યુએસ અને ભારતમાં દર વર્ષે જુલાઈના ચોથા રવિવારે ઊજવવામાં આવે છે, જે આ વર્ષે 26 જુલાઈના રોજ છે. પેરેન્ટ્સ ડે વૈશ્વિક સ્તરે વિશ્વભરમાં જુદી જુદી તારીખે ઉજવાય. બધાનો ઉદ્દેશ એક જ, માતા-પિતા અને વાલીઓના જીવનભરના બલિદાન, પ્રેમ અને માર્ગદર્શનનું સન્માન કરવાનો, બાળકો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા બદલ તેમને પોંખવાનો. છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વયં માતા-પિતાએ આ બલિદાન અને સમર્પણનો જે રસ્તો અપનાવ્યો છે તેણે એવી સ્થિતિ નિર્માણ કરી છે કે માતા-પિતાને જ સમજાવવાની જરૂર હોય તેમ જણાઈ રહ્યું છે. ખાસ કરીને ભારતના ગુજરાત સહિતના મોટાભાગનાં રાજ્યોમાં. વિશેષતઃ ભણતરના મુદ્દે અમેરિકા, કેનેડા સહિત વિદેશ મોકલવાના મુદ્દે, દેખાદેખી, હુંસાતુંસી પાળી પોષી રહ્યા છે સ્વયં વાલીઓ. આ બાબતે માતા-પિતાઓ રીતસર ખેંચાઈ રહ્યાં છે અને બાળકો રીતસર તણાઈ રહ્યાં છે.   

ઘણાં માતા-પિતા ઉચ્ચ શિક્ષણને જ વ્યક્તિગત ગતિશીલતા, આર્થિક સુરક્ષા અને સામાજિક દરજ્જા માટેનું અંતિમ સાધન માને છે. ઉચ્ચ શિક્ષણ, નામાંકિત સંસ્થાઓના શિક્ષણને જ ઉજ્જ્વળ ભવિષ્ય માટે બાંયધરીકૃત માર્ગ અને જીવનભર સારા વેતન સાથે જોડાયેલ માનવામાં આવે છે. સંતાનોની મોટી ડિગ્રીઓ સમુદાયોમાં સફળતા, બુદ્ધિ અને પારિવારિક પ્રતિષ્ઠા તરીકે કામ કરે છે. શિક્ષણમાં અપાર પરિવર્તનશીલ શક્તિ રહેલી છે, પરંતુ પ્રણાલીમાં આંધળો વિશ્વાસ કરવાની પ્રથા પ્રણાલીગત નબળાઈઓ તરફ દોરી જઈ શકે છે.   

સમય સ્પર્ધાત્મક છે, પરંતુ ટ્યુશન, મોંઘી શાળાઓ પાછળ આડેધડ ખર્ચ કરવાથી વાલીઓએ બચવું જોઈએ. ગુણવત્તાયુક્ત શિક્ષણ જરૂરી છે, પણ અતિશય ખર્ચ જ બાળકનું ભવિષ્ય સુધારતો નથી. બાળકના ભવિષ્યમાં રોકાણ કરવું મહત્ત્વપૂર્ણ છે, પરંતુ નાણાકીય રીતે વધુ પડતો બોજ માતા-પિતા અને બાળકો બંને માટે લાંબા ગાળાના તણાવનું કારણ બની શકે છે. ઘણીવાર જીવનશૈલી બચત અથવા પેન્શન ફંડનો ઉપયોગ ખાલી કરી દે છે. ઊંચા વ્યાજની લોન લે જેને ચૂકવવામાં દાયકાઓ લાગે. કોચિંગ પાછળ ₹10-15 લાખ ખર્ચે, આ રીતે દેવાનો બોજ વધારે છે. આમાં કંઈ છોકરાઓનો વાંક કાઢવા જેવો નથી, મા-બાપને પણ ઉચ્ચ શિક્ષણ, વિદેશમાં શિક્ષણ + નોકરીની ઘેલછા ઊપડી છે. લોન લઈને છોકરાને કેનેડા મોકલ્યો, કોરોનાની બીજી લહેરમાં માતા-પિતા બંને મૃત્યુ પામ્યા, સરવાળે છોકરાએ નોકરી કરતા પહેલાં જ પોતાના ખર્ચાનો ભાર ઉપાડવો પડ્યો. પિસ્તાલીસ પચાસ વર્ષે ચાલીસ પચાસ લાખની લોન લઇ એન્જિનિયર, ડોક્ટર બનાવતા કે ભણવા વિદેશ મોકલતાં માતા-પિતા પોતાના જ ઘડપણનો કે આવનારા મેડિકલ ખર્ચાનો વિચાર સુધ્ધાં નથી કરતાં. કડવી પણ વરવી વાસ્તવિકતા એ છે માતા-પિતા બાળકોનો ઉછેર નથી કરતાં, તેમનામાં રોકાણ કરે છે. ફિક્સ્ડ ડિપોઝિટ, વીમા પોલિસી કે IPOની જેમ ઉચ્ચ ભણતર પાછળનો ઈરાદો ઘણીવાર `ભવિષ્યમાં ઉચ્ચ વળતર આપતી મિલકત' તરીકે જોવામાં આવે છે. જ્યારે ધાર્યું વળતર નથી મળતું, ત્યારે હતાશ માતા-પિતા, સંવેદનહીન સમાજના કટાક્ષો અને અપમાનની અને નિષ્ફળતાના બોજની બાળકોએ કિંમત ચૂકવવી પડે છે. ક્યારેક તો પોતાના જીવના ભોગે પણ. અમુક પેરેન્ટ્સ માટે જ્યાં સુધી બાળકો IIT, JEE, NEETમાં સફળ ન થાય ત્યાં સુધી સંતાન બોજ ગણાય છે; ત્યારબાદ તેઓ સંપત્તિ બની જાય છે.   

ખોટું નથી ઉચ્ચ શિક્ષણ કે નથી વિદેશ ભણવા મોકલવાનું, ખોટું છે દેખાદેખી, હુંસાતુંસીમાં ખેંચાતા રહેવાનું અને સંતાનને તણાતા રાખવાનું. ફક્ત ઉચ્ચ તેમજ અમુક જ સંસ્થાકીય શિક્ષણને પ્રાધાન્ય આપવા કરતાં શાળાના ભણતરની સાથે જ ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, આર્થિક વૃદ્ધિ માનસિકતા, જિજ્ઞાસા અને અસરકારક સમસ્યાનું નિરાકરણ જેવા ગુણોને સક્રિય રીતે પ્રોત્સાહન આપો. બધા કરોડો રૂપિયાનો પગાર મેળવે છે? કેટલાકને મળે છે, કેટલાકને નથી મળતો, તેથી ઊલટું તેઓ પાસે ચમત્કારિક પરિણામોની અપેક્ષા રાખવામાં આવે છે. ફલાણી ઢીંકણી સંસ્થામાં ભણ્યો છે એટલે કંપનીને આકાશ આંબતી કરી દેશે! બલિદાન સારી બાબત છે, પરંતુ બલિદાનના નામે પેરેન્ટ્સ કે સંતાનનો `બલિ' ચઢી જાય 

તે ખોટું.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો