અભિષેક બચ્ચનને આપણે સૌ જાણીએ, પરંતુ એ કોઈ આપણો મિત્ર કે સંબંધી નથી, પરંતુ તેની પત્ની ઐશ્વર્યા રાય સાથે અણબનાવ ચાલી રહ્યો છે.
બંને અલગ થવાની તૈયારી કરી રહ્યાની ગોસિપ કરવામાં આખા દેશને મજા આવે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે આપણે કશું લાગતું વળગતું નથી, છતાં અજાણી વ્યક્તિઓની મધ ઝરે એવી વાતો કરવામાં આપણને ખૂબ જ મજા આવતી હોય છે અને એ સંબંધને પેરાસોશિયલ રિલેશનશિપ કહેવાય.
ટીવી કે યુ ટ્યૂબ કે બીજાં માધ્યમો પર જ જોવા મળતી સેલિબ્રિટી કે બીજી અજાણી વ્યક્તિઓ સાથે આપણી મૈત્રી બંધાય એ એમ તો એકતરફી સંબંધ છે, પરંતુ આ રીતે અજાણી વ્યક્તિ સાથે સંબંધનો તંતુ જોડાય તેને પેરાસોશિયલ સંબંધ કહેવામાં આવે છે. આ સંબંધ કિયારા અડવાણી કે વિરાટ કોહલી જેવા કોઈ પણ ક્ષેત્રના મેગાસ્ટાર સાથે અથવા મનપસંદ પ્રભાવક અથવા પોડકાસ્ટ સર્જક જેવી ઇન્ટરનેટ સેલિબ્રિટી સાથે થઈ શકે છે. ટીવી અને સોશિયલ મીડિયા પર રિયાલિટી શોની વધતી જતી લોકપ્રિયતા સાથે પેરાસોશિયલ સંબંધોનો ટ્રેન્ડ વધ્યો છે. થોડા વર્ષો પહેલાં ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સને ફક્ત તેમની ફિલ્મો અથવા ગીતોથી જ જાણતા હતા. ઇન્ટરવ્યૂ અથવા મેગેઝિનમાંથી તેમના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ હતી. આજકાલ આપણે સેલિબ્રિટીઓના અંગત જીવન વિશે ઘણું જાણીએ છીએ. તેમના પાલતુ પ્રાણીઓનાં નામ, તેમનો ડેટિંગ ઇતિહાસ, તેઓ વેકેશન પર ક્યાં જાય છે, તેઓ કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એવી રજેરજની માહિતી આપણી પાસે હાથવગી હોય છે. જાણે આપણે એમના પરિવારના જ એક સભ્ય હોઈએ એ રીતે તેમની માહિતી મોઢે હોય છે.
સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાંક વર્ષોથી લોકો સ્માર્ટફોન સાથે જોડાયેલા રહે છે. વળી, સ્માર્ટફોનમાં ફોટો પાડવો કે વીડિયો ઉતારવો સાવ સહેલું અને બિનખર્ચાળ છે. વળી, એ સામગ્રીને તમે વર્ષો સુધી `સેવ' રાખી શકો છો. વળી, આ ફોટો, વીડિયો કે માહિતી તમે શેર કરી શકો છો. હવે સ્માર્ટફોન હાથમાં આવી જવાને કારણે ઘણા લોકો કોઈ સેલિબ્રિટી શું કરી રહી છે, તેની રજેરજ માહિતી પણ રેકોર્ડ કરવાનો પ્રયાસ થાય છે. એ સેલિબ્રિટી ક્યાં હતી, શું પહેર્યું હતું, કઈ કારમાં હતી, કયો ફોન હાથમાં હતો, હેરસ્ટાઈલ કેવી હતી એવી માહિતી સતત જાણતા રહેવું કે તે શેર કરતા રહેવું કે હાથવગી રાખવી તેને કારણે મનમાં એ વ્યક્તિ સાથે આત્મીયતાની લાગણી વિકસતી હોય છે. આ સહજ ક્રિયા કહી શકાય. આપણને મૂઠી ઊંચેરા લોકો અંગે બીજા કરતાં વધુ જાણીએ છીએ એવો દેખાડો કરવાનું ગમે છે. વળી, એ સેલિબ્રિટીની બધી માહિતી હોવાને કારણે જાણે બીજા કરતાં આપણે એ સેલિબ્રિટીથી ઘણા નજીક હોવાનો પડઘો પણ પડે છે. એમાં માનસિક રીતે આપણે એ સેલિબ્રિટી સાથે નજીકનો સંબંધ હોવાની એક લાગણી પેદા થાય છે અને એ લાગણી જ આત્મીયતાનો ભાવ ખીલવે છે.
એમ પણ માનવીને કુદરતી રીતે જ બીજા સાથે સંબંધ રાખવાની જરૂરિયાત સાલતી હોય છે. એ અંગે હાર્વર્ડ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રોફેસર આર્થર સી.બ્રુક્સ એવું તારણ કાઢે છે કે, માણસો હંમેશાં જૂથોમાં રહેવા માટે વિકસિત થયા છે. સ્વાભાવિક રીતે ઉત્ક્રાંતિમાં માનવી પેદા થયો, ત્યારે 2,50,000 વર્ષ પહેલાં પૃથ્વી પર એકલા ટકી રહેવું ખૂબ મુશ્કેલ હતું. ફક્ત સામાજિક સંબંધો બનાવીને લોકો એકબીજા પર આધાર રાખી શકતા હતા અને સુરક્ષિત રહી શકતા હતા. આ કારણે જ માનવજાત પેદા થઈ ત્યારથી આપણી સાથે સંપર્કમાં આવનારી વ્યક્તિ પ્રત્યે આપણે આકર્ષિત થઈએ છીએ, તેની સંભાળ રાખીએ છીએ અને તેની સાથે આત્મીયતા બંધાય છે. આ વાત આજે બદલાતા પરિપ્રેક્ષ્યમાં પણ એટલી જ સાચી છે. સ્વાભાવિક રીતે આજકાલ સોશિયલ મીડિયાનું વર્ચસ્વ વધ્યું છે, તેથી આપણો એ સંપર્ક સોશિયલ મીડિયા પર જ હોય છતાં આત્મીયતા તો એવી જ સાચુકલી બંધાતી હોય છે.
જોકે, પેરાસોશિયલ સંબંધો સારા છે કે ખરાબ તેનો સ્પષ્ટ જવાબ મળવો મુશ્કેલ છે, પરંતુ તમારા એવા કોઈ સંબંધ હોય અને તેના ન્યૂઝ વાંચીને
તમે કોઈ ખરાબ સમાચારથી બચી શકતા હોવ તો એવા સંબંધો જરાય ખોટા નથી એમ કહી શકાય. જ્યારે લોકો કોઈ સેલિબ્રિટીના જીવન અને કાર્ય વિશે અન્ય ચાહકો સાથે વાત કરે છે, ત્યારે તેઓ એકલતા ઓછી અનુભવે છે. પેરાસોશિયલ રિલેશન સંપૂર્ણપણે ઓનલાઈન હોય છે. આ સંબંધોએ કોરોના મહામારી દરમિયાન એકલા હતા ત્યારે લોકોને અન્ય લોકો સાથે જોડાયેલા રહેવાનો અહેસાસ કરાવવામાં ખૂબ જ મદદ કરી હતી. કદાચ એ કારણે જ અનેક લોકોને સધિયારો મળ્યો હશે અને આજે ક્ષેમકુશળ જીવન જીવતા હશે.
જોકે, નિષ્ણાતો સોય ઝાટકીને કહે છે કે પેરાસોશિયલ રિલેશન ક્યારેય વાસ્તવિક જીવંત સંબંધોનું સ્થાન લઈ શકતા નથી. છતાં એ સંબંધમાં રહેલો રોમાંચ આપણને આનંદમાં રાખે છે કે બીજા ખરાબ વાતાવરણથી દૂર રાખે છે. ટૂંકમાં કહીએ તો આવા સંબંધો ફાસ્ટફૂડ જેવા હોય છે. તેનો સ્વાદ સારો હોય છે, પરંતુ તે શરીરને કોઈ પોષણ આપતા નથી અને તે તમારી જરૂરિયાતો પૂરી કરતા નથી. અમિતાભની દરેક પોસ્ટ સાથે આપણે રોમાંચિત થઈ જઈએ. તેમનો બર્થડે હોય ત્યારે તેમને શુભેચ્છા પણ આપીએ, પરંતુ આપણો બર્થડે હોય ત્યારે અમિતાભ તમને શુભેચ્છા પાઠવવાના નથી અને તેથી જ આ પેરાસોશિયલ સંબંધો કરતાં તમારી આસપાસ રહેતો મિત્ર જ તમને શુભેચ્છા પાઠવશે એવા સાચા સંબંધો જ જીવનને જીવવા જેવું બનાવે છે.
