાત:કાળનું નિર્મળ ટાણું આ અણધારી ઘટનાથી ખરડાઈ ગયું હતું. સૂબા અને દીવાનના જીવ અધ્ધર થઇ ગયા હતા.
મંદિરની આરતી બાદ બંને સંત્રીઓની પાળી પૂરી થતાં મહારાજાના કહેવાથી વહીવટદારે તાકીદનું તેડું મોકલ્યું હતું. આ વાતે કેટલાય અધિકારીઓનાં મોં કાળાંમેશ થઇ ગયાં હતાં. ધ્રૂજવા લાગ્યા હતા. કાળજે પંખીડા જેવો ફફડાટ વ્યાપી ગયો હતો. કહેવત મુજબ રાજા, વાજાં ને વાંદરાં. શું કરે તેનું કાંઈ કહેવાય નહીં!
આદેશ અનુસાર બંને સંત્રીઓ સલામ ભરી મહારાજા સામે અદબભેર ઊભા રહ્યા હતા. ઘડીભર વેધક નજરે બંનેને મહારાજાએ જોઈ લીધા હતા, પછી એકાદ પળ અટકીને પૂછ્યું હતું : `શું નામ છે?'
`અકરમખાં' બીજો પણ એટલી જ નરમાશથી બોલ્યો હતો : `છોટેખાં.'
વખત સ્થિર ને બધિર થઇ ગયો હતો. ક્યારે શું થાય એ કહેવાય ને પછી સહેવાય એવું નહોતું. મહારાજાના મોંએથી નીકળી ગયું તે લોઢે લીટો. તેને ટાળી કે વાળી શકાય નહીં અને ભૂલ થઇ છે ઇ હકીકત છે.
મહારાજાએ દીવાન સામે જોઈ નજીક આવવા ઈશારો કર્યો હતો. આ વેળા કેટલાંય હાંડીખાં-પેપડીખાંનાં હૃદય થડકારો લેવાનું ચૂકી ગયાં હતાં. માથે આવે મોત પછી આવળ ચાવ્યે ઊગરી શકાય એમ નહોતું.
`દીવાન!' મહારાજાએ આદેશ આપતાં કહ્યું હતું: `આ બંને સંત્રીઓને બઢતી સાથે પાંચસોનું ઇનામ આપો.' થોડીવાર તો મહારાજાનો આદેશ કોઈના ગળે ઊતર્યો નહીં, પણ કહ્યું તે હકીકત હતી.
`અને દીવાન, બીજી પણ આજ્ઞાનો તાત્કાલિક અમલ કરવાનો છે.' સામે દીવાને કહ્યું હતું: `જી મહારાજ.'
`સૂબા અને વહીવટદારને નીચી પાયરીએ ઉતારી દો.' આવો આદેશ સાંભળી સૂબા અને વહીવટદારના પગ નીચેથી જમીન સરકવા લાગી હતી. આંખે અંધારાં આવી ગયાં હતાં. મોં કાળાંમેશ થઇ ગયાં હતાં. સૌ પેટ ભરીને જાણતા હતા કે મહારાજાનો આદેશ એટલે લોઢે લીટો. કોઈ કાળે ટાળી કે વાળી શકાય નહીં.
વળતા દિવસના ઊઘડતા પ્હોરે મહારાજા શંકરાચાર્યનાં દર્શન અર્થે શારદાપીઠ ગયા હતા. ત્યાં દંડવત્ પ્રણામ કરીને નમ્રભાવે કહ્યું હતું: `ભગવંત, મારા લાયક સેવા ફરમાવશો!' ત્યારે જગતગુરુ શંકરાચાર્યે પળાર્ધ માટે મહારાજા સામે જોયું હતું. પછી મંદમંદ સ્મિત સાથે બોલ્યા હતા: `રાજન, આ ધર્મક્ષેત્રમાં સૌ કોઈનું કલ્યાણ થાય એવી આપની મનોકામના હોય જ.'
આગળના વેણની અપેક્ષાએ મહારાજા શંકરાચાર્ય સામે જોઈ રહ્યા હતા. `કોઈનું અમંગલ ન થાય. મારી આટલી અપેક્ષાને પરિપૂર્ણ કરો.' એક કોર્ય ધર્મસત્તા ને બીજી કોર્ય રાજસત્તા. વળી, આજ્ઞા ને અપેક્ષા. અડખેપડખે ઊભેલા રાજના હોદ્દેદારો મોંમાં આંગળાં ઘાલી ગયા હતા. શેનો મામલો હશે તે ઝટ દઇ સમજમાં આવે કે ગળે ઊતરે એમ નહોતો, પણ સુજ્ઞ મહારાજા શંકરાચાર્યની ગર્ભિત વાણીને પામી ગયા હતા, તેથી બે હાથ જોડી, પ્રણામ કરવાની મુદ્રા સાથે બોલ્યા હતા: `ભગવંત, આપની આજ્ઞા સહર્ષ શિરે ચડાવું છું.' સામે શંકરાચાર્યે મૌન રહી અભિવાદન કર્યું હતું.
પછીથી સૂબા અને વહીવટદારની સજા માફ કરવામાં આવી હતી.