આયુર્વેદના મહર્ષિ ચરકે લખ્યું છે કે, જ્યારે પૃથ્વીમાંથી એક વખત ઘાસને કાઢીને તેના જડ-મૂળમાં છાશ ઘસવામાં આવે તો તે ફરી ઊગતું નથી. તો પછી પ્રદીપ્ત જઠરાગ્નિવાળી વ્યક્તિનાં ઔષધો દ્વારા સુકાયેલા અર્શ-મસા તક્રના ઉપયોગથી કેવી રીતે શેષ રહી શકે?

તક્ર એટલે કે છાશનું સેવન કરવાથી પાચનતંત્રના તમામ માર્ગોની શુદ્ધિ થાય છે. પાચનશક્તિ તીવ્ર બને છે. અન્નનું યોગ્ય રીતે પાચન થવાથી પક્વરસ ઉત્પન્ન થાય છે, જેથી રસ, રક્ત, માંસ, મેદાદિ સપ્ત શારીરિક ધાતુઓની યથાક્રમ ઉચિત શુદ્ધિ થાય છે. શરીર પુષ્ટ થાય છે અને બળ, વર્ણ, કાંતિનો ઉદય થાય છે. મનમાં પ્રસન્નતા આવે છે. વસ્તુત: વાયુ અને કફની પ્રધાનતાવાળા અર્શ-મસામાં છાશથી ઉત્તમ કોઈ જ ઔષધ નથી.

જેમનો જઠરાગ્નિ મંદ હોય એવા મસાના દર્દીઓએ થોડા દિવસ આહારનો ત્યાગ કરીને માત્ર છાશ પર જ રહેવું જોઈએ અને આ રીતે રહેતાં જ્યારે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય ત્યારે તક્રની સાથે પચવામાં લઘુ-હળવાં આહારદ્રવ્યો પ્રયોજવાં જોઈએ.

મસાના દર્દીને છાશમાં ચિત્રક મૂળનું ચૂર્ણ મિશ્રિત કરીને પીવાનો એક ઉપચાર છે. આ માટેની વિધિ આ પ્રમાણે છે. અડધી ચમચી જેટલા ચિત્રક મૂળ ચૂર્ણની ચટણી બનાવી તેનો માટલીની અંદર લેપ કરી સૂકવી લેવું પછી એમાં છાશ નાખીને થોડા સમય બાદ પી જવું અથવા તેમાં યથાવિધિ ગાયનું દૂધ નાંખી તેનું દહીં બનાવી એ તાજી છાશનો જ ઉપયોગ કરવો. ચિત્રક મૂળયુક્ત છાશના આ પ્રયોગને આયુર્વેદના ગ્રંથોમાં અર્શોહર એટલે મસાનો નાશ કરનાર કહ્યો.

જો આ પ્રયોગ શક્ય ન હોય અથવા તો ઝંઝટવાળો લાગતો હોય તો તાજી મોળી છાશમાં પા ચમચી જેટલું ચિત્રકમૂળનું ચૂર્ણ નાંખી દિવસમાં એક વખત પીવું જોઈએ અથવા માત્ર છાશ ઉપર જ રહેતી વખતે અડધી ચમચી જેટલું બીડલવણ છાશમાં નાખીને ભોજન પછી લેવાથી કોષ્ટબદ્ધતા એટલે કે કબજિયાત દૂર થાય છે, જે મસાને મટાડવામાં સહાયક બને છે. તક્ર એટલે કે છાશમાંથી બનાવવામાં આવતું દ્રવ ઔષધ `તક્રારિષ્ટ' પણ મસાનું ઉત્તમ ઔષધ છે.

છાશમાં બનાવેલું-પકવેલું સૂરણનું શાક ખાવાથી મસાનો નાશ થાય છે. લાલ ફટકડીનો છાશમાં બનાવેલો લેપ મસા ઉપર લગાડવાથી રક્તસ્રાવ બંધ થઇ, મસા સુકાઈ જાય છે. આમ, મસાના ઉપચારમાં છાશનો અનેક રીતે ઉપયોગ સૂચવાયો છે, જે તેના અર્શોઘ્ન ગુણને આભારી છે.

અંતમાં જોઈએ તો, સંસ્કૃત ભાષામાં સૂરણનું એક નામ છે, `અર્શોઘ્ન' એટલે કે મસાને મટાડનાર. થોડું ચપટી ચિત્રક મૂળનું ચૂર્ણ, સૂંઠ, સંચળ, અજમો, હિંગ વગેરે સાથે છાશમાં બાફીને બનાવેલું સૂરણનું શાક સર્વ પ્રકારના મસામાં પથ્ય આહારમાં ઔષધદ્રવ્ય છે. મસાના વાયુ પિત્તાદિ દોષો ધ્યાનમાં રાખીને આવશ્યક પરેજી સાથે ઇચ્છાનુસાર લાંબા સમય સુધી જો આ પ્રમાણે સૂરણનો ઉપયોગ કરવામાં આવે તો સર્વ પ્રકારના મસા ચીમળાઈને મટે છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો