ટેલીપોર્ટેશન (Teleportation) એટલે એક વ્યક્તિ, વસ્તુ અથવા માહિતીને એક જગ્યાએથી તરત જ બીજી જગ્યાએ પહોંચાડી દેવી, એ પણ વચ્ચેના અંતરને પસાર કર્યા વગર કે સહેજ પણ સમય વાપર્યા વગર. સમજે કુછ? આવું પ્રેક્ટિકલી શક્ય બને એ માટે એ વ્યક્તિ કે વસ્તુએ સર્વવ્યાપી (omnipresent) બનવું પડે. એટલે કે એક જ સમયે એકસાથે બે સ્થળે મોજૂદ રહેવું પડે! જે લગભગ શક્ય નથી.

જોકે, આજે વિજ્ઞાનમાં ટેલીપોર્ટેશનનું એક સૈદ્ધાંતિક સ્વરૂપ અસ્તિત્વમાં છે, જેને ક્વોન્ટમ ટેલીપોર્ટેશન કહેવાય. આમાં ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ (quantum entanglement)નો ઉપયોગ કરીને એક કણની માહિતી (સ્ટેટ) બીજા કણમાં તરત જ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં માહિતી પ્રકાશની ગતિથી પણ વધુ ઝડપે ટ્રાન્સફર થાય છે, પરંતુ મૂળ કણ નાશ પામે છે અને બીજી જગ્યાએ તેની નકલ બને છે. વૈજ્ઞાનિક વ્યાખ્યા મુજબ ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ એટલે એવી ઘટના, જ્યાં બે કે તેથી વધુ ક્વોન્ટમ કણો એકબીજા સાથે જોડાયેલા હોય અને એમનું ભાગ્ય સમાન હોય, જેથી એમની સ્થિતિઓ અંતરને ધ્યાનમાં લીધા વિના સહસંબંધિત રહે. ભવિષ્યમાં ક્વોન્ટમ ઈન્ટરનેટ અસ્તિત્વમાં આવશે, જે કમ્પ્યૂટર નેટવર્ક થકી થતા સંદેશવ્યવહારને unhackable - આંતરી ન શકાય એવા બનાવશે. સ્વાભાવિક રીતે જ આ વ્યાખ્યા થોડી જટિલ છે. ઉદાહરણ દ્વારા સમજીએ.

ધારો કે તમારે આખેઆખું જહાજ પળવારમાં મુંબઈ બંદરેથી ઊંચકીને સીધું કોલકાતા પોર્ટ પર મોકલવું છે. આ માટે તમે જહાજની આસપાસ એક એવું મેગ્નેટિક ફિલ્ડ તૈયાર કરો છો, જે જહાજને ગાયબ કરીને બીજી જ સેકન્ડે કોલકાતા પહોંચાડી દે! આ થયું એકદમ ફિલ્મી ઢબનું ટેલીપોર્ટેશન.

હવે મૂળ વાત. શું વાસ્તવમાં જહાજ જેવડા મોટા ઓબ્જેક્ટ માટે ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ અને ટેલીપોર્ટેશન જેવું કશુંક થઇ શકે? આજની તારીખે તો જવાબ નકારમાં જ મળે. આવડા મોટા જહાજની ઝીણામાં ઝીણી ડિટેલ સ્કેન કરીને બીજી પ્રતિકૃતિ ઊભી કરવા જેટલું ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ કરવું શી રીતે? જહાજ તો છોડો, એક નાનકડી ટાંકણીનેય ટેલીપોર્ટ કરવા જેટલી ટેક્નોલોજી આજની તારીખે આપણી પાસે નથી. આટલું સમજી લીધા બાદ ફિલાડેલ્ફિયાના દરિયામાં ઘટેલી એક ભયંકર `ઘટના' વિશે જાણવાની મજા પડશે.

ફિલાડેલ્ફિયા એક્સપરિમેન્ટ :

ઓહ, સિરિયસલી?

28 ઓક્ટોબર, 1943. બીજા વિશ્વયુદ્ધનો એ સમયગાળો. અમેરિકન નેવી ઈચ્છતું હતું કે એના યુદ્ધજહાજો દરિયામાં મેગ્નેટિક માઈન્સથી બચીને રહે. આ માટે અમેરિકનો કેટલાક ગુપ્ત પ્રયોગો કરતા હોવાનું ચર્ચાતું. 1943માં ફિલાડેલ્ફિયા નેવલ યાર્ડમાં USS Eldridge નામના ડિસ્ટ્રોયર જહાજ પર આવો જ એક પ્રયોગ કરવામાં આવ્યો હોવાની કથા છે. આ જહાજને મેગ્નેટિક ફિલ્ડ વડે ટેલીપોર્ટ કરીને 300 કિલોમીટર દૂર આવેલા નોર્ફોક (વર્જિનિયા) ખાતે પહોંચાડી દેવાયું અને થોડી જ વારમાં આખું જહાજ પાછું પોતાના મૂળ સ્થાને એટલે કે ફિલાડેલ્ફિયામાં આવી પહોંચ્યું.

પણ પ્રયોગમાં કંઈક મોટી ગરબડ થઇ. મેગ્નેટિક ફિલ્ડના અનિયંત્રિત ઉપયોગને કારણે જહાજ પર હાજર અનેક ક્રૂ મેમ્બર્સનાં શરીર પીગળીને ધાતુના બનેલા જહાજના ભાગો સાથે એકાકાર થઇ ગયા! જે બચી ગયા, એ બધા પાગલ થઇ ગયા! કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી ઘટના લાગે છેને? પાછળથી આ ઘટના `ફિલાડેલ્ફિયા એક્સપરિમેન્ટ' તરીકે કુખ્યાત થઇ ગઈ!

કહેવાય છે કે એ દિવસે નજીકના જહાજ પર હાજર કાર્લ એલન નામક વ્યક્તિએ USS Eldridge જહાજ અદૃશ્ય થવાની અને પાછું ફરવાની આખી ઘટના નજરે જોઈ. એ પછી એણે મોરિસ જેસપ નામના સંશોધકને આડેધડ પત્રો લખીને આ ઘટનાની જાણકારી આપી.

હવે જરા વિચારીને કહો, શું આ આખી ઘટના તમને તર્કબદ્ધ જણાય છે? કે પછી ટાઢા પહોરના ગપ્પા જેવી લાગે છે? આ ઘટના સાચી હોવા વિશેનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. જો આ ગપ્પાં હોય તો કાર્લ એલને જહાજ અદૃશ્ય થવાની વાતો કેમ લખી?

ઘણા માને છે કે અમેરિકાએ `ડિગોસિંગ' (degaussing) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. ડિગોસિંગ એટલે એવી પ્રક્રિયા જેમાં કોઈ વસ્તુ અથવા જહાજના ચુંબકીય ક્ષેત્ર(magnetic field)ને ઘટાડવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે. આનો ફાયદો એ થાય કે જહાજને દુશ્મનોના રડારથી ખાસ કરીને દરિયામાં બિછાવાયેલી મેગ્નેટિક માઈન્સ બચાવી શકાય. આ માટે જહાજની આસપાસ વિશિષ્ટ કોઇલ્સ (electromagnetic coils) લગાવીને વિપરીત ચુંબકીય ક્ષેત્ર બનાવવામાં આવતું, જેથી જહાજનું કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય અથવા ખૂબ ઓછું થઈ જાય. પરિણામે જહાજ મેગ્નેટિક માઈન્સ માટે `અદૃશ્ય' બની જાય. બની શકે કે નજીકના જહાજ પર હાજર કાર્લ એલને ડિગોસિંગ માટે જહાજ પર લગાડેલી મેગ્નેટિક કોઇલ્સ જોઈ હશે અને બાકીની વાર્તા એણે પોતે ઘડી નાખી હશે. કાર્લ પોતાના પત્રોમાં ઘણીવાર અસ્પષ્ટ ભાષા વાપરતો. એટલે બની શકે કે એણે જહાજના `અદ્રશ્ય' થવાનો ઉલ્લેખ મેગ્નેટિક માઈન્સના સંદર્ભે કર્યો હોય, નહિ કે માણસની દૃષ્ટિના સંદર્ભમાં.

બાકી વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારીએ, તો ઉપર જણાવ્યું એમ ટેલીપોર્ટેશન આજની તારીખેય શક્ય નથી. તો પછી ઠેઠ બીજા વિશ્વયુદ્ધના ગાળામાં એ ટેક્નોલોજી કોઈ દેશ પાસે હોય, એ અશક્ય બાબત છે.

અંતે એક આડ વાત, કાર્લ એલને ફિલાડેલ્ફિયા એક્સપરિમેન્ટ વિશે સાચી-ખોટી માહિતી જેને લખી મોકલેલી, એ મોરિસ જેસપ અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ્સ એટલે કે યુએફઓ વિશે સંશોધનો કરતો. એને ફિલાડેલ્ફિયા એક્સપરિમેન્ટની સાચી-ખોટી વાતોમાંય રસ પડેલો, પણ પછી એને ભયંકર ડિપ્રેશન આવ્યું અને એક દિવસ એણે પોતાની જ કારમાં આત્મહત્યા કરી લીધેલી! ફિલાડેલ્ફિયા એક્સપરિમેન્ટને કેન્દ્રસ્થાને રાખીને અનેક ફિક્શન્સ લખાયાં છે અને ફિલ્મો પણ બની છે.