આજના સમયમાં ખરીદી કરવા માટે બે મુખ્ય રસ્તા. એક ઑનલાઇન શોપિંગ અને બીજું બજારમાં જઈને ખરીદી. ઑનલાઇન ખરીદીમાં માણસ સોફા પર બેસી, મોબાઈલ મચેડી અને પોતે વીર વેબસાઈટવાળો બની જાય છે. જ્યારે બજારમાં ખરીદી કરનારો ગ્રાહક ઘરેથી નીકળે ત્યારે માસૂમ ઇન્સાન હોય છે અને ખરીદી કરી પાછા ફરે ત્યારે રીઢો ગ્રાહક બની ગયો હોય છે.

ઓનલાઇન શોપિંગની સૌથી મોટી મજા એડ ટુ કાર્ટ નામના બટનમાં છે. એમાં વસ્તુ ખરીદવી જરૂરી નથી, કાર્ટમાં નાખવી જરૂરી છે. ઘણા લોકોના કાર્ટ તો મોટા ગોડાઉન જેવા લાગતા હોય છે. જેમાં પગાર આવવાની પ્રતીક્ષા કરતી ઇચ્છાઓ પાર્સલ બનવાની રાહ જોતી હોય છે.

ઑનલાઇન ખરીદીમાં ખાટલે મોટી ખોડ એ હોય છે કે એમાં મોટાભાગે જે વસ્તુ દેખાડે છે એવી આવતી નથી. એક વખત મેં ઑનલાઇન શર્ટ મંગાવેલો. ફોટામાં મોડલ એવું દેખાતું કે મને લાગ્યું હવે તો હું પણ એવો હીરો લાગીશ. પાર્સલ આવ્યું, શર્ટ પહેરી અરીસામાં જોયું તો હીરોની જગ્યાએ હું કોમેડિયન જેવો લાગતો હતો.

ઓનલાઇન ફોટામાં મહેલના ફર્નિચર જેવી લાગતી ખુરશી ઘરે આવે ત્યારે ઓફિસ બહાર પટાવાળાને બેસવાનું સ્ટૂલ નીકળે છે. અવનવી ઑફર્સ પણ હોય છે, સિત્તેર ટકા ઑફ, બાય વન ગેટ થ્રી. આ બધું જોઈને એવું લાગે કે કંપનીએ ધર્માદો શરૂ કર્યો છે. પછી ખ્યાલ આવે કે માલની કિંમત કચ્ચીને વધારી પછી ડિસ્કાઉન્ટ આપવાનો ડ્રામા ચાલી રહ્યો છે.

ડિલીવરી બૉય એ ઑનલાઇન શૉપિંગના ખેલમાં અગત્યનું કેરેક્ટર છે. એને આપણું સરનામું ક્યારેય મળતું નથી. આપણે બધું સ્પષ્ટ લખ્યું હોય તો પણ આપણા ઘરની આજુબાજુ ક્યાંક ભમ્યા કરે છે અને કૉલ કરીને એડ્રેસ પૂછ્યા કરે છે. આપણે ગમે તેટલું તોયે એ કોઈ ભળતી જ ગલીમાં વળી જતો હોય છે. છેવટે એને ક્યાંક ઊભો રાખી આપણે જાતે ત્યાં ડિલીવરી લેવા જઈએ ત્યારે આપણી વસ્તુ આપણને મળે છે.

ઓનલાઇન શૉપિંગમાં રિવ્યૂ પણ ભેદી હોય છે. એક લખે ખૂબ જોરદાર વસ્તુ છે તો બીજો એ જ વસ્તુ માટે લખે એકદમ ભંગાર છે. ત્રીજો લખે ફાઈવ સ્ટાર ચોથો લખે માઈનસ ફાઈવ સ્ટાર. આ વાંચીને વસ્તુ લેવી કે ન લેવી એના માટે ગ્રાહકે ચિઠ્ઠી ઉપાડી નક્કી કરવું પડે છે.

ઑનલાઈનમાં રિટર્ન પોલીસી પણ હોય છે. જેમાં લખ્યું હોય છે ન ગમે તો પાછું મોકલો, પણ એની પ્રોસેસ એટલી લાંબી હોય છે કે માણસ કંટાળીને એવું વિચારે છે કે રહેવા દો, મારી પસંદ જ ખરાબ હતી, વસ્તુ નહીં.

હવે વાત કરીએ બજારમાં જઈને ખરીદી કરવાની. એમાં શૉપિંગ કરતાં વધારે સાઈટ સીઈંગ વધારે હોય છે. લોકો આખું બજાર ફરે છે પછી જે ખરીદી કરવા નીકળ્યા હોય એને બદલે ભળતું જ ખરીદીને ઘરે આવે છે. ગ્રાહક અને વેપારી બંને વાજબી શબ્દ માળાની જેમ જપ્યા કરે છે.

વેપારીઓ પણ માલ પધરાવવા ગજબના ખેલ કરતા હોય છે. એક વખત હું સ્પોર્ટ્સ શૂઝ લેવા ગયેલો. ત્યાં દુકાનદારે શૂઝ દેખાડી કહ્યું ઇમ્પોર્ટેડ છે સાહેબ. મેં પૂછ્યું ક્યાંથી? એ બોલ્યો ઓરિસ્સાથી. એ દિવસે સમજાયું કે વેપારીઓ માટે ગુજરાત બહારથી આવતી વસ્તુ ઇમ્પોર્ટેડ છે.

બજારમાં ખરીદીની સૌથી મોટી રમત છે ભાવતાલ. દુકાનદાર કહે હજાર રૂપિયા. ગ્રાહક કહે પાંચસો રકઝક ચાલે દુકાનદાર પચાસ ઓછા કરતો જાય, ગ્રાહકની પિન પાંચસો પર અટકેલી હોય. છેવટે છસોમાં સોદો પતે. ગ્રાહક વિચારે ચારસો બચ્યા, વેપારી વિચારે ચારસો કમાયો, કેમ કે વસ્તુ બસો રૂપિયાની જ હોય. કપડાં ખરીદવાની મજા પણ જુદી જ છે. દસ શર્ટ, બાર પેન્ટ કઢાવો. ટ્રાયલ લો, અરીસામાં જુઓ, સેલ્ફી લો અને પછી કંઈ જ લીધા વગર ચાલતી પકડો.

અંતે એક જ સવાલ કે ઑનલાઇન કે બજાર એમાંથી પૈસા ક્યાં ઓછા ખર્ચાય? તો જવાબ છે - બંનેમાં. ઓનલાઇનમાં ઑફર જોઈને ખર્ચો થાય, બજારમાં વેપારીની વાતોમાં આવીને ખર્ચો થાય. સમજદાર માણસ માટે એક સૂત્ર છે - ઓનલાઇન જોવું, બજારમાં ચેક કરવું અને પછી પોસાય એ લેવું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો