આપણે ત્યાં પરીક્ષાનું રિઝલ્ટ આવે પછી ત્રણ પ્રકારના વિદ્યાર્થીઓ માર્કેટમાં બહાર પડે છે.

ઝાઝા ટકાવાળા જોરદાર, ઓછા ટકાવાળા અક્કલમઠ્ઠા, ફેલ થયેલા ફાલતુ, પણ ખરેખર એવું છે? પરીક્ષાના રિઝલ્ટમાં આવેલા ટકાના આધારે વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરીમાં વહેંચી નાખવા એ ચાખ્યા વગર વાનગી વિશે લવારી કરવા જેવું છે. સાચી વાત એ છે કે ટકાનો આંકડો બાળકની ટેલેન્ટનો સાચો માપદંડ નથી.

જ્યારે બાળક ઓછા ટકા લઈને આવે કે નાપાસ થાય, ત્યારે મમ્મી-પપ્પા પાસે બે વિકલ્પ હોય છે. એક `પ્રવચન પેકેજ' ચાલુ કરવું. `કહ્યું'તું, વાંચો, મહેનત કરો, પણ ભૈ માને તોને?' અને બીજું, `પિઝા પેકેજ'. `ચાલ, પિઝા ખાવા જઈએ, પછી શાંતિથી વાત કરીશું.' સમજદાર પેરેન્ટ્સ બીજું પેકેજ પસંદ કરે છે, કારણ કે ખાલી પેટે આપેલું પ્રવચન દિલમાં નહીં, ડસ્ટબિનમાં જતું હોય છે.

જ્યારે ઓછા ટકા આવ્યા હોય અથવા બાળક નાપાસ થયું હોય, ત્યારે ગેબી ડાયલોગ શરૂ થઈ જતા હોય છે. `અમારા સમયમાં તો અમે આખો દિવસ ચોપડી હાથમાં રાખતા હતા.' ઓ વડીલ, તમારા સમયમાં વાઈ-ફાઈ નહોતું, મોબાઈલ નહોતા, હવે છે. તો સરખામણીને પણ અપડેટ કરો. ટકાનાં ત્રાજવાંથી બાળકોની હોશિયારીને તોલનારાની પોતાની જૂની માર્કશીટ ચેક કરે તો ખબર પડે કે એમણે એમના જમાનામાં પરીક્ષામાં કેવું ધોળકું ધોળ્યું હતું.

બાળકને ઓછા ટકા આવે કે એ નાપાસ થાય એ પછીનો સમય એના માટે બહુ સંવેદનશીલ હોય છે. જો આપણે એને `તું કંઈ કામનો નથી' એવું કહી દઈએ, તો એ શબ્દો એના દિમાગની હાર્ડ ડ્રાઈવમાં પણ પરમેનન્ટ સેવ થઈ જતા હોય છે. એની જગ્યાએ જો એમ કહીએ કે `ચાલ, ભૂલી જા આ રિઝલ્ટ અને હવે શું કરવું છે એના માટે કંઈક પ્લાન બનાવીએ' તો બાળકના ચહેરાના સ્ક્રીન પર ફરી આશા, ઉમંગ લોડ થતાં દેખાય.

કેટલાંયે એવાં ઉદાહરણો છે જેના પરથી સમજાય છે કે `નાપાસ' થાઓ એટલે `ગેમ ઓવર' નથી પણ `ન્યૂ એપ ઇન્સ્ટોલિંગ'નો મેસેજ છે.

વિશ્વવિખ્યાત મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન સ્કૂલના ટીચર્સને લાગતું'તું કે `છોકરો એવરેજ છે' પછી એ જ વિદ્યાર્થીએ `થિયરી ઓફ રિલેટિવિટી' આપી સમજાવી દીધું કે ટીચર માટે `એવરેજ' ભવિષ્યમાં `જિનિયસ' પણ બની શકે છે.

આપણે જેને સ્ટેટસ સિમ્બોલ ગણીએ છીએ એ એપલ ફોનની કંપનીનો માલિક સ્ટીવ જોબ્સ અને જેના વગર એક કલાક પણ નથી ચાલતું એ ફેસબુકનો માલિક માર્ક ઝકરબર્ગ બંને `સ્કૂલ ડ્રોપ આઉટ' છે. જાણીતા ક્રિકેટર સુપરસ્ટાર સચિન તેંડુલકર, વિરાટ કોહલી કોલેજમાં ભણ્યા જ નથી.

એનો મતલબ એ કે તમારું બાળક ભણવામાં કદાચ નબળું હોય તો એને નકામું ન માનશો. એનામાં કોઈ અલગ, અદ્ભુત આવડત હોઈ શકે છે. હકીકતમાં દરેક બાળક અલગ હોય છે. કોઈ ગણિતમાં ટોપ કરે, કોઈ ક્રિકેટમાં સિક્સર મારે, તો કોઈ ગિટાર પર દિલ જીતી લે. આખો દિવસ હસાહસી કરનાર, મજાક મશ્કરી કરનાર ભવિષ્યમાં અદ્ભુત સ્ટેન્ડઅપ કૉમેડિયન બની શકે છે. તમારું બાળક ડૉક્ટર, એન્જિનિયર કે સીએ નહીં બને તો કંઈક જુદું બની જ શકશે. પરીક્ષા માત્ર ભણવાના સબ્જેક્ટમાં માર્ક આપે છે, જીવન દરેક ટેલેન્ટને માર્ક આપે છે.

હવે મમ્મી-પપ્પા માટે ખાસ વાત કહેવાની છે. બાળક સાથે એની માર્કશીટ જોઈને નહિ, એની `મનશીટ' જોઈને વાત કરો. એને પૂછો `તને શું ગમે છે?' કેમ કે કદાચ એ ગણિત, વિજ્ઞાનમાં નાપાસ હોય, પણ એને આર્ટસ, સ્પોર્ટ્સમાં રસ હોઈ શકે છે. જસ્ટ, વાત તો કરી જુઓ.

અને બીજી ખાસ વાત આપણા માટે. મારા વાલીડાઓ, બીજાનાં બાળકોના ટકા પૂછવાની ટેવ છોડો. તમારે એમના ટકા જાણીને શું કામ છે હેં?

અંતમાં ફિલ્મી સ્ટાઈલનો એક ડાયલોગ - એક્ઝામના માર્ક વોટ્સએપના સ્ટેટસ જેવા છે. જેને ચોવીસ કલાકમાં બધા ભૂલી જાય, પણ આત્મવિશ્વાસ તો `પરમેનેન્ટ ડીપી' છે. એક વાર સેટ કરો, બધાને એ દેખાશે. એટલે ઓછા ટકા આવે તો ટેન્શન નહીં, વીલપાવર સ્ટ્રોંગ રાખો, કેમ કે નાપાસ એ લાઇફમાં આગળ વધવાનો એન્ટ્રી પાસ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો