એક માણસમાં કેટલા બધા માણસો હોઈ શકે. નવાઈ લાગે ક્યારેક. ગઈ કાલે કોઈ વ્યક્તિ આપણા માટે જેવી હતી તેના કરતાં તદ્દન વિપરીત આજે કેવી રીતે હોય? પણ હોય છે. આપણે પોતે પણ બધા માટે બધી જ વખત એકસરખા ક્યાં હોઈએ છીએ. આપણી આસપાસની દસ વ્યક્તિઓને ખાનગીમાં આપણા વિશે અભિપ્રાય પૂછવામાં આવે તો એકદમ સોના જેવો માણસથી માંડીને તદ્દન પિત્તળ જેવો સ્વભાવ છે એનો તો - સુધીના અભિપ્રાયો જાણવા મળે. આમાંથી સાચું શું? આપણે કાં તો સોનાના હોઈએ કાં પિત્તળના. એકસાથે બે ધાતુ ક્યાંથી હોઈ શકે?   

હોઈ શકે. કંઈ પણ હોઈ શકે. માણસ બે ધાતુનો જ નહીં પંચધાતુનો, સપ્તધાતુનો અરે! શતધાતુનો પણ હોઈ શકે. આ એક વાત. બીજી વાત : માણસ એક જ ધાતુનો હોય, પણ એને જુદા જુદા માપદંડોથી ચકાસતા, જુદા જુદા ખૂણેથી જોનારા લોકો એની આસપાસ પથરાયેલા હોય એવું બને. એક જ માણસ વિશે એના મિત્ર - કૌટુંબિક - સામાજિક - વ્યાવસાયિક વર્તુળમાં સો અલગ અલગ અભિપ્રાયો હોઈ શકે.   

એક માણસમાં કેટલા માણસ હોઈ શકે એ પહેલી વાતને વિગતે જોઈએ. એક વ્યક્તિ એકસાથે સારી અને ખરાબ અથવા તો ભલી અને બૂરી અથવા તો પ્રામાણિક અને સિદ્ધાંતવિહોણી હોઈ શકે છે. બેઉ અંતિમો એનામાં હોઈ શકે. ઊડીને આંખે વળગે એવા વિરોધાભાસો એનામાં હોઈ શકે. ફક્ત સારો કે ફક્ત ખરાબ માણસ ફિલ્મોમાં, નવલકથાઓમાં કે પછી રામાયણ-મહાભારતની વાર્તાઓમાં જોવા મળે. વાસ્તવના જીવનમાં માણસમાં ભરપૂર ગ્રે શેડ્સ હોવાના, પણ આપણે પોતે જ આપણામાંના ગ્રે શેડ્સને પિછાણી શકતા નથી, બીજાઓમાં રહેલી ધૂપછાંવની પ્રકૃતિને ઓળખવાની 

કે સ્વીકારવાની તો વાત જ બાજુએ રહી.   

આપણે આપણા વિશેના ખાસ્સા ભ્રમમાં રહીએ છીએ એટલે બીજાઓને પણ આપણા વિશેના ભ્રમમાં રાખીએ છીએ. આપણામાં રહેલા જુદા જુદા સ્વભાવના અંશને આપણે જોઈ શકતા નથી. આપણો એક અંશ ત્યાગી તો બીજો અંશ લાલચી હોઈ શકે છે. આપણે ક્યારેક ભરપૂર નિષ્ઠાવાન તો ક્યારેક તદ્દન નમકહરામ હોઈ શકીએ છીએ. સિદ્ધાંતને વળગી રહેનારા આપણે ક્યારેક બિલકુલ નીતિમત્તા વિહોણા બની શકીએ છીએ.   

આપણામાં રહેલી સારી બાજુને, પોઝિટિવ સાઈડને આપણે તરત ઓળખી જઈએ છીએ. આપણામાંની બીજા છેડાની - નેગૅટિવ પ્રકૃતિને આપણે જોઈ શકતા નથી. કેમ નથી જોઈ શકતા? કારણ કે આપણે આપણી એ લાલચને, નમકહરામીને, નીતિમત્તાની બાદબાકીને, આપણા અકરાંતિયાપણા અને એકલપેટાપણાને એના નેગૅટિવ શેડમાં નિહાળવાને બદલે એને જસ્ટિફાય કરીને, એને વાજબી ઠેરવીને આપણા મનને મનાવતા રહીએ છીએ કે આ નેગૅટિવ પાસાં વાસ્તવમાં નેગૅટિવ છે જ નહીં.

બીજી વાત. એક જ વ્યક્તિના એક પાસાને એની આસપાસની દસ વ્યક્તિઓ દસ અલગ અલગ રીતે જોઈ શકે. આપણા સ્વભાવનો કોઈ એક ચોક્કસ અંશ કોઈના માટે સારો હોય તો બીજું કોઈ એ જ અંશને ખરાબ ચીતરે એવું પણ બને. જે તમારા આશ્રય હેઠળ છે અથવા જે તમને જેન્યુઈનલી ચાહે છે અથવા જેની સમજણ ખૂબ ઊંચી છે એવા લોકો તમારા નાના-મોટા અનેક માનવસહજ દોષોને ચલાવી લેશે, ગણકારશે જ નહીં, પણ જેમને તમારા માટે છૂપો દ્વેષ છે અથવા તમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે બધું જ મેળવવાની ભૂખ ધરાવે છે (પોતાની પાત્રતા ન હોવા છતાં) અથવા જે સ્વભાવે જ વાંકદેખી છે એવી વ્યક્તિઓ તમારા ઝીણામાં ઝીણા દોષને મૅગ્નિફાય કરીને જોયા કરશે એટલું જ નહીં બીજાઓને પણ બતાવ્યા કરશે.   

પહેલી બાબતમાં તમારા ખુદના વિરોધાભાસો છે તો બીજી બાબતમાં તમને જોવાની લોકોની દૃષ્ટિમાં વિરોધાભાસો છે. પરિણામ આ બંનેનું એક જ છે - તમારા વ્યક્તિત્વ વિશેનું ગૂંચવણભર્યું તારણ.   

પ્રથમ બાબતમાં આપણે જે દેખાઈએ છીએ તે આપણી સાચી જાત છે. એમાં વિરોધાભાસો ભારોભાર ભર્યા હોય તોય એ આપણી સાચી જાત છે. આપણે એકસાથે એકદમ સારા કે એકદમ ખરાબ બની શકીએ છીએ, કારણ કે ખરેખર આપણે એવા જ હોઈ શકીએ છીએ. આપણું એક પાસું રામ બનવા માગતું હોય અને બીજું પાસું રાવણમય હોય એ બિલકુલ શક્ય છે, પણ આ વિરોધાભાસ આપણામાં હોય છે ત્યારે જોઈ શકતા નથી અને જોઈએ છીએ ત્યારે સ્વીકારી શકતા નથી.

પણ બીજી જે બાબત છે, દસ લોકો તમને દસ જુદા જુદા ઍન્ગલથી જોઈને દસ અલગ અલગ રીતે મૂલવેવાળી વાત. તેમાં તમારું સાચું વ્યક્તિત્વ પ્રગટ થતું નથી. ગઈ કાલ સુધી કોઈ તમારા માટે સારો અભિપ્રાય ધરાવતું હોય, પણ રાતોરાત એનો તમારા વિશેનો અભિપ્રાય બદલાઈ જાય એવું બને. કોઈ કહેશે કે તમે એવું કંઈક કર્યું હોય તો લોકોનો અભિપ્રાય બદલાઈ પણ જાય. ના, એવું નથી. તમારામાં પરિવર્તન આવ્યા પછી પણ કેટલાક લોકો તમારા વિશેનો અભિપ્રાય બદલતા નથી. એની સામે, તમે સહેજ પણ બદલાયા ન હો છતાં કેટલાક લોકોનો તમારા વિશેનો અભિપ્રાય સાવ બદલાઈ ગયો હોય એવું ક્યારેક બનતું હોય છે. આ બીજી બાબતમાં જે કંઈ વ્યક્ત થાય છે તે બીજાઓના તમારા વિશેના અભિપ્રાયો છે. એ અભિપ્રાયો તમારા વ્યક્તિત્વની સાચી પરખ છે એવું માની લેવાની ભૂલ ક્યારેય કરવાની નહીં.

સાથોસાથ આપણામાં એક કરતાં વધુ વ્યક્તિત્વો એકસાથે વસે એ વાતને ક્યારેય ભૂલવી નહીં.  

સાયલન્સ પ્લીઝ!   

જીવનનો હેતુ બીજાઓથી આગળ નીકળી જવાનો નથી. આપણી પોતાની જ સિદ્ધિઓને વટાવીને આગળ નીકળવાનું છે. ગઈ કાલ સુધી જ્યાં હતા ત્યાંથી વધુ ઊંચાઈ પર આવતી કાલે પહોંચવાનું છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો