છેવટે શ્રીમંત ગાયકવાડ સરકારના હુકમથી દામોદર બારોટને વિજાપુરથી ગિરફ્તાર કરવામાં આવ્યા ત્યારે કામદારે બારોટજીને કહ્યું હતું: `મેં આપને જણાવ્યું હતું, આટલી સખાવત રહેવા દો. ઈજારામાં આપણે એક પાઈ પણ ભરી નથી. સરકાર ક્યાં સુધી આપણી શરમ ભરશે?'

 `કામદાર! પ્રજાનો પૈસો પ્રજાના કલ્યાણ માટે વપરાવો જોઈએ, આપણે એમ જ પૈસો વાપર્યો છે.' સામે કામદાર ભારે ચતુર ને સમજણા હતા.તેમણે હકીકત કહી હતી: `આપની લાગણી શિરોમાન્ય પણ રાજને ઈજારાની રકમ ભરી શક્યા નહીં એટલે આ નોબત આવીને ઊભી રહી છે.' આખી ઘટનાને દામોદરજી બારોટ પેટ ભરી સમજતા હતા. તેમણે જતાં જતાં કહ્યું હતું: `પડશે એવા દેવાશે. લોકોના પરસેવાની કમાણી લોકો માટે લૂંટાવી છે.' કામદાર સમજી ગયા હતા, હવે રાંડ્યા પછીનું ડહાપણ ડહોળવું નકામું છે. પછીથી કડી-કલોલ પરગણાના ઈજારદાર દામોદરજી બારોટને લઇ સિપાઈઓ વડોદરા ભણી રવાના થયા હતા.

 એ વખતે બારોટજીની વડોદરા રાજમાં સાખ મોટી. રાજ તરફથી કડી પરગણું પાંચ વરસના પટ્ટે ઈજારાથી આપ્યું હતું. એક કમાઉ દીકરા જેવું પરગણું ને વળી પાંચ વરસ લગીનો ઈજારો. તે નાની સરખી રિયાસતનો કારોબાર જ સમજી લ્યો.

 કોઈ એવા જાગીરદારના ઠાઠમાઠથી બારોટજીનો કારોબાર ચાલે. રાજ જેવી કચેરી ભરે. કાવા-કસૂંબાની જિયાફત ઊડે. લોકોનાં સુખ-દુઃખ સાંભળે ને એવું કંઈ વણઉકેલ લાગે તે છેક શ્રીમંત સરકારના કાને નાખે. આમ આખા પરગણામાં તેઓ અદકેરું માન-સન્માન ધરાવતા થયા હતા.

 એકવાર કામદારે બારોટજી આગળ રાવ કરીને કહ્યું હતું: `બાપુ, આપના વતી અમે મહેસૂલની ઉઘરાણી તો બરાબર કરીએ છીએ પણ ફાવતા નથી.' સામે પૂછ્યું હતું: `કેમ કોઈ વિઘ્ન આવે છે?'

 `હા બાપુ, આવે છેને.' કામદારે મનમાં ઘોળાતું હતું તે ઠાવકાઇથી કહ્યું હતું: `આપની ઉદારતા, બીજું શું? લોકો આપને કળી ગયા છે. અમો આકરી ઉઘરાણી કરીએ છીએ તો ડાંડ માણસો આપને પગે પડી જાય છે ને આપ છોડી દ્યો છો.' કામદારનું કહેવું સોના જેટલું જ સાચું હતું.પણ સામે બારોટજી ટાઢાટોરીને સાવ હળવાશથી કહી દેતા : `હોય હવે, જાડી છાશમાં એટલું પાણી તો સમાઈ જાય!'

 `એમ નહીં બાપુ, પણ સરકારને ઈજારાની રકમ સમયસર ભરવી પડેને, એમાં થોડું ચાલશે?' પછી સાચું જણાવી દીધું હતું : `રાજ તરફથી તાકીદની ઉઘરાણી આવ્યા કરે છે, પણ પાછી ઠેલતા જઈએ છીએ.'

 પણ વખતને વાત રાખવી હોય તેમ લીલો દુકાળ પડ્યો હતો. ચારે બાજુ જળબંબાકાર થઇ ગયો હતો. વરસાદ ધાર ખેંચવાનું નામ લેતો નહોતો. જાણે ગત દુકાળનું સાગમટે સાટું વાળવા આવ્યો હોય!

 વસમા વખતે બારોટજીએ લોકોને મદદ કરવામાં પાછી પાની કરી નહોતી. જે પરિવાર લાજ-મર્યાદાના લીધે લાંબો હાથ કરી શકતો નહોતો, તેઓને ડાબા હાથે દીધેલું જમણા હાથની જાણમાં પણ ન આવે એવી રીતે માન-મરતબો જાળવીને સહાય કરી હતી.

 મહારાજા શ્રીમંત સરકારે પણ પ્રજાના દુઃખના હામી થઇ બનતા બધા જ પ્રયાસો શરૂ કરી દીધા હતા, પણ આ વેળા પિત્તળની ગોળી જેવા નક્કર રાજમાં દરેક ઈજારદારો પાસે ઉઘરાણીનો આરંભ કરી દીધો હતો. કડી પરાગણાની વારંવાર ઉઘરાણી કરવા છતાંય વસૂલાતી ન થતા, બારોટજીને જૂના રજવાડામાં નજરકેદ કરવા આવ્યા હતા. આ વાતને પાંખો ફૂટી હતી ને વડોદરાનગરીમાં વહેતી થઇ ગઈ હતી.

 આ વખતે એક ગરીબ માણસ પહેરદારની નજર ચૂકવી બારોટજી સામે હાથ લંબાવીને ઊભો રહ્યો હતો. ઉદારતા અભરે ભરી હતી, પણ પોતે કેદમાં હતા. આપવા જેવું કંઈ નહોતું, પણ ગરીબનાં ફાટેલાં વસ્ત્રો જોઈ, પોતાના અંગે ઓઢેલી કસબી શાલ ગરીબને ઓઢાડી દીધી હતી. તે જોઈ પહેરદારથી સહેવાયું નહોતું : `બાપુ, આપ ખુદ ઉઘાડા થઇ શાલ આવા માંગણને આપી દીધી?' ત્યારે ઊંચો હાથ કરી બારોટજી બોલ્યા હતા: `આપણે બધા ઉપરવાળાના કરજદાર છીએને ભાઈ!' પછી ગરવાઇથી કહ્યું હતું: `ને હું તો શ્રીમંત સરકારનો રાજકેદી, મને એ ઉઘાડો ન રાખે!'

 આ ઘટના માથે આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો વીત્યા હશે ને વળી એક માણસ બારોટજી સામે ઊભો રહ્યો હતો. ચતુરવરણ અણસારથી ઓળખી લે. પૂછ્યું હતું: `ભાઈ, તારી શી ટહેલ છે?'

તો જવાબમાં હતું: `દીકરીનું આણું અટક્યું છે, તે આશા લઇને આવ્યો છું!'

 પોતાના પાસે આપવા જેવું તો કંઈ નહોતું, પણ હાથમાં ચાંદીનો હોકો હતો. તે આપતાં કહ્યું હતું :`આ હોકો વેચીને જે નકદ નાણાં આવે એમાંથી...' પછીનું આગળ બોલી શક્યા નહોતા.

 ફૂલ અને સ્નેહની સુંગધ ફેલાયા વગર રહે નહીં તેમ આ ઉદારતાની વિગત શ્રીમંત સરકાર

પાસે પહોંચી ગઈ હતી, તેથી રાજદરબારમાં બોલાવી સન્માન કરતાં જણાવ્યું હતું: `બારોટજી, પ્રજાનો પૈસો પ્રજા માટે વાપરી રાજનું ગૌરવ વધાર્યું છે.' પછી ઉમેર્યું હતું: `રાજ તમારી ઈજારદારીની રકમ તો માંડવાળ કરે છે નવેસરથી ઈજારો આપે છે !' બારોટજી, જી મહારાજા સાહેબ કહેવા જાય ત્યાં જ શિરપાવ મળ્યો હતો: `આજથી તમોને મશાલ ડંકાની પણ પરવાનગી.' પછી બારોટજીને સન્માનપૂર્વક રવાના કર્યા હતા.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો