એમ તો રોજ સ્નાન કરીને સ્વચ્છ અને સુગંધિત રહેવું આપણી જીવનશૈલીનો એક ભાગ છે, પરંતુ નવી પેઢીમાં હવે આ જ પરંપરાથી વિપરીત એક વિચિત્ર ટ્રેન્ડ ચર્ચામાં આવ્યો છે. ડેટ પર જતા પહેલાં પરફ્યૂમથી શરીરની કુદરતી ગંધ છુપાવવાને બદલે પરસેવાની કુદરતી ગંધ જાળવી રાખવાનો આ ટ્રેન્ડ એટલે ફેરોમોન મેક્સિંગ.  

 પરસેવાને કારણે શરીરમાંથી ગંધ આવતી હોય છે. તે દૂર કરવા માટે સાબુથી સ્નાન કરવાનો રિવાજ શરૂ થયો હતો. સાબુને કારણે સ્નાન કરીને બહાર આવો એટલે સુગંધથી મહેંકતા થઈ જાવ. જોકે, પરસેવો એ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે, તેથી દિવસ દરમિયાન પરસેવો થવાને કારણે શરીરમાંથી ગંધ આવવી શરૂ થઈ જતી હોય છે. જોકે, માનવીના શરીરની કુદરતી ગંધ માત્ર અસ્વચ્છતાનું પરિણામ નથી, પરંતુ તે વ્યક્તિની પોતાની એક જૈવિક ઓળખ પણ છે. દરેક વ્યક્તિના શરીરમાંથી નીકળતી ગંધ અલગ હોય છે. તેમાં આનુવંશિકતા, ખોરાક, હોર્મોન્સ, ત્વચા પરના બેક્ટેરિયા અને જીવનશૈલી જેવાં અનેક પરિબળો અસર કરે છે. નવજાત શિશુ અને માતા વચ્ચેની ગંધની ઓળખ અંગેનાં સંશોધનો પણ દર્શાવે છે કે શરીરની ગંધ માનવીય સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.  

 પરસેવામાં ફેરોમોન રસાયણો હોય છે. પ્રાણીઓની દુનિયામાં ફેરોમોન એવા રાસાયણિક સંકેતો છે, જે એક જ પ્રજાતિના અન્ય સભ્યોના વર્તન અથવા શારીરિક પ્રક્રિયાઓને અસર કરી શકે છે. અનેક પ્રાણીઓમાં જીવનસાથીને આકર્ષવા, પોતાના વિસ્તારને ઓળખવા અથવા અન્ય જૈવિક સંદેશો પહોંચાડવામાં ફેરોમોન્સની ભૂમિકા જાણીતી છે. માનવીઓમાં પણ શરીરની ગંધ અને કેટલાક રાસાયણિક સંકેતો સામાજિક તથા આકર્ષણ સંબંધિત વર્તનને અસર કરે છે કે કેમ તે અંગે લાંબા સમયથી વૈજ્ઞાનિક સંશોધન ચાલી રહ્યું છે.   

 પરસેવો ગંધાતું પ્રવાહી નથી. શરીરમાંથી નીકળતો તાજો પરસેવો સામાન્ય રીતે બહુ ઓછી ગંધ ધરાવે છે. ગંધ મુખ્યત્વે ત્યારે ઊભી થાય છે જ્યારે ત્વચા પર રહેલા બેક્ટેરિયા પરસેવામાં રહેલા વિવિધ ઘટકોનું વિઘટન કરે છે. ખાસ કરીને બગલમાં રહેલી એપોક્રાઇન ગ્રંથિઓમાંથી નીકળતા સ્રાવમાં રહેલાં રસાયણો બેક્ટેરિયાની ક્રિયા પછી વિશિષ્ટ ગંધ પેદા કરે છે. આ ગંધ દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે અને તેથી જ શરીરની કુદરતી ગંધ વ્યક્તિગત ઓળખનું એક રસપ્રદ પાસું બની જાય છે. એ ગંધને કારણે જ નવજાત શિશુ માતાને ઓળખી જતું હોય છે, પરંતુ વય વધવા સાથે આપણા માટે પરસેવાની ગંધ અણગમતી થઈ જતી હોય છે. હવે નવી પેઢીમાં એ કુદરતી ગંધ વિજાતીય પાત્રને આકર્ષે છે, એવી માન્યતા શરૂ થઈ છે. એક રીતે એ માન્યતામાં થોડું વજૂદ પણ છે. એ કારણે જ અત્યાર સુધી પરસેવાની ગંધને દબાવી દેવા માટે પરફ્યૂમ કે ડિઓડરન્ટનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે યુવાનો એ કુદરતી ગંધને સ્વીકારતા થયા છે.   

 કેટલાક યુવાનોનું માનવું છે કે ભારે પરફ્યૂમ કરતાં કુદરતી ગંધ વધુ વ્યક્તિગત અને સ્વાભાવિક લાગે છે. ખાસ કરીને ડેટિંગ સંસ્કૃતિમાં `કુદરતી રહો' અને `તમારી અસલી ઓળખ જાળવો' જેવા વિચારોને કારણે આ પ્રકારના ટ્રેન્ડને સોશિયલ મીડિયા પર ચર્ચા મળી રહી છે. તેની સાથે સ્વચ્છતા અને આકર્ષણ વચ્ચેનો તફાવત સમજવો પણ એટલો જ જરૂરી છે. કુદરતી શરીરની ગંધ અને લાંબા સમયથી સ્નાન ન કરવાથી ઊભી થતી તીવ્ર દુર્ગંધ એક જ બાબત નથી. ફેરોમોન મેક્સિંગનો અર્થ સ્વચ્છતા છોડવી એવો નથી. શરીરને સ્વચ્છ રાખવું, નિયમિત સ્નાન કરવું અને જરૂરી હોય ત્યારે ડિઓડરન્ટનો ઉપયોગ કરવો આરોગ્ય અને સામાજિક વ્યવહાર બંને માટે મહત્ત્વપૂર્ણ છે. આથી ફેરોમોન મેક્સિંગને માત્ર `પરસેવાથી ગંધાતી ડેટ' તરીકે જોવાને બદલે કુદરતી શરીરની ગંધ, માનવીય આકર્ષણ અને આધુનિક ડેટિંગ સંસ્કૃતિ વચ્ચેના સંબંધને સમજાવતો એક સામાજિક ટ્રેન્ડ માનવો વધુ યોગ્ય છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો