એક થોડી અલગ પ્રકારની વાત છે. જરા ધ્યાનથી ધીરજ રાખીને સમજવાની કોશિશ કરીશું તો ખરી મજા આવશે.   

ઉપદેશ આપનારાઓ અને ઉપદેશ માગનારાઓ, બેમાંથી કોઈનુંય કશું કામ નથી આ દુનિયામાં. જીવનમાં તમારે શું કરવું જોઈએ અને શું નહીં એવું અન્ય કોઈ વ્યક્તિ કેવી રીતે તમને કહી શકે? નક્કી તમારે પોતે કરવાનું હોય. તમારી તત્કાલીન પરિસ્થિતિ અને તત્કાલીન મન:સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરવાના હોય. તમારી આસપાસ તથા અંદર શું ચાલી રહ્યું છે એની રજેરજની માહિતી તમારા સિવાય બીજા કોઈને હોતી નથી. અધકચરી માહિતી જાણીને અપાતો ઉપદેશ પણ અધકચરો જ હોવાનો.  

 પણ ઉપદેશ આપનારાઓની આપણે ત્યાં ખોટ નથી. પાડોશીઓથી માંડીને પરમ ભગવદીય જેવાં વિશેષણોથી અલંકૃત થઈ ગયેલા બ્રાન્ડ માર્કાવાળા ઉપદેશકો એક જ ગોળીએ ટાઈફોઈડ, ન્યુમોનિયા, મલેરિયા, કમળાનો ઈલાજ કરે છે. એ ટેબ્લેટનું નામ છે : તમારે આમ કરવું જોઈએ.  

 મારે આમ જ કેમ કરવું જોઈએ, તેમ કેમ નહીં એવો સવાલ જે દિવસે ઊભો થશે તે દિવસથી બોધિજ્ઞાનનું પહેલું ટીપું આ ખોપરીમાં ટપક્યું ગણાશે. જીવનના દરેક સવાલનો ઉકેલ મેળવવા બીજાઓ પાસે પહોંચી ન જવાય. પોતાની મેળે શોધેલો ઉત્તર જ કાયમી સમાધાન, શાશ્વત સંતોષ આપી શકે. જેમની પાસે તમારા કરતાં વધારે જાણકારી, વધારે સમજદારી છે એવા લોકોનો ઉપયોગ બહુ બહુ તો હાઈવે પર શહેર કે ગામનું નામ તથા દિશા સૂચવતા તીર ચીતરેલા પાટિયા તરીકે કરવાનો હોય. આ માર્ગદર્શક પાટિયાને તમારે કહેવાનું ન હોય કે તમે પણ મારી સાથે મુસાફરી કરો.  

 કોઈ પૂછે તો સૂચન કરાય, ઉપદેશ આપવા બેસી ન જવાય. તમે નક્કી કરેલાં મૂલ્યોનાં માપદંડથી બીજાને કેવી રીતે માપી શકાય? જીવનનાં મૂલ્યોનું કદીય સ્ટેન્ડર્ડાઈઝેશન નથી થઈ શકતું. વ્યક્તિના પોતાના જીવનમાં તેમજ સામાજિક જીવનનાં મૂલ્યોમાં અનેક પરિવર્તનો આવ્યાં છે. ગયા શતકમાં જે સાચું મનાતું, સ્વીકાર્ય મનાતું તે આજે નિંદનીય ગણાતું હોય એવું બન્યું છે અને એનાથી ઊલટુંય બનતું જોયું છે તમે.  

 માણસના પોતાના અંગત વિશ્વમાં જે કંઈ કરી રહ્યો છે તે સાચું છે કે ખોટું છે એવું નક્કી કરી આપવાનો ઈજારો લેવાનું ઉપદેશકોને ખૂબ ગમે છે. જેમની પાસે પોતાના સ્વતંત્ર અસ્તિત્વની ખુમારી નથી એવા લોકો આ ઉપદેશકો પાસે જઈ છએય અંગ ભોંય પર લગાડી પરસાદની સાથોસાથ ઉપદેશ પણ સીધો જ ગળે ઉતારી દેવા આતુર હોય છે.  

 પોતાના વિશે ઝાઝું વિચારવાની માથાકૂટ કરવી ન પડે અને પોતાની સમસ્યાઓના ઉકેલ કારગત ન નીવડે ત્યારે બીજાઓના માથે એની જવાબદારી ઢોળી શકાય એવા ઈરાદાથી પણ આપણે ઉપદેશકો તરફ દોડી જવાનું પસંદ કરીએ છીએ.  

 સંસ્કૃતમાં ઉપદિશ એટલે બે દિશાઓ વચ્ચેનો ખૂણો, પેટાદિશ અને ઉપદેશ એટલે બતાવવું, એ દિશા તરફ બતાવવું. ઉપદેશનો સાચો અર્થ એ છે. કોઈ એક ચોક્કસ દિશા તરફ ધ્યાન દોરતી વાત કહેનારા ઉપદેશકો હવે રહ્યા નથી. જે છે તેઓ પોતાની અધકચરી સમજ અને પોતાના પાક્કા સ્વાર્થ અનુસાર સલાહ-શિખામણ આપનારા છે.  

 સાચા ઉપદેશના ત્રણ પ્રકાર છે : 1. પ્રભુસંચિત. અર્થાત્ રાજાની જેમ આજ્ઞા કરવી તે. 2. મિત્રસંચિત. અર્થાત્ દોસ્તની જેમ સમજાવીને કહેવું તે. અને 3. કાંતાસંચિત. અર્થાત્ સુંદર સ્ત્રીના મધુર સંભાષણમાંથી વ્યક્તિ પર જે વાતની અસર થઈ જાય તે. છેલ્લા પ્રકારના ઉપદેશે હવે કપટનું સ્થાન લઈ લીધું છે. બીજા પ્રકારના ઉપદેશમાંથી હવે કૂથલી જન્મવા માંડી છે અને પ્રથમ પ્રકારના ઉપદેશના અધિકારી કોઈ રહ્યા નથી, એવી પાત્રતા હોય એવા માણસો ક્યાં છે આજકાલ.  

 નક્કી થયેલા નિયમો, નિશ્ચિત નીતિમત્તા કે શાસ્ત્રોમાં વ્યક્ત થયેલા આદેશો સમાજ માટે છે, વ્યક્તિ માટે નહીં, ઉપદેશકો આ જ નિયમો-આદેશોનું પુનરાવર્તન કરતા રહે છે. આ નિયમો-આદેશો સમાજ માટે છે એનો અર્થ એવો કે મોટાભાગના લોકો એ પ્રમાણે વર્તે તો સારું. તમામ લોકો એ જ રીતે વર્તે એવો આગ્રહ રાખી શકાય નહીં. કોણ એ રીતે વર્તે ને કોણ નહીં એવા અપવાદો અંગે પણ સ્પષ્ટતા કરવી અશક્ય છે, કારણ કે અપવાદો અંગેની સ્પષ્ટતા છેવટે નિયમોમાં જ પરિણમતી હોય છે.  

 ઉપદેશની નિરર્થકતા અણસમજુ લોકોએ જ પુરવાર કરી દીધી છે. જેઓ અક્કલના આળસુ છે તેઓ બાબાના વાક્યને પ્રમાણભૂત ગણીને જીવનમાં ઉતારી દેવાનો પ્રયાસ કરે છે અને પછી દુ:ખી દુ:ખી થઈ જાય છે. ઉપદેશની નિરર્થકતાનો અર્થ કોઈ એવો ન કરે કે દુનિયામાં જે કંઈ સારા વિચારો સર્જાયા અને જે કંઈ ઉમદા ફિલસૂફીઓ રચાઈ એ તમામ નિરર્થક છે. આ તમામ વિચારો, ફિલસૂફીઓ આપણા મનને સંકુચિત વિશ્વમાંથી બહાર લઈ જવા માટે છે, મનની મોકળાશ વધારવા માટે છે, પણ મોટાભાગના ઉપદેશ આપનારાઓમાં અને ખાસ તો, ઉપદેશ માગનારાઓમાં આથી તદ્ન ઊંધી જ પ્રક્રિયા જોવા મળે.   

સારા વિચારો કે જીવનોપયોગી તત્ત્વજ્ઞાન પામીને મનની એક પછી એક બારી ઊઘડતી જાય, તમામ બારણાં ખુલ્લાં થઈ જાય, છાપરું પણ ન રહે અને વારાફરતી બધી દીવાલો ખરી પડે. એક અવકાશ રચાઈ જાય. સમજણની આડે આવતી તમામ આડશો, સીમાઓ, મર્યાદાઓ આ રીતે છૂટતી જાય, પણ આપણી પોતાની અધૂરપને કારણે અથવા ક્યારેક ખોટી સમજણને કારણે આપણે ખુલ્લામાં આવી ગયા પછી અવકાશની, પરમ શાંતિની, લાગણી અનુભવવાને બદલે આસપાસ કશું જ નથી એવી ખાલીપાની પ્રતીતિ થતાં અસલામતીની લાગણી અનુભવવા માંડીએ છીએ.   

આવી અસલામતી દરમ્યાન કોઈ એક વિચારકની કે કોઈ એક સંસ્થાગત વિચારસરણીની કે કોઈ એક ઉપદેશકની છત્રી ખોલીને માથે છત્ર હોવાનો પોકળ સલામતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આવા પ્રયાસ આપણને વધુ જડવાદી, વધુ રૂઢિવાદી, વધુ પરંપરાવાદી બનાવી દે છે. અત્યાર સુધી પામેલા તમામ ઉપદેશોના અંતિમ હેતુ પર પાણી ફરી વળે છે. આવું થાય ત્યારે માનવું કે વાંક બેઉનો છે. 

ઉપદેશ પામનારનો તો ખરો જ, જેમનાથી એ પચાવી શકાયો નહીં અને ઉપદેશ આપનારનો પણ ખરો, જેમણે પોતાના ઉપદેશ દ્વારા અનુયાયીઓની પાત્રતાને વિકસાવવાને બદલે છીછરી જ રાખી.  

 જીવનને સ્પર્શતો કોઈ પણ સારો વિચાર એવા લોકો માટે નથી જેમને બત્રીસ જાતનાં ભોજન આરોગ્યાં પછી ઓડકાર ખાતાં ખાતાં, દાંત ખોતરતાં અસ્તિત્વ વિશે વિચારવાનો શોખ હોય. ગંભીર તત્ત્વજ્ઞાનમાંથી નીપજતી સુંદર વિચારોની વાતો માત્ર એ લોકો માટે જ છે, જેઓ પોતાની પાત્રતાની વિશાળતા, એનું ઊંડાણ વધારવા માગતા હોય. ઉપરછલ્લી પાત્રતા ધરાવનારા અનુયાયીઓને ઉપદેશકો પણ એવા જ મળવાના અને અધકચરા ઉપદેશકોના અનુયાયીઓ પણ કાચીકોરી સમજવાળા જ રહેવાના. લેનાર અને સ્વીકારનાર બેઉની પાસે પોતપોતાનાં ભવ્ય શિખરોનું ગૌરવ હોય તો જ આદાનપ્રદાનની ક્રિયા સાર્થક થાય. 

સાયલન્સ પ્લીઝ!  

માત્ર સુગંધનો મોહ નડી ગયો,  

બાકી કાગળનાં ફૂલો તો  

જિંદગીભર સાથ આપવા તૈયાર હતાં.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો