આશ્રમમાં આજે પહેલી વાર કોઈકનો અવાજ ગુરુજી સામે મોટો થયો હતો. છેલ્લાં બે વર્ષથી ગુરુજીની નિશ્રામાં આવેલા સંજયે ખૂબ જ અકળાઈને ગુરુજી સાથે વાત કરી હતી.
મૂળ વાત જાણે એમ હતી કે સંજયે આજે બે વર્ષે ગુરુજીને પૂછી લીધું હતું કે બધું જ કરવા છતાં પણ સંન્યાસના માર્ગ પર આગળ તે કેમ જઈ નથી રહ્યો? તેણે લગભગ પચાસ ઉદાહરણ આપ્યાં કે હું આ પણ કરું છું અને હું પેલું પણ કરું છું, છતાં પણ મને સંન્યાસ માર્ગે જે મળવી જોઇએ એ સિદ્ધિઓ મળતી નથી. હું બધું જ કરું છું છતાં પણ જો સિદ્ધિ ન મળતી હોય તેનો મતલબ એ છે કે મારા ગુરુજીમાં ખોટ છે. ગુરુની આવડત કદાચ ઓછી છે, બાકી જો ગુરુ સમર્થ હોય તો મને ફાયદો દેખાવો જ જોઇએ.
જેમ એક નાનકડું બાળક જીદમાં મા-બાપને કંઈ પણ કહે, ત્યારે મા-બાપ જેમ તેનું ખોટું ન લગાડે તેમ ગુરુજીએ પણ કંઇ ખોટું ન લગાડ્યું. પહેલાં તેને બોલવા દીધો અને પછી કહ્યું કે આજે અમાસની રાત્રી છે. એક કાળું કપડું લઈને અડધી રાત્રે નદીકિનારે આવજે. શિષ્યને થયું કે પોતાના બોલવાની અસર થઈ છે. આજે તો ગુરુ એને બ્રહ્મજ્ઞાન આપી જ દેશે.
અડધી રાત્રે એ એક નાનકડા ફાનસના સહારે નદીકિનારે પહોંચ્યો. ગુરુજી સિવાય ત્યાં કોઈ નહોતું. નાનું ફાનસ હોવા છતાં પણ ખૂબ અંધારું હતું. તેની પર ગુરુજીએ લાવેલા ફાનસને પણ ઓલવી નાંખવા કહ્યું. ત્યારબાદ સાથે લાવેલ કાળા કપડાને સંજયની આંખો ઉપર બાંધ્યું. પછી તેનો હાથ પકડીને કિનારે રાખેલ હોડીમાં બેસાડ્યો. એક પણ શબ્દ બોલવાની ના હતી.
થોડી વારે તેના હાથમાં ગુરુજીએ હલેસાં આપ્યાં અને હોડી ચલાવવા કહ્યું. ગુરુ આજ્ઞા હતી એટલે તેણે હલેસાં ચાલુ કર્યાં. અમાસનું અંધારું એટલું હતું કે આંખે પાટો ન બાધ્યો હોત તો પણ કંઈ દેખાત નહિ. સવાર સુધી એ હલેસાં મારતો રહ્યો. વચ્ચે વચ્ચે ગુરુજીનો અવાજ આવતો હતો કે આ બાજુ વાળ કે પેલી બાજુ. અજવાળું થયું ત્યારે ગુરુએ કપડું હટાવવા કહ્યું. સંજયને આશ્ચર્ય થયું કે તેઓ રાત્રે જ્યાં હતા ત્યાંના ત્યાં જ હતા. ગુરુએ ઈશારો કર્યો. તેણે જોયું તો હોડીનું દોરડું તો છોડ્યું જ ન હતું.
સંજયને થયું કે પ્રયત્નો અને રાત્રી બંને વ્યર્થ ગયાં. ત્યાં તો ગુરુજીએ કહ્યું કે માર્ગદર્શન પણ હતું, હોડી પણ હતી, હલેસાંના પ્રયત્નો પણ હતા, પણ દોરડું કિનારા સાથે જોડાયેલું હતું તો જ્યાં પહોંચવું હતું ત્યાં કેવી રીતે પહોંચાય? એમ સિદ્ધ માર્ગે આગળ વધવા હુંપણું નામનું દોરડું છોડવું પડે. પોતાની ભૂલની જાણ થતાં તે ગુરુજીના પગમાં પડ્યો.