રાધાના કૂણા કાળજે જાણે કરવત ફરી વળી હતી. સજાવેલાં સપનાં છિન્નભિન્ન થવા લાગ્યાં હતાં અને ઘરમાં રીતસરનો માતમ છવાઇ ગયો હતો.

નહિતર એક સમયે વરસાદનો છાંટો પણ શરીરે પડતો અને રાધાથી રોમાંચિત થઇ જવાતું હતું. તન-મન ફૂલની જેમ ફોરી ઊઠતું હતું. પછી ત્વચા પર પ્રસરેલી મીઠી લાયને શીળી કરવા તે નહાઈ કે પલળી લેતી હતી. ત્યારે હોઠે આવી જતું હતું, પેલા વરસાદનો છાંટો મને વાગ્યો, પણ દિવાળી પછીનો આ વરસાદ અંગ પર અંગારા જેવો લાગતો હતો.

વરસાદનો વાંધો નહોતો પણ કમોસમી, એવું માવઠું, પાકવા આવેલા ધન-ધાન્યને ધમરોળતું હતું.

એકાદ વાર વરાપ નીકળી હતી. ઉઘાડ થયો હતો. આકાશ સ્વચ્છ થયું હતું. જગતના તાતને હૈયે ઉચાટ હતો તે ઓછો થયો હતો. હાશ, વરાપ નીકળી છે. વરસાદ વરસતો બંધ થયો છે તે મોંમાં આવેલો કોળિયો સાવ છીનવાઈ નહીં જાય! પણ જ્યારે માવઠું મૂરઝાઇ ગયું, વરસાદે વળામણાં કર્યાં ત્યારે ખેતરમાં રહેલો પાક સાવ નંદવાઈ ગયો હતો. સઘળી મોલાત સડીને ફરી ફણગાવા લાગી હતી. હાથમાં આવે એવું કંઈ રહ્યું નહોતું. જાણે પંડ્યનાં છોરું જેવા પાકનું નજર સામે જ નખ્ખોદ વળી ગયું હોય!

રાધાએ જોયું તો બાપુ હજુ પથારીમાં ગૂંડલું વળીને પડ્યા હતા. નહિતર ભળભાંખળું થાતાં જ પથારી ત્યાગી, પરવારી ગયા હોય. પછી શિરામણ કરી, કંઈ કામ હોય કે ન હોય, પણ ખેતરમાં આંટો મારી આવે, પણ આજે એવું બન્યું નહોતું. જેનું કારણ રાધા બરાબર જાણતી હતી, તેથી પલંગની ઇસ પર બેસી દુભાતા ને દબાતા સ્વરે બોલી: `બાપુ, વરસાદ તો આખા મલકમાં વરસ્યો છે, બધાયને નુકસાન થયું છે, આપડે એકલા નથીને!' ત્યાં સામે બાપુના મોંએ આવી ગયું હતું: `પણ દીકરીનો બાપ તો હું એકલો જ છું ને!'

બાપની પીડાના પાયામાં પોતે છે તે રાધા ભરપેટ સમજતી હતી, પણ જાતે કરે શું?

એક તો મનગમતું ઘર ને વર મળ્યાં હતાં. તેમને લગ્ન કરવાની ભારે ઉતાવળ હતી. છતાંય સમજાવીને આવતા મહા માસ સુધી અટકાવ્યા હતા, પણ હવે જો કંઈ આનાકાની કરવામાં આવે તો એ સામેથી લટકાવી દે તેમ હતા. સગપણ ફોક કરી, કોઈ બીજી કન્યા સાથે ચાર ફેરા ફરી લેતા વાર લાગે તેમ નહોતી. સમસ્યા જ અહીં સર્જાઈ હતી. પછી તો મનગમતું ઘર ને વરનું માંડી વાળી જે મળે તેને ગમતું કરવાનું હતું. અણગમતા સાથે આયખું વેંઢારવાનું હતું. એકાદ દા'ડો હોય તો અણગમતા સાથે નીકળી જાય મારા ભાઈ, પણ આખું આયખું કેમ કરીને જાય. આ વિચારે રાધાથી હબકી ને ત્રસ્ત થઇ જવાતું હતું.

`બાપુ, ઊઠો ને મોં વીસળી લો.' રાધાએ ભાવભીના સ્વરે કહ્યું: `એટલે હું ચા મૂકું!'

બાપુથી ઊભા થવામાં મુશ્કેલી લાગી તો રાધાએ હાથનો ટેકો દીધો, પણ થયું કે બાપુને એકાએક ઘડપણ આવી ગયું કે શું? નહિતર તો ખડેલા આભને ટેકો દે એવું કૌવત અને હૈયે હામ ભરી હતી, પણ દીકરીનું દુઃખ આંબી ગયું હતું. કદાચ એટલે જ રાવણે સોનાના બાળોતિયેય દીકરી માગી નહોતી!

રાધા સ્વયં રડવા જેવું હસવા લાગી.

શિરામણ કર્યા પછી બાપુએ ઓસરીની કોર પર ઉભડક પગે બેસી થાંભલીએ ટેકો લીધો. રાધા બાપુની પ્રત્યેક ક્રિયાને પારખી રહી હતી.બાપુ ભાગ્યે જ આમ પગ વાળી, લમણે હાથ દઈ નિરાશ વદને બેસે, પણ પહેલીવાર આમ જોયા એટલે રાધાએ રીતસરના ટપાર્યા: `બાપુ, હારી કે હરેરી જાવાની જરૂર નથી. સૌનું થાશે તે આપણું થાશે. જાવ ખેતર આંટો મારી આવો, મન હળવું થાય.'

અને બાપુએ જે રીતે સામે જોયું, તે જોતાં રાધાના દિલમાં સબાકો આવ્યો. તે થથરી ગઈ. છતાંય છાતી પર પથ્થર રાખીને બોલી ગઈ: `બાપુ, ચિંતા શેની કરો છો?' મારે લગ્ન જ નથી કરવાં. એવું કહેવાના બદલે કહી દીધું: `હું તમારો દીકરો છું, મારે આ ઘર છોડીને ક્યાંય નથી જાવું!' ત્યાં બાપુના હોઠે આવું ગયું હતું: એ શ્વાસ લીધા વગર પણ ન ચાલે અને શ્વાસ છોડ્યા વગર પણ ન ચાલે. દીકરી માટે આવું છે.

વાતાવરણ સમધારણ હતું. તાપ, ઠંડી ને વરસાદના લીધે કોઈ ઋતુનું નામ દઈ શકાય એવું નહોતું.

બાપુ મને કમને સીમમાં ગયા. રાધા એકલી પડી. ઘરકામ આટોપી લઇ તે મોબાઇલ હાથમાં લઈને બેઠી. જોયું તો સોશિયલ મીડિયામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અને વળતર અંગેનો ભારે શોરબકોર થઇ રહ્યો હતો.

મીડિયાને જાણે મહત્ત્વનો મુદ્દો હાથમાં આવી ગયો હતો. રાધાને તેમાં બરાબરનો રસ પડ્યો. પોતાની જ પીડા પ્રગટતી હોય એવું લાગ્યું. તેમાં વળતરની વાતે બાપુને આશ્વાસન આપી શકાય એવું હતું. ત્યાં એકાએક સમૂહલગ્નની જાહેરાત જોઈ. વિગતો જાણી અને મનમાં વીજળી જેવો ઝબકારો થયો. અંતરમાં ઉજાસ પથરાયો અને થયું, આ સમૂહલગ્નની બાબતે બાપુનું ધ્યાન દોરવા જેવું છે.

પછી ખુદ નવવધૂની જેમ શરમાવા લાગી.