પહેલા શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગરમી રહેતી, પણ બદલાઈ રહેલાં પર્યાવરણને કારણે હવે નવરાત્રી દરમિયાન પણ ઉનાળા જેવી સખત ગરમી ગુજરાતવાસીઓએ વેઠી. આવા સમયે ઘણા લોકો મજાકમાં બોલતા હોય છે કે આટલી ગરમીમાં શેકાવા કરતાં યુરોપ ભાગી જવું જોઈએ. જોકે, હવે તો એવી મજાકે ય થાય એમ નથી, કારણ કે આ વર્ષે યુરોપે પણ સખત ગરમી અને દુષ્કાળ વેઠવાનો વારો આવ્યો. છેવટે આપણે એવા નિર્ણય પર આવવું પડશે કે ગરમીથી બચવા ક્યાં તો ઉત્તર ધ્રુવ (આર્કટિક) અથવા દક્ષિણ ધ્રુવ (એન્ટાર્કટિકા) પર જતા રહેવું.
આ બધી કલ્પનાઓ સમય પસાર કરવા માટે કામ આવી શકે, બાકી બંને ધ્રુવોની પરિસ્થિતિ પણ પર્યાવરણીય બદલાવોમાંથી બાકાત નથી. એટલું જ નહિ, પણ અહીં વાતાવરણમાં આવતો પલટો લાખો વર્ષોથી ત્યાં વસતા સજીવોના અસ્તિત્વ સામે પણ પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. એમાં આપણી માણસજાતની તો વાત જ શું કરવી! પેંગ્વિનનો જ દાખલો લો.
દરેક સજીવ સમૂહની જેમ પેંગ્વિનમાં પણ અનેક પ્રજાતિઓ છે જેમ કે એમ્પરર પેંગ્વિન, લીટલ બ્લ્યુ પેંગ્વિન કે પછી એડેલી પેંગ્વિન વગેરે. આ પૈકી એડેલી પેંગ્વિનની ગણતરી પૃથ્વીના ગોળા પર સૌથી દક્ષિણે વસતા જીવોમાં થાય! એન્ટાર્કટિકાના રોઝ આઈલેન્ડ પર વસતાં એડેલી પેંગ્વિનના સમૂહ પર સંશોધનકાર્ય કરી રહેલા સંશોધકોના તારણો ધ્યાને લેવા જેવા છે. આ સંશોધકોનો મુખ્ય હેતુ પેંગ્વિનની લાઈફ સાઈકલ સ્ટડી કરવાનો છે. પેંગ્વિન પોતાના બચ્ચાંઓને કઈ રીતે ઉછેરે છે અને તેમના ખોરાક માટે વ્યવસ્થા કઈ રીતે કરે છે, પીગળતા બરફની અને બદલાતા વાતાવરણની પેંગ્વિવિનની આવનારી પેઢીઓ પર કેવી અસર પડી રહી છે? વગેરે એમના સંશોધનોનો મુખ્ય વિષય છે. પોતાના અધ્યયન દરમિયાન સંશોધકોએ નોંધ્યું કે, એન્ટાર્કટિકા ખંડ પર પેંગ્વિનની દૈનિક પ્રવૃત્તિઓને સૌથી વધુ અસર કરી શકે એવી કોઈ ચીજ હોય તો એ છે `આઈસબર્ગ' એટલે કે હિમશીલા.
પેંગ્વિન નામના પરાણે વહાલા લાગે એવા ટચૂકડા જીવે વિષમ પરિસ્થિતિઓમાં જે ઉત્ક્રાંતિ સાધી છે, એ ખરેખર વખાણવા લાયક છે. સાડા છ કરોડ વર્ષ પહેલા ડાયનોસોરમાંથી ઉતરી આવેલા પેંગ્વિન્સ એટલે મૂળભૂત રીતે બરફની ચાદરો અને એની વચમાં આવેલા જળાશયોના વિસ્તારમાં વસતા પક્ષીઓ. આમ ભલે `પક્ષી' તરીકે ગણના થાય, પરંતુ આ સજીવો 'ફ્લાઈટલેસ બર્ડસ' - ઉડી ન શકે એવા પક્ષીઓ છે. ઉત્ક્રાંતિના તબક્કાઓ દરમિયાન પૂંછડી ઘસાઈ જવાના કારણે આપણે આપણા પૂર્વજ વાનરની પેઠે એક છાપરેથી બીજા છાપરે કૂદકો મારવાની ક્ષમતા ગુમાવી બેઠા. એ જ રીતે પેંગ્વિન પોતાની ઉડવાની ક્ષમતા ગુમાવી બેઠા. જોકે, આપણા શરીર પરથી પૂંછડી સમૂળગી ભૂંસાઈ ગઈ, પણ પેંગ્વિનના શરીર પર પાંખો રહી જવા પામી છે. આ પાંખો બીજા સામાન્ય પક્ષીઓ જેવી નહિ, પણ માછલીના મીનપક્ષો જેવી હોય છે. આથી પેંગ્વિન પક્ષી હોવા છતાં ઉડી શકતા નથી, પરંતુ બર્ફીલા પાણીમાં ડૂબકી જરૂર મારી શકે છે. આ પ્રકારની ખાસિયતને કારણે પેંગ્વિન મુખ્યત્વે દક્ષિણ ધ્રુવના એન્ટાર્કટિકા વિસ્તારમાં જ જોવા મળે છે. ચારેકોર બરફ ફેલાયેલો હોય, એવા વાતાવરણની આહારશૃંખલામાં દાખલ થવા માટે અને શૂન્ય કરતા અનેક ડિગ્રી નીચે જતી ઠંડીમાં ટકી રહેવા માટે જે પ્રકારનું અનુકૂલન સાધવું પડે, એ બહુ ઓછા સજીવોમાં શક્ય બને. પેંગ્વિન આ પરિસ્થિતિમાં ટકી રહેવા સક્ષમ છે.
ધ્રુવ પ્રદેશના બર્ફીલા વાતાવરણમાં પેંગ્વિન અને કેટલાક જળચરો સિવાયની સજીવસૃષ્ટિ છે જ નહિ. એટલે પેન્ગવિને આહાર માટે નાના કદના જળચરો પર આધાર રાખવો પડે. જેમાં મુખ્ય છે ઝિંગા જેવો સજીવ - ક્રીલ, પરંતુ માનવીની હાજરીને કારણે ફિશિંગ અને પ્રદૂષણની સમસ્યાઓ પેદા થઇ છે. જે ક્રીલનો ખાત્મો બોલાવે છે. વળી બરફ જલ્દી પીગળવાથી પણ ક્રીલ પાણીના પ્રવાહ સાથે ઝડપથી આગળ વધી જાય છે. પરિણામે પેટપૂજા કરવા માંગતા પેંગ્વિન્સના સમૂહે પણ ક્રીલનો શિકાર કરવા માટે પાણીના પ્રવાહની સાથે સાથે પ્રમાણમાં લાંબો માર્ગ કાપવો પડે છે. લાંબો પ્રવાસ પેંગ્વિનનાં બચ્ચાં માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરે છે. ઘણાં બચ્ચાં આવા પ્રવાસ દરમિયાન જીવ ગુમાવે છે. એમાં વળી કેટલાક અભ્યાસો ક્રીલની સંખ્યા પણ ઘટતી જતી હોવાનું સૂચવે છે!
સમસ્યા માત્ર શિકારની નથી, રોગચાળાની ય છે. 2024માં ડેન્જર આઈલેન્ડ્સ પર હજારો એડેલી પેન્ગવિનના મૃત્યુની ઘટના પણ ચર્ચામાં આવી.
શરૂઆતમાં બર્ડ ફ્લૂ (H5N1)ની આશંકા હતી, પણ તપાસમાં મુખ્ય કારણ એવિયન કોલેરા (Pasteurella multocida બેક્ટેરિયા) મળ્યું. આ રોગ એન્ટાર્કટિકામાં અગાઉથી હાજર છે અને ભવિષ્યમાં વધુ મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે છે.
કુદરતના સંતુલનમાં આવતો બદલાવ પણ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરે છે. એડેલી પેંગ્વિનને યોગ્ય માત્રાના જ સમુદ્રી બરફની જરૂર હોય છે – બરફ વધુ પડે તો ય જોખમ અને ઓછો પડે તો ય જોખમ! એન્ટાર્કટિક પેનિન્સુલા જેવા વિસ્તારોમાં ગરમી વધવાથી બરફ ઘટી રહ્યો છે, જેનાથી ક્રીલની ઉપલબ્ધતા અસર પામે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે બરફ ઓછો હોય તો પેંગ્વિનને મોટે ભાગે ક્રીલ પર નિર્ભર રહેવું પડે છે. જ્યારે બરફ વધુ પડે તો માત્ર માછલી પર નિર્ભર રહેવું પડે. ખોરાકમાં આવતા આવા ફેરફાર પણ પેંગ્વિનના પોષણ અને સંવર્ધન પર અસર કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો