સરકારી બસ ઠાંસોઠાંસ કે ભીંસોભીંસ ભરેલી હતી. બસને ગતિ આપતા પહેલાં ડ્રાઈવરે એક-બે વાર બ્રેક મારી, હડદોલા લેવડાવ્યા ને મુસાફરો તસુ તસુભાર જગ્યામાં સાંકડમોકડ ગોઠવાઈ ગયા.

બસે અમરેલીથી ઊપડી ચલાલા, ધારી ને દલખાણિયા ગામ સુધી તો ઊભા રહેવાનું ટાળ્યું, પણ દલખાણિયા ગામ એ ગીરનું નાકું. ત્યાં ચા-પાણી માટે ઊભી રહી.

બસ ઊપડી તે દરમ્યાન સોમાએ તે સ્ત્રીની ભાળ મેળવી લીધી હતી. તે કોઈના પડખે દબાઈને બેઠી હતી. સોમાએ તેની સીટ પાસે ઊભા રહેવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોઈએ તેની સામે જોઈ, મોં બગાડતાં કહી દીધું હતું: `એલા પણ તારે જાવું છે ક્યાં?'

ગીરનો છોડવડીનો નેસ આવ્યો. ત્યાં રસ્તાની ચોકડી છે. એક બાણેજ (રેવન્યુ ચોપડે ગામ છે.) તરફ જાય. જ્યાં એક મતદાતા માટે મથક ઊભું થાય છે અને ચૂંટણી ટાણે ન્યૂઝ બને છે. બીજી તરફ કનકાઈ જવાનો રસ્તો. ત્યાં માતાજીનું મંદિર આવેલું છે.

કરંડિયામાંથી નાગ ફૂંફાડો મારે એમ એક સવાલ થયો હતો: `હેં સોમા, આ બધું શું કરવા?'

એકવાર મા આગળ પેટછૂટી વાત કરી બેઠો હતો: `મેં બી.એડ. કર્યું છે એટલે શિક્ષિકા મળે તો લગ્ન કરવાં છે.' પણ માને ગામની છોકરી રંગુ સાથે સગપણ થાય એવી ઈચ્છા હતી.

ઘણા સમયથી સોમાના ધ્યાનમાં આ શિક્ષિકા હતી. ઘણીવાર આમ બસમાં ભેગાં થવાનું બન્યું હતું.

પણ રંગુ ગામમાં કે સીમમાં જ્યારે સામી મળે ત્યારે મોં ભરી મેણું મારે: `હેં સોમા, માસ્તરાણી મળી કે નય.' પછી તે મોં ફેરવી મર્માળું હસતી. તે સોમાને છરી જેમ છાતીમાં સોંસરવું ઊતરી જાતું. પછી તો સોમાએ ગાંઠ વાળી લીધી હતી: `ગમે તે થાય, પણ પરણું તો શિક્ષિકા ને જ.'

બસ આંચકા સાથે ખોડાઈ ગઈ હતી: `સિંહ આડો ઊતર્યો કે શું?'

સિંહનું ભલું પૂછવું. એકવાર રસ્તા વચ્ચે બેસી ગયા પછી ક્યારે ઊભા થાય તે કંઈ કહેવાય નહીં. સાંકડો રસ્તો રોકાઈ જાય. બસ આગળ ચાલે નહીં. પછી કલાકો સુધી પણ ભૂખ્યાં-તરસ્યાં બસમાં જ બેસી રહેવું પડે. સોમાને હતું કે આવું થાય તો સારું. આ શિક્ષિકાને ઘણી ખરી ખબર છે એટલે ચોખ્ખી વાત થઇ શકે. શિક્ષિકાએ નજર ઘુમાવી સોમાની નોંધ લીધી હતી.

કોઈ સીટમાં ઊંચા થઇ, વાંકા વળીને તો કોઈ જગ્યા મળી ત્યાં ત્રાંસા થઇ બારી બહાર જોવા લાગ્યા હતા, પણ ધૂળના સાગમટે વહી આવતા ગોટા વચ્ચે થોડીવાર માટે સ્પષ્ટ કંઈ દેખાયું નહોતું.

`જરીક આઘા તો ર્યો.' કોઈ સ્ત્રી મોં બગાડી, વછડકું ભરી આવું કહે પહેલાં જ લાગતાવળગતા મોં ફેરવી ગયા હતા, પણ સોમો રાતોપીળો થવાની તજવીજમાં હતો. તેનો મુખવટો ફરી ગયો હતો. તે એક સ્ત્રીની સીટ અડતોઅડત દબાઈને ઊભો હતો. આઘા ઊભા રહેવું હતું, પણ વચ્ચે ઊભેલાઓની ભીડ ને ભીંસના લીધે આવું થાતું હતું. સોમાને ભલે બેસવા ન મળે, પણ શિક્ષિકા પડખે ઊભા રહેવાનું મળે તો પણ ભયોભયો હતું.

નજીવી પળોમાં ધૂળની ડમરી ઓછી થતાં, બારી બહાર ડોકાં નીકળ્યાં હતાં. જોવાય એટલું આમતેમ જોયું હતું, પણ સિંહ કેવા ને વાત કેવી? સિંહ નામે સસલું પણ આડે ઊતર્યું હોય એવું લાગતું નહોતું.

ગીરમાં આવું થવું, બનવું એ કોઈ માટે નવું નહોતું. લગભગ ચાલીસ કિલોમીટરનો કાચો રસ્તો. જંગલી પ્રાણીઓને ખલેલ ન પહોંચે તેમ બસ ચાલે. પ્રાણીઓને ટ્રાફિકના નિયમો લાગુ ન પડે. તેમાં સિંહ પણ હોય, પણ સિંહ નહોતો તે જાણી સોમાને અફસોસ થયો. તેને બોલવાનો કોઈ અવકાશ રહ્યો નહોતો.

સીટમાં ભીંસાઈ ગઈ હતી. ત્રણના બદલે ચાર મુસાફરો બેઠા હતા.પડખેની જગ્યા પણ ભરચક હતી. બફારો ને ઊડતી ધૂળ ભારે અકળાવનારી હતી. તેણીનું બગડતું મોં સોમાથી જોયું જાતું નહોતું.

સોમાને એકાએક ઝબકારો થયો. આવી ભયંકર ભીડમાં તેની બેસવાની સીટ કોણે રોકી હશે? સોમાને બહાર કરતાં અંદરની અકળામણ વધારે અનુભવાઈ. તે આખો હલબલી ઊઠ્યો.

જામવાળા ગામ આવ્યું. બસ ઊભી રહી. અહીં કડક-મીઠી ને રગડા જેવી ચા સાથે પેડા કે ગરમાગરમ ગાંઠિયાનો નાસ્તો મળે. તન-મન પરની ધૂળ ખંખેરી મુસાફરો મોકળા મનથી હળવા પણ થાય.

સોમો એ અપેક્ષાએ ઊભો રહ્યો, હમણાં એ કહેશે: `મારી પડખે જગ્યા થવાની છે, બેસી જજો!'

પણ આવું કંઈ બન્યું નહીં. બસ ઊપડી. એક સમયે સીટ મેળવવા મરણિયો પ્રયાસ કર્યો હતો. છતાંય સીટ કે બેસવાની જગ્યા મળી નહોતી, પણ પછીથી ઘણી સીટો ખાલી થઇ ગઈ હતી. છતાંય સોમાને બેસવાની ઈચ્છા થઇ નહીં. બસ સાથે જ મનની ગડમથલ ચાલી.

પણ પોતાનું ગામ સુગાળા આવતાં સોમાને બસ નીચે ઊતર્યા વગર છૂટકો નહોતો.

થોડીવાર ઊભા રહ્યા પછી થયું, પહેલા રંગુના ઘરે જઈ તેનાં મા-બાપના કાને વાત નાખું, પછી માને સારા સમાચાર આપું.