હિમાચલ પ્રદેશના લોકો માટે આ અગત્યના સમાચાર છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સિંહ સુક્ખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર `અનાથ અને વિધવા સેસ' વધારવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલના નવા દર 12 ઓગસ્ટ 2026ની મધ્યરાત્રિથી એટલે કે બુધવાર રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવી ગયા છે, જેના કારણે હવે પેટ્રોલ અને ડીઝલ 60 પૈસા મોંઘું મળશે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં આ નિર્ણયનો પાયો એપ્રિલ 2026ના વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ નાખવામાં આવ્યો હતો. તે સમયે સરકારે `હિમાચલ પ્રદેશ VAT (સુધારા) કાયદો 2026' પસાર કર્યો હતો, જેમાં આ સેસની મહત્તમ મર્યાદા પ્રતિ લિટર 5 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જોકે, હાલમાં તેની શરૂઆતી કિંમત 60 પૈસા તરીકે લાગુ કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય વીમામાં ઓપીડી ખર્ચ સામેલ થાય તો દર્દીઓને મોટી રાહતની શક્યતા
કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે એક મોટો અને મહત્ત્વપૂર્ણ બદલાવ લાવવાની તૈયારી કરી રહી છે, જેનાથી સામાન્ય દર્દીઓને મોટી રાહત મળી શકે છે. હાલમાં જ સંસદીય સમિતિએ હેલ્થ ઇન્સ્યોરન્સનું ક્ષેત્ર માત્ર હોસ્પિટલમાં દાખલ થવા પૂરતું સીમિત રાખવાને બદલે તેમાં ઓપીડી(OPD)ના ખર્ચાઓ પણ સામેલ કરવાની ભલામણ કરી છે. સમિતિએ વીમા નિયામક આઈઆરડીએઆઈ(IRDAI)ને વિનંતી કરી છે કે તેઓ તમામ સ્ટાન્ડર્ડ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓમાં વ્યાપક ઓપીડી કવરેજ ફરજિયાત બનાવે.
એક રિપોર્ટ અનુસાર ઓપીડીમાં એક વાર ઈલાજ કરાવવા માટે દર્દીએ સરેરાશ 861 રૂપિયા પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડે છે. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી ગંભીર કે જૂની બીમારીઓથી પીડાતા દર્દીઓને વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે તેમજ નિયમિત તપાસ અને દવાઓનો મોટો ખર્ચ ઉઠાવવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે સ્વાસ્થ્ય વીમામાં માત્ર હોસ્પિટલમાં એડમિટ થવાનો ખર્ચ જ નહીં, પરંતુ દર્દીઓના નિયમિત ચેકઅપ, દવાઓ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની કન્સલ્ટેશન ફી જેવા ઓપીડી ખર્ચાઓ પણ આવરી લેવા જોઈએ. જો આ ભલામણો લાગુ કરવામાં આવશે તો દેશના કરોડો દર્દીઓને આર્થિક રીતે બોજમુક્ત થવામાં ખૂબ જ મોટી મદદ મળશે.
પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓએ ભારત સરકારનો આભાર માન્યો
પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓએ ભારત સરકાર અને ભારતીય મીડિયાનો આભાર માન્યો છે. આ આભાર ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અંગે આપવામાં આવેલા નિવેદન બાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાન અને પીઓકે(PoK)માં મોટા પાયે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, જેનાથી કંટાળીને બલુચિસ્તાને પાકિસ્તાનથી પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી છે.
આ સંદર્ભમાં મીર યાર બલુચે જણાવ્યું હતું કે, બલુચિસ્તાન ગણરાજ્ય વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં 11 ઓગસ્ટના આયોજનને આવરી લેવા બદલ ભારતીય મીડિયાનું સ્વાગત અને હૃદયપૂર્વક પ્રશંસા કરે છે. સાથે જ તેમણે માનવાધિકારો પર ભારતના સૈદ્ધાંતિક અને સતત વલણનાં પણ વખાણ કર્યાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં થઈ રહેલા ગંભીર માનવાધિકાર ઉલ્લંઘન માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બલુચ નેતાઓએ નોંધ્યું કે પ્રવક્તાએ સીધો બલુચિસ્તાનનો ઉલ્લેખ ન કર્યો હોવા છતાં માનવાધિકારોનાં સન્માન અને પાકિસ્તાનની જવાબદેહી નક્કી કરવા માટેની ભારતની આ વ્યાપક અપીલ તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન છે.
અમેરિકામાં ઇમિગ્રેશન ફ્રી વધતાં ભારતીય વર્કર્સ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે
અમેરિકામાં ઇમિગ્રેશન સાથે જોડાયેલી ફીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ત્યાં કામ કરતા કે જવા ઈચ્છતા ભારતીય પ્રોફેશનલ્સ માટે સ્થિતિ થોડી પડકારજનક બની રહી છે. આ જ કડીમાં હવે બાયોમેટ્રિક ફીમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે, જેની સીધી અસર H-1B અને L-1 વિઝા ધરાવતા ભારતીય વર્કર્સ પર પડશે. જોકે, રાહતની વાત એ છે કે H-1B વિઝા માટે 4,000 ડૉલર (અંદાજે રૂ. 3.81 લાખ) અને L-1 વિઝા માટે 4,500 ડૉલર(અંદાજે રૂ. 4.29 લાખ)ની જે નવી એક્સ્ટ્રા ફી નક્કી કરાઈ છે, તે વર્કર્સને સ્પોન્સર કરતી દરેક કંપની પર લાગુ થશે નહીં. આ નવો ફી નિયમ 9 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી રહ્યો છે, જે હેઠળ ચોક્કસ યોગ્યતા ધરાવતા H-1B અને L-1 વિઝા એક્સ્ટેન્શન પર આ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો