ભારે કરી. ટોલ્સ્ટોયની લઘુનવલ ક્રોત્ઝર સોનાટામાં બને છે એવું કે ટ્રેનના એક ડબ્બામાં ઉતારુઓ વચ્ચે ચાલેલી ચર્ચા દરમિયાન પ્રેમ, લગ્ન અને વાસના વિશેની પ્રચલિત માન્યતાઓની ધજ્જિયાં ઉડાવનાર એક માણસે અચાનક એવું સ્વીકાર્યું કે પત્નીની હત્યાના અતિ ચર્ચિત કેસમાંનો ખૂની પતિ પોઝ્નીશેફ એ પોતે જ છે.
પછી મુસાફરોમાં સન્નાટો છવાયો. બધાની બોલતી બંધ થઈ ગઈ. એકાદ કલાક સુધી કોઈ કશું ન બોલ્યું. આગલા સ્ટેશને (પ્રેમ અને લગ્નની પ્રચલિત માન્યતાના તરફદાર એવાં) વકીલ અને એની મહિલા સાથીદાર ઊતરી ગયાં. હવે કમ્પાર્ટમેન્ટમાં અમે બે જ બચ્યા હતા, હું (ડબ્બાનો પેસેન્જર, આ આખી ઘટના આલેખનાર નનામો માણસ) અને પોઝ્નીશેફ.
અચાનક પોઝ્નીશેફ બોલ્યોઃ `યા તો એ લોકો (વકીલ અને મહિલા) ખોટું બોલે છે કે પછી એમને સમજાતું જ નથી.'
`તમે શેની વાત કરો છો?' મેં પૂછ્યું.
`એ જ બધું પ્રેમ, લગ્ન, પરિવાર.'
આટલું કહીને એ સીટ પર લાંબો થયો અને કોણી ગાદી પર ટેકવીને એ બોલ્યોઃ `હું કોણું છું (હું ખૂની છું) એ જાણ્યા બાદ તમને મારી બાજુમાં બેસવામાં તકલીફ નથી થતી?'
`જરાય નહીં.'
`તમારે મારી વાત, મારી આખી વાત જાણવી છે?'
એટલામાં કન્ડક્ટર ત્યાંથી પસાર થયો. કન્ડક્ટર દેખાતો બંધ થયો ત્યાં સુધી પોઝ્નીશેફ એને જોતો રહ્યો. પછી એણે શરૂ કરી એની કથા. પછી એ ક્યાંય અટક્યો નહીં. વચ્ચે વચ્ચે નવા ઉતારુઓ ચડ્યા ત્યારે પણ એ અટક્યો નહીં. એનું બયાન સડસડાટ ચાલ્યું.
`મારી કથા ભયંકર છે. એના અંત (ખૂનની ઘટના) કરતાં પણ અગાઉની જિંદગી વધુ ભયાનક હતી. કોઈ ગેરસમજ ન થાય એટલે મારે એકડેએકથી શરૂઆત કરવી પડશે. મારા બાપા બહુ અમીર. હું પોતે કાયદાનો ડિગ્રીધારી. હું ત્રીસની ઉંમરે પરણ્યો. મારાં લગ્નની વાત કરતાં પહેલાં હું તમને એ કહી દઉં કે હું કઈ રીતે ઘડાયો અને લગ્નજીવન વિશેની મારી સમજ કઈ રીતે વિકસી. મારો પરિવાર એકદમ ખાનદાન હતો. મારાં મા-બાપ એકમેકને પૂર્ણપણે વફાદાર હતાં. અમુક જમીનદારોમાં જે પ્રકારની ઉન્મુક્ત અય્યાશી જોવા મળતી હોય છે એવું કશું અમારા ખાનદાનમાં નહોતું. હું મારી જાતને એકદમ સંસ્કારી અને નીતિવાન માનતો હતો. નાનપણથી જ હું એકદમ કાવ્યાત્મક અને આદર્શ લગ્નજીવનનાં સપનાં જોતો. મારી પત્ની એક આદર્શ રશિયન નારી હોય, અમારો પ્રેમ અજોડ હોય, અમારા લગ્નજીવનની પવિત્રતા પર ક્યારેય કોઈ ડાઘ પડી જ ન શકે એવું હું વિચારતો અને હું મારા ઉચ્ચ, સંસ્કારી વિચારો બદલ મારી જાત પર ગૌરવ અનુભવતો.'
`અલબત્ત, લગ્ન પહેલાંનાં દસેક વર્ષ દરમિયાન આપણા સમાજના અમીર નબીરાઓ જે બધી મોજમજા કરે એ મેં પણ કરી, પણ મારા મતે એ બધું માપમાં અને વાજબી હતું. દોસ્તોમાં હું આદરપાત્ર હતો. સામે ચાલીને છોકરીને ભોળવવાના અને પટાવવાના ધંધામાં હું નહોતો પડતો. મારામાં કોઈ જાતીય વિકૃતિ નહોતી. વ્યભિચારી મોજમજા એ કંઈ મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય નહોતું. હું તો ખાલી સમાજની પ્રચલિત મર્યાદામાં રહીને મોજમજા કરતો હતો અને મારી જાતને અતિ નૈતિક ગણતો. જે જે મહિલાઓ સાથે મારે સંબંધો બંધાયા એ બધી જ એવી હતી, જે ફક્ત મારી સાથે જ સંકળાયેલી નહોતી. હું એમની પાસેથી ક્ષણભરના સુખથી વધુ કશી અપેક્ષા રાખતો નહોતો.'
`આ બધામાં મને કશું અજુગતું લાગતું નહોતું. ઊલટાનું, હું કોઈ પણ સ્ત્રી સાથે લાગણીથી સંકળાતો નહોતો અને એમને પૈસા આપવામાં હું ક્યારેય ચૂકતો નહોતો એ વાતે મારી જાતને હું પ્રામાણિક ગણતો. જે કોઈ સ્ત્રી મારી સાથે લાગણીથી સંકળાવા માગે કે મારા સંતાનની માતા બનવા માગે અને એ રીતે મારા ભવિષ્યને બાંધી શકે એવી બધી સ્ત્રીઓને હું ટાળતો. એવું બની શકે કે હું જેની સાથે સંકળાયો એમાંની કોઈ સ્ત્રી મને ખરેખર ચાહતી હોય અને મારા સંતાનની માતા પણ બની હોય, પરંતુ મેં મારી આખી સિસ્ટમ એવી જડબેસલાક ગોઠવેલી કે આવું કશું થાય તો મને કશી ખબર પણ ન પડે.'
`આવી રીતે હું મારી જાતને આદરણીય ગણીને જીવી રહ્યો હતો. મને એવો વિચાર જ નહોતો આવતો કે વ્યભિચાર માત્ર શારીરિક જ નથી હોતો. તમે કોઈ સ્ત્રી સાથે શારીરિક રીતે તો જોડાઓ, પરંતુ ભાવનાત્મક રીતે સહેજ પણ જોડાણ ન અનુભવો તો એ છે અસલી વ્યભિચાર છે એવો મને ક્યારેય વિચાર જ નહોતો આવ્યો. ઊલટાનું ભાવનાત્મક રીતે ન જોડાવું એને હું આઝાદી ગણતો અને આ આઝાદી મારા મતે લાભદાયી હતી. મને બરાબર યાદ છે કે એક સ્ત્રી કદાચ મારા પ્રેમમાં પડી ગઈ હશે અને એને હું પૈસા આપવાનું ભૂલી ગયેલો. પછી જ્યાં સુધી મેં એને પૈસા ન મોકલ્યા ત્યાં સુધી મને જે અકળામણ થઈ છે, જે અકળામણ થઈ છે. એને પૈસા મોકલી આપ્યા પછી જ મને શાંતિ થઈ. પૈસા મોકલીને મેં એને દેખાડી આપ્યું હતું કે જુઓ મેડમ, હું તમારી સાથે કોઈ પણ રીતે સંકળાયેલો નથી. આહ! કાશ વ્યભિચારની અસલિયત વિશે અત્યારે મેં તમને જે વાત કરી તેની મને વહેલી ખબર પડી હોત તો મેં ખૂન કર્યું જ ન હોત. બહુ ભયંકર છે, બહુ ભયંકર છે આ બધું. એક તરફ આ ક્ષતિઓ અને વ્યભિચારોની ખાઈ અને બીજી તરફ સ્ત્રીના અધિકારનો અસલી મુદ્દો. સ્ત્રી સાવ જુદી જ છે પુરુષથી. એ વિશિષ્ટ જીવ (નારી) અને પુરુષ લગ્નસંસ્થા થકી જોડાય તો છે, પણ... ઓકે,
મારે તમને એ કહેવું છે કે મેં કઈ રીતે મારી પત્નીનું ખૂન કર્યું, પરંતુ એ પહેલાં મારે તમને એ કહેવું પડે કે કઈ રીતે વ્યભિચારો થકી મેં મારી જાતને ભ્રષ્ટ કરી. આમ જુઓ તો હું મારી પત્નીને ઓળખતો થયો એ પહેલાં જ હું એને મારી ચૂક્યો હતો. મેં જ્યારે પહેલી વાર હૃદયમાં પ્રેમ અનુભવ્યા વિના શરીરનું સુખ માણેલું ત્યારે જ મેં પત્નીની, પત્નીપણાની હત્યા કરી હતી અને પછી મોડેથી મેં મારી પત્નીની હત્યા કરી.' (ક્રમશઃ)
***
મુદ્દો અત્યંત સૂક્ષ્મ છતાં મહત્ત્વનો છે. એક જીવતીજાગતી સ્ત્રીને કોઈ માણસ નિર્જીવ વસ્તુ ગણે ત્યારે અસલમાં એ સ્ત્રીમાંથી જીવનની બાદબાકી કરનાર પેલો માણસ એનો ખૂની જ ગણાય અને એ હિસાબે પુરુષવર્ગનો એક મોટો હિસ્સો સ્ત્રીનો હત્યારો ગણાય. સ્ત્રીને માણસ ન ગણવી મતલબ કે સ્ત્રીનું ખૂન કરવું એ વાત અત્યંત આકરી લાગે એવી છે. આ લઘુનવલ પ્રગટ થઈ ત્યારે લોકોને એ અત્યંત આકરી લાગેલી પણ ખરી અને એટલે જ તો એના પર પ્રતિબંધ લદાયેલો.
