દાયકાઓ અને સદીઓ પસાર થઇ જાય તેમ છતાં અમુક વસ્તુઓ એવી હોય છે જે લોકો માટે ચર્ચાનો વિષય બની જતી હોય છે. એમાં દેશ અને દુનિયાના ભવ્ય વારસાઓનો સમાવેશ કરી શકાય. દરેક દેશ પાસે પોતાની આગવી ધરોહર છે, જેને જાણવા અને નિહાળવા માટે આજે પણ લોકો ઉત્સાહિત છે. એમાં પર્સપોલિસનો સમાવેશ કરી શકાય.   

ઇરાનના શિરાઝ શહેરથી આશરે 60 કિલોમીટર દૂર ઝાગ્રોસ પહાડોની તળેટીમાં પ્રાચીન પર્સિયન એટલે કે ઇરાની સામ્રાજ્યનો ભવ્ય વારસો આજે પણ અડીખમ ઊભો છે, જેને વિશ્વ પર્સિપોલિસ તરીકે ઓળખે છે. ફારસીમાં તેને તખ્ત-એ-જમશીદ કહેવામાં આવે છે. જેનો અર્થ જમશીદનું સિંહાસન થાય છે. 1979માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ આ સ્થળ વિશ્વના સૌથી ધનિક અને સક્ષમ સામ્રાજ્યોમાંના એક એવા એકમેનિડ સામ્રાજ્યની શાનનું પ્રતીક છે.   

ઐતિહાસિક અને નિર્માણ

પર્સિપોલિસનું નિર્માણ ઇ.સ. પૂર્વે 518ની આસપાસ એકમેનિડ વંશના મહાન રાજા ડારિયસ પ્રથમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ડારિયસ એવું ઇચ્છતા હતા કે તેમની રાજધાની ફક્ત વહીવટી કેન્દ્ર ન હોવી જોઇએ, પરંતુ સાંસ્કૃતિક અને સમૃદ્ધિનું પ્રતીક હોય એવી હોવી જોઇએ, તેથી તેમણે પર્સિપોલિસનું નિર્માણ એ રીતે કરાવ્યું. આ ભવ્ય શહેરના નિર્માણમાં ડારિયસ પછી તેમના પુત્ર ક્ષર્ક્ષીઝ પ્રથમ અને પૌત્ર આર્ટોક્ષર્ક્ષીઝ પ્રથમે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ શહેરના નિર્માણમાં દસ-પંદર નહીં, પરંતુ 150 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ શહેરનો ઉપયોગ મુખ્યત્વે ધાર્મિક ઉત્સવો, રાજ્યાભિષેક અને પર્સિયન નવવર્ષ એટલે કે નૌરોઝની ઉજવણી કરવા માટે થતો હતો. પર્સિપોલિસની ભવ્યતા એટલી વિશાળ હતી કે એ વખતે વિશ્વના 23થી પણ વધારે દેશોના પ્રતિનિધિઓ રાજાને ભેટસોગાદો આપવા આવતા હતા. એના ઉપરથી કહી શકાય કે એ વખતે પર્સિપોલિસનો દબદબો કેવા હશે!   

સ્થાપત્ય અને આકર્ષણ

પર્સિપોલિસનું નિર્માણ 1,25,000 ચોરસ મીટરના કૃત્રિમ પથ્થરના પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું હતું. ગેટ ઓફ ઓલ નેશન્સ એ પર્સિપોલિસનું મુખ્ય પ્રવેશદ્વાર હતું. રાજા ક્ષર્ક્ષીઝ દ્વારા મનુષ્યનો ચહેરો, પાંખો અને આખલાનું શરીર ધરાવતી વિશાળ પથ્થરની મૂર્તિઓ કંડારવામાં આવી છે, જે દેવતાઓનું પ્રતીક માનવામાં આવતી હતી. આ સંકુલની સૌથી મોટી ભવ્યતા જો કોઇ હોય તો એ આપાડાના પેલેસ હતો. જેનો ઉપયોગ રાજા વિદેશી દૂતોને મળવા માટે કરતા હતા. આ મહેલમાં 20 મીટર ઊંચા 72 વિશાળ સ્તંભો પર વિશાળ છત ટકેલી હતી. તેનો ઉપયોગ સૈન્ય પરેડ અને શાહી સમારંભો માટે થતો હતો. સીડીઓ અને દીવાલો પર યુનિક પ્રકારની કોતરણી કરવામાં આવી છે. આ કોતરણી પણ પર્સિપોલિસનું સૌથી મોટું આકર્ષણ છે. આ કોતરણીમાં વિવિધ દેશોના લોકોની વેશભૂષા, તેમના હાથમાં ભેટો, સિંહો જાણે આક્રમણ કરતાં હોય એવું આબેહૂબ ચિત્ર કંડારવામાં આવ્યું છે. તેને જોતાં એવું જ લાગે કે જાણે એ આપણી સમક્ષ આવીને ઊભા હોય.   

પર્સિપોલિસનો વિનાશ

પર્સિપોલિસનો વૈભવ આશરે બે સદીઓ સુધી ચાલ્યો હતો. એ પછી ઇ.સ. પૂર્વે 330માં ગ્રીસના મહાન વિજેતા સિકંદરે ઇરાન ઉપર આક્રમણ કર્યું. સિકંદરે પર્સિયન સામ્રાજ્યને હરાવ્યા પછી પર્સિપોલિસ પર કબજો મેળવ્યો. આટલું કરવા છતાં સિકંદર અટક્યો નહીં. 

ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર સિકંદરે શહેરની તમામ સંપત્તિ લૂંટી લીધી અને ત્યારબાદ આખા ભવ્ય શહેરને આગ ચાંપી દીધી. એવું માનવામાં આવે છે કે ગ્રીસના એથેન્સ શહેર પર પર્સિયનો દ્વારા કરાયેલા આક્રમણનો બદલો લેવા માટે સિકંદરે પર્સિપોલિસને હરાવ્યું હતું. તેના દ્વારા લગાવવામાં આવેલી ભયાનક આગામાં કીમતી વસ્તુઓ અને દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા, પરંતુ પથ્થરના વિશાળ સ્તંભો અને દીવાલો આજે પણ અડીખમ ઊભી છે.   

પર્સિપોલિસ એ માત્ર ઇરાનનો જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે પ્રાચીન સ્થાપત્યકળાનો અણમોલ ખજાનો છે. વિજ્ઞાનીઓ અને પુરાતત્ત્વવિદો માટે આ શહેર પ્રાચીન ઇજિપ્ત અને ગ્રીસની સભ્યતાઓ જેટલું જ મહત્ત્વપૂર્ણ છે. પથ્થરો પર કંડારેલા ચહેરાઓ, ગંભીર મુદ્રામાં ઊભેલા સૈનિકો અને આકાશને અડતા સ્તંભો આપણને 2500 વર્ષ જૂના સુવર્ણકાળની યાદ અપાવે છે, જેણે પોતાના સમયમાં દુનિયાભરમાં પોતાનો પ્રભાવ પાથર્યો હતો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો