રાજ્યનું એકમાત્ર અને અત્યંત મનોહર હિલસ્ટેશન છે. સમુદ્ર સપાટીથી આશરે 1,067 મીટરની ઊંચાઈએ સ્થિત આ સ્થળ તેનાં લીલાછમ જંગલો, ખળખળ વહેતાં ઝરણાં અને પ્રાચીન ગુફાઓ માટે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. પંચમઢીની ખાસિયત એ છે કે અહીંની મુલાકાત લેતા પ્રવાસીઓને પ્રકૃતિની સાથે સાથે ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. તેની ઐતિહાસિક બાબતો પણ તેના સૌંદર્ય નો એક અભિન્ન હિસ્સો રહી છે.

`પંચમઢી' નામ બે શબ્દો `પંચ' (પાંચ) અને `મઢી' (ગુફાઓ) પરથી આવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર પાંડવોએ તેમના વનવાસ દરમિયાન અહીં પાંચ ગુફાઓ બનાવી હતી, જે આજે પણ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. આધુનિક પંચમઢીની શોધ 1857માં બ્રિટિશ આર્મીના કેપ્ટન જેમ્સ ફોર્સિથ દ્વારા કરવામાં આવી હતી. બ્રિટિશ કાળ દરમિયાન તે સેન્ટ્રલ પ્રોવિન્સની ઉનાળુ રાજધાની તરીકે જાણીતું હતું. પંચમઢીનું કુદરતી સૌંદર્ય અને ત્યાં આવેલાં જોવાલાયક સ્થળો રમણીય છે. પંચમઢીમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય વેર્યું છે. અહીંનાં મુખ્ય જોવાલાયક સ્થળોમાં,

બી ફોલ

આ પંચમઢીનું સૌથી પ્રખ્યાત ઝરણું છે. ઊંચાઈ પરથી પડતાં પાણીનાં ટીપાં મધમાખી જેવાં ભાસતાં હોવાથી તેને `બી ફોલ' કહેવામાં આવે છે.

ધૂપગઢ

આ સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે. અહીંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનું દૃશ્ય અત્યંત મંત્રમુગ્ધ કરી દે તેવું હોય છે.

જટાશંકર અને મહાદેવ ગુફાઓ

શિવભક્તો માટે આ પવિત્ર સ્થળો છે. કુદરતી રીતે બનેલી ગુફાઓમાં સ્થાપિત શિવલિંગ અને ગુફાઓની છત પરથી ટપકતું પાણી એક દિવ્ય અનુભવ કરાવે છે.

પાંડવ ગુફાઓ

પહાડોને કોતરીને બનાવવામાં આવેલી આ પાંચ ગુફાઓ પુરાતત્ત્વીય દૃષ્ટિએ ખૂબ મહત્ત્વની છે.

રીંછગઢ

આ એક કુદરતી ગુફા છે, જે પર્વતોના આકારને કારણે કિલ્લા જેવી દેખાય છે.

પંચમઢી `સાતપુડા ટાઇગર રિઝર્વ' અને `પંચમઢી બાયોસ્ફિયર રિઝર્વ'નો ભાગ છે. અહીં સાગ અને સાલનાં ઘટાદાર વૃક્ષો જોવા મળે છે. વન્યજીવ પ્રેમીઓ માટે અહીં વાઘ, ચિત્તા, જંગલી ભેંસ અને વિવિધ પ્રકારનાં પક્ષીઓ જોવાની તક મળે છે. અહીંનું વાતાવરણ આખું વર્ષ ખુશનુમા રહે છે, પરંતુ ચોમાસામાં અહીંની હરિયાળી ખીલી ઊઠે છે.વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ભરપૂર પંચમઢી હંમેશાં લોકોની મનગમતી જગ્યા બની રહ્યું છે. પંચમઢી એ પ્રકૃતિપ્રેમીઓ, ઇતિહાસના જાણકારો અને શાંતિની શોધમાં રહેલા લોકો માટે એક આદર્શ પર્યટન સ્થળ છે. અહીંની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ પોતાની સાથે અવિસ્મરણીય યાદો લઈને પાછો ફરે છે. આ ઉપરાંત, ત્યાં રહેતા સ્થાનિક લોકો હોય કે આદિવાસી પ્રજા દ્વારા સચવાયેલી પંચમઢીની હસ્તકળા એટલે કે, રૉક પેઇન્ટિંગ અને હેન્ડબલોક પ્રિન્ટ અદ્ભુત છે. આ કલાઓ પ્રાચીનતમ કળાઓ પૈકીની એક છે. પંચમઢીના સ્થાનિક બજાર અને ત્યાંની ખાસ હસ્તકળા વિશે જાણવું અને મુલાકાત લેવી એક લહાવો છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો