દત્તાને આપણે `બોર્ડર' ફિલ્મ માટે યાદ કરીએ છીએ, પરંતુ તેમને તેનું દુઃખ પણ છે. 2018માં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, `બોર્ડર મને થોડી તકલીફ આપે છે, કારણ કે ઘણી બધી ફિલ્મો બનાવી છે અને દરેકમાં ખૂબ મહેનત કરી છે, પણ તે સૌને ભૂલી જઈને મને `બોર્ડર' માટે જ યાદ કરવામાં આવે છે.'
જે. પી. દત્તાનું પૂરું નામ જ્યોતિપ્રકાશ દત્તા છે. તેમને બાળપણથી જ ફિલ્મો તરફ આકર્ષણ હતું. દત્તાએ 1976માં ફિલ્મ `સરહદ' સાથે તેમની ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરી હતી. તે દેવ આનંદ અભિનીત દેશભક્તિની ફિલ્મ હતી, પરંતુ તે ક્યારેય રજૂ થઈ શકી નહીં. દત્તાએ આ ફિલ્મમાં બિંદિયા ગોસ્વામી લીધી હતી. પાછળથી તે તેમની પત્ની બનવાની હતી.
1985માં તેમણે તેમના ગમતા વિષય રાજસ્થાન અને જાતિવાદ પર `ગુલામી' બનાવી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર, મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, રીના રોય, સ્મિતા પાટિલ જેવાં કલાકારો હતાં. આપણે અગાઉ આના વિશે વાત કરી ગયા છીએ. તે પછી તેમણે `યતીમ', `બટવારા', `હથિયાર', `ક્ષત્રિય' અને `બોર્ડર' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું.
એક વાત એવી છે કે 1987માં આવેલી ધર્મેન્દ્ર-શત્રુઘ્ન સિંહાની હિટ ફિલ્મ `લોહા'ની સફળતાથી પ્રેરાઈને નિર્માતા સલીમ અખ્તરે એ જ ફિલ્મના નિર્દેશક રાજ એન. સિપ્પીને `બટવારા'નું નિર્દેશન કરવા સોંપવા નિર્ણય કર્યો હતો. રાજ સિપ્પી એટલે વિનોદ ખન્નાની `ઇનકાર' અને અમિતાભની `સત્તે પે સત્તા'ના નિર્દેશક.
ધર્મેન્દ્રએ જોકે તેમને સૂચન કર્યું હતું કે `બટવારા'ની કમાન જે. પી. દત્તાને સોંપવી જોઈએ. `ગુલામી'માં ધર્મેન્દ્રની ભૂમિકા નીચી જાતિના એક આક્રમક યુવાનની હતી, જે સવર્ણોની બનેલી વ્યવસ્થાની નજરે વિદ્રોહી અને અપરાધી બની જાય છે.
`બટવારા' પણ રાજસ્થાનના સામંતવાદી સમાજમાં આકાર લેતી હતી, પણ આ વખતે દત્તાએ જમીન ટોચ મર્યાદાના કાનૂનને વિષય બનાવ્યો હતો. તેમણે કહ્યું તેમ આ ફિલ્મમાં પણ આત્મસન્માન અને વફાદારી જેવી રૂક્ષ ભાવનાઓને પૂરતું સ્થાન આપવામાં આવ્યું હતું.
`ગુલામી'માં ઊંચ-નીચની જાતિવ્યવસ્થા પ્રમુખ સ્થાને હતી. ત્યાં સુધી કે પોલીસ પણ જાતિઓમાં વહેંચાયેલી હતી. `બટવારા'માં દોસ્તી અને વફાદારીની વાત હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા અને અમૃતા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું છે અને વાર્તા રાજસ્થાનના વિશાળ રણનાં સ્થળોએ શૂટ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા તાકાતવર હતી.
ફિલ્મની શરૂઆત બે ઘનિષ્ઠ મિત્રો સુમેર સિંહ (ધર્મેન્દ્ર) અને વિક્રમ સિંહ(વિનોદ ખન્ના)ની મિત્રતાથી થાય છે. સુમેર ગામના ગરીબ ખેડૂત પરિવારમાંથી આવે છે, જ્યારે વિક્રમનો સંબંધ જમીનદાર પરિવાર સાથે છે.
આઝાદી પછી સરકાર દ્વારા જમીનોના પુનર્વિતરણ માટે એક કાનૂન લાવવામાં આવે છે (ખેડે તેની જમીન). આઝાદીમાં ઠાઠમાઠ ગુમાવી ચૂકેલા જમીનદારોને નવા કાનૂનમાં તેમની જાગીર લૂંટાઈ જવાનો ડર લાગે છે.
વિક્રમના પિતા બડે ઠાકુર (શમ્મી કપૂર) અને ભાઈ દેવેન (વિજયેન્દ્ર ઘાટગે)ને આ બદલાવ મંજૂર નથી. દેવેન એક યોજના બનાવે છે, જેમાં તે તેમની પાસે ગીરવે મુકાયેલી વિશાળ જમીનોને પાછલી તારીખ સાથે તેમના પરિવારજનો વચ્ચે વહેંચી દેવાનો કારસો ગોઠવે છે. તેના માટે તેને જમીનો ખેડતા ખેડૂતોના હસ્તાક્ષર અથવા અંગૂઠાની જરૂર પડે છે. ગામનો સરપંચ લાખિયા દાદા (કુલભૂષણ ખરબંદા) તેમના પક્ષે છે અને આ છેતરપિંડીમાં મદદ કરે છે.
આ અંગેની બેઠકમાં અમુક ખેડૂતો તેનો વિરોધ કરે છે અને તડાફડી થાય છે. તેમાં ઉશ્કેરાયેલો દેવેન બંદૂક ચલાવે છે. એમાં એક ખેડૂત માર્યો જાય છે. એટલે રોષે ભરાયેલા ખેડૂતો તેના પર તૂટી પડે છે અને તેનો ખાત્મો કરી નાખે છે.
દેવેનના મોતથી ભડકેલો વિક્રમ ખેડૂતોનો સંહાર કરી નાખે છે અને ગામ છોડીને ડાકુ બની જાય છે. તેનો દોસ્ત સુમેર એક ઈમાનદાર પોલીસ અધિકારી છે અને તે તેના દોસ્તના અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે. બંનેની દોસ્તી હવે દુશ્મનીમાં બદલાઈ જાય છે. તેમનો એ સંઘર્ષ બંનેના પરિવારો, આખા સમાજ અને નૈતિક મૂલ્યોને ઊંડી રીતે પ્રભાવિત કરે છે.
ધર્મેન્દ્ર અને વિનોદ ખન્નાએ તાકાતથી તેમના કિરદાર નિભાવ્યા હતા. ધર્મેન્દ્રએ એક એવા નીડર અને ઈમાનદાર માણસનું નિરૂપણ કર્યું છે જે ન્યાય માટે લડે છે, પરંતુ તેનો ગુસ્સો અને પીડા પ્રેક્ષકોને આંચકો આપે છે.
વિનોદ ખન્ના(વિક્રમે)એ ભાવનાત્મક અશાંતિ અને વેરની વસૂલાતની આંધળી લાગણીને બખૂબી બતાવી હતી. બંને વચ્ચે ટકરાવનાં અનેક દૃશ્યો તમને મંત્રમુગ્ધ કરી દે તેવાં છે.
જે. પી. દત્તાએ રાજસ્થાનના વિશાળ રણ અને હવેલીઓનો ઉપયોગ કરીને ફિલ્મને એક મહાગાથા જેવી અનુભૂતિ આપી હતી. ઘોડાઓ પર સવાર થઈને અથડામણ હોય કે પોલીસ સ્ટેશન પર હુમલો હોય, અમુક એક્શન સિક્વન્સ રૂંવાડાં ઊભાં કરી દે તેવી છે. તેની પહેલી જ સિક્વન્સ, જેમાં વિક્રમ અને સુમેર જંગલી ભૂંડને જે રીતે પાડી દે છે તેના પરથી જ દર્શકોને ખ્યાલ આવી જાય છે કે ફિલ્મ આગળ જતાં કેવી રૂક્ષ બનવાની છે.
`બટવારા'માં એ બધું જ હતું જે એક મસાલા ફિલ્મમાં હોય છે - દોસ્તી, દુશ્મની, રોમાન્સ, એક્શન અને સાદી પરંતુ તાકતવાર વાર્તા. જોકે, ઇન્ટરવલ પછીના હિસ્સામાં વાર્તા થોડી ઠંડી અને ગૂંચવાઈ ગઈ હતી. પરિણામે ફિલ્મને તે સમયે એટલો આવકાર નહોતો મળ્યો જેટલો તેને મળવો જોઈતો હતો. દત્તાએ આ ફિલ્મને ફરીથી બનાવવી જોઈએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો