સુપર માર્કેટની ગલીઓમાં ટ્રોલી ધકેલતી વખતે કે મલ્ટિપ્લેક્સના અંધારા હોલમાં પોપકોર્નનો ડબો હાથમાં પકડીને બેઠા હોઈએ, ત્યારે આપણે મોટાભાગે આસપાસ ચાલતાં દૃશ્યો કે ખરીદીની યાદીમાં ખોવાયેલા હોઈએ છીએ, પણ એ જ સમયે આપણી આસપાસ એક એવું અદૃશ્ય તત્ત્વ વહી રહ્યું હોય છે, જે આપણી આંખોને દેખાતું નથી, પરંતુ આપણા વિચારો, નિર્ણય અને લાગણીઓને ચૂપચાપ દિશા આપી રહ્યું હોય છે. એ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. આપણે વિચારીએ છીએ કે આપણે સભાનપણે નિર્ણયો લઈ રહ્યા છીએ, પરંતુ આપણા અચેતન મન(સબકોન્શિયસ માઇન્ડ)ની ચાવી આ સંગીતે પોતાના હાથમાં સંભાળી રાખી હોય છે.  

ક્યારેય વિચાર્યું છે કે મોલમાં ખરીદી કરતી વખતે અચાનક આપણો હાથ કોઈ મોંઘી વસ્તુ તરફ કેમ લંબાઈ જાય છે? કે પછી અમુક રેસ્ટોરાંમાં જતાં જ આપણને ઉતાવળે જમીને ઊભા થઈ જવાનું મન કેમ થાય છે? આ કોઈ યોગાનુયોગ નથી, પણ મનોવિજ્ઞાન અને સંગીતનો એક બહુ ઊંડો ખેલ છે. સુપર માર્કેટ્સમાં ઘણીવાર ધીમું અને શાંત સંગીત વગાડવામાં આવે છે, જેથી આપણા હૃદયના ધબકારા અને ચાલવાની ગતિ ધીમી પડે. આપણે જેટલો વધુ સમય સ્ટોરમાં વિતાવીએ, એટલી જ વધુ વસ્તુઓ ટ્રોલીમાં ઉમેરાતી જાય છે. એ જ રીતે ફાસ્ટ-ફૂડ જોઈન્ટ્સમાં થોડું ઝડપી સંગીત વાગતું હોય છે, જે આપણને ઝડપથી જમીને જગ્યા ખાલી કરવા માટે અજાણતાં જ પ્રેરિત કરે છે. સંગીતનો એક નાનો ધબકારો પણ આપણા પાકીટ અને સમય પર કંટ્રોલ મેળવી લે છે.  

માર્કેટિંગ નિષ્ણાતો તો સંગીતના રાગ અને ભાષાનો ઉપયોગ કરીને આપણી પસંદગી પણ બદલી નાખે છે. એક રસપ્રદ પ્રયોગમાં જોવા મળ્યું હતું કે જ્યારે કોઈ વાઇન સ્ટોરમાં ફ્રેન્ચ મ્યુઝિક વાગતું હતું ત્યારે લોકો ફ્રેન્ચ વાઇન વધુ ખરીદતા હતા અને જ્યારે જર્મન મ્યુઝિક વાગતું ત્યારે જર્મન વાઇનનું વેચાણ વધી જતું હતું. આશ્ચર્યની વાત એ છે કે ગ્રાહકોને ખુદ ખ્યાલ નહોતો કે તેમની આ પસંદગી પાછળ પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જવાબદાર હતું. આ જ રીતે, જ્વેલરી શોપ કે લક્ઝરી બ્રાન્ડ્સના સ્ટોરમાં વગાડાતું ક્લાસિકલ કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક આપણી અંદર એક `રોયલ' અહેસાસ જગાડે છે, જેથી આપણે વધારે કિંમત ચૂકવતી વખતે પણ ખચકાતા નથી.  

ફિલ્મોની દુનિયામાં તો આ સંગીતનો જાદુ બેહદ અદ્ભુત હોય છે. પડદા પર દૃશ્ય આવે તે પહેલાં જ બેકગ્રાઉન્ડ સ્કોર આપણા મગજને કહી દે છે કે હવે શું અનુભવવાનું છે. એક સીન વિચાર્યો: એક અંધારી ગલીમાં કોઈ ચાલી રહ્યું છે. જો પાછળ વાંસળીનો મધુર સૂર વાગતો હોય તો આપણને પ્રેમાળ લાગણી થશે, પણ જો ત્યાં જ વાયોલિનનો તીખો અને તૂટક અવાજ શરૂ થાય તો આપણા શરીરનાં રૂંવાડાં ઊભાં થઈ જશે અને મન ભયથી ફફડી ઊઠશે. ફિલ્મના સંગીતકારો આપણા સબકોન્શિયસ માઇન્ડ સાથે એક પ્રકારનો સંવાદ સાધે છે. તેઓ જાણે છે કે કઈ ફ્રીક્વન્સી કે કયો તાલ આપણા મગજમાં ડોપામાઇન કે એડ્રેનાલિન જેવા હોર્મોન્સ મુક્ત કરશે. પડદા પરનો કલાકાર એક્ટિંગ કરે છે, પણ આપણા હૃદયમાં કરુણા, ભય કે ઉત્સાહનો ઊભરો લાવવાનું સાચું કામ તો એ પાછળ વાગતી અદૃશ્ય ધૂન જ કરતી હોય છે.  

આ બધું સાંભળીને કદાચ એવું લાગે કે સંગીત વડે આપણો માનસિક વપરાશ થઈ રહ્યો છે, પણ હકીકતમાં આ કુદરતે માનવ મગજને આપેલી એક સુંદર ભેટ છે. આપણું મન શબ્દો કરતાં પણ પહેલાં અવાજ અને તરંગોને ઓળખે છે. જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારે પણ સૌથી પહેલાં માના હૃદયના ધબકારાનો સંગીતમય તાલ જ સાંભળીએ છીએ. એટલે જ સંગીત સીધું આપણા તર્કને બાયપાસ કરીને લાગણીઓના મૂળ સુધી પહોંચી જાય છે. એ આપણી જાણ બહાર આપણો મૂડ બદલી શકે છે, જૂની યાદો તાજી કરી શકે છે અને ક્ષણભરમાં આપણને કોઈ અલગ જ દુનિયામાં પહોંચાડી શકે છે.  

હવે પછી જ્યારે તમે કોઈ સ્ટોરમાં પ્રવેશ કરો કે કોઈ અદ્ભુત ફિલ્મ જુઓ, ત્યારે થોડી ક્ષણો માટે આંખો બંધ કરીને કે કાન સરવા કરીને તમારી આસપાસ વહેતા એ અદૃશ્ય અવાજોને સાંભળવાનો પ્રયત્ન કરજો. તમને સમજાશે કે આ દુનિયા માત્ર આપણે જોઈ રહ્યા છીએ એટલી જ નથી, પણ જે સંગીત આપણે સાંભળવાનું ચૂકી જઈએ છીએ, એ જ સંગીત આપણી જિંદગીના મોટાભાગના સીન્સ ડાયરેક્ટ કરી રહ્યું છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો