ઘણી બધી ભાષાઓ સમૃદ્ધ છે. અંગ્રેજી સમૃદ્ધ થતી જાય છે. આ બંને ઘટનાઓમાં ફરક છે. સમૃદ્ધિકરણની પ્રક્રિયા અંગ્રેજી ભાષાના કેસમાં અટકી નથી.

માટે તે ભાષાના અસ્તિત્વ અંગે ચિંતા ઊભી થવાની નથી. તેનાં ઘણાં કારણો હશે, પણ એક કારણ છે બીજી ભાષાના અથવા તો નવા ટ્રેન્ડ થયેલા શબ્દોનો અંગ્રેજીમાં સ્વીકાર. એ જ પ્રક્રિયાના ભાગરૂપે ઓક્સફોર્ડ ડિક્શનરી દર વર્ષે `વર્ડ ઓફ ધ યર'ની જાહેરાત કરે છે. પાછલા વર્ષ દરમિયાન વિશ્વની પ્રજાની લાક્ષણિક વૃત્તિ, મૂડ અને પ્રજાની સામૂહિક તલ્લીનતાનો ઝોક જે દિશા તરફ વધુ નમ્યો હોય તે દિશાને વ્યાખ્યાયિત કરતો શબ્દ વર્ડ ઓફ ધ યર બને છે. 201૮નો વર્ડ ઓફ ધ યર કયો હતો? ટોક્સિક, અર્થાત્ ઝેરી, ઝેરીલું, વિષમય. તેના પછીનાં વર્ષોમાં કયા શબ્દો વર્ડ ઓફ ધ યર બન્યા? દા. ત., 2019માં ક્લાઈમેટ ઇમરજન્સી, 2021માં વેક્સ (વેક્સિન) અને 2022માં ગોબ્લિન મોડ.

હજુ થોડા સમય પહેલાંની વાત છે કે 2015ની સાલમાં વર્ડ ઓફ ધ યરનો ખિતાબ અક્ષરોથી બનેલા કોઈ શબ્દને નહિ, પણ સ્માઈલિંગ ફેસ રિપ્રેઝન્ટ કરતાં સાદા સ્માઈલીના ઈમોજીને મળેલો. ખુશીની વાત હતી. એની પહેલા `યૂથક્વેક' વાર્ષિક શબ્દ બનેલો. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સમીકરણોમાં યુવાનો અને યુવાપ્રવૃત્તિને કારણે થતા ફેરફારોને બયાન કરતો શબ્દ યૂથક્વેક ચલણમાં આવેલો અને ઓક્સફોર્ડે તેને વર્ડ ઓફ ધ યર બનાવેલો, પણ છેલ્લાં સાતેક વર્ષથી વૈશ્વિક સ્તરે જે વાર્ષિક શબ્દો બની રહ્યા છે તેમાંથી મોટા ભાગના શબ્દોનો અર્થ નકારાત્મક છે. સામાન્ય રીતે અજાણ્યા શબ્દો કે આધુનિક યુગમાંથી જન્મેલા શબ્દો વર્ડ ઓફ ધ યર બનતા હોય છે, જ્યારે છેક સત્તરમી સદીથી ચલણમાં હોય અને બધાને જેનો અર્થ ખબર હોય એવો શબ્દ `ટોક્સિક' વાર્ષિક શબ્દ બન્યો. એના પછી 2025 સુધી દુનિયા વધુ ને વધુ ઝેરીલી બનતી જાય છે. દુનિયાના પ્રવાહો આ શબ્દમાં પ્રતિબિંબિત થઇ રહ્યા છે. ઝેરીલા બનતા જતા વાતાવરણનો પડઘો આ શબ્દમાં ઝિલાઈ રહ્યો છે.

છેલ્લા થોડા વર્ષોમાં એવું તો શું બન્યું કે ભાષાશાસ્ત્રીઓ પણ ચિંતામાં છે? સમાજમાં આટલી વિકૃતિ ક્યાંથી વધતી જાય છે? કેમ ડિક્શનરીઓ પણ નેગેટિવ શબ્દને જ પસંદગી આપે છે? જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી જોઈએ. છેલ્લાં દસેક વર્ષથી ટોક્સિક કઈ કઈ રીતે વપરાય છે તેના ઉપરથી અંદાજ આવશે. સોશિયલ મીડિયા અને છાપામાં બઝ થયેલો શબ્દયુગ્મ છે `ટોક્સિક મેસ્ક્યુલિનિટી'. સાદા શબ્દોમાં મેસ્ક્યુલિનિટી એટલે મર્દાનગી. મી-ટુ મૂવમેન્ટ પછી ટોક્સિક મેસ્ક્યુલિનિટી શબ્દ પુરુષોની વિરુદ્ધ ઘણો વપરાયો છે. ખાસ કરીને એવા પુરુષો જે ઝેરીલા બનીને શોષણ કરી રહ્યા છે. પુરુષત્વની એક અલગ જ શોભા છે, તેના અલગ જ આયામો છે, પણ જ્યારે તે પુરુષત્વનો ગેરઉપયોગ સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર માટે થાય ત્યારે એ ઝેરી છે. ફક્ત પુરુષો માટે જ નહિ, પણ દિવસે ને દિવસે પાર્ટનર વચ્ચે બગડતા જતા સંબંધો માટે પણ ટોક્સિક રિલેશનશિપ વપરાય છે.

માત્ર માનવો વચ્ચેની સંવેદના જ વિષમય બની ગઈ છે એવું નહિ. માનવો જ્યાં રહે છે તે વાતાવરણ પણ ઝેરીલું છે. ડોનાલ્ડ ટ્રમ્પના તખ્તનશીન થયા પછી ગ્લોબલ વોર્મિંગ ન વધે તે માટેના અમુક નિયમોની ધજ્જિયાં ઊડી ગઈ છે. ટ્રમ્પ અને તેના જેવા કરોડો લોકો ગ્લોબલ વોર્મિંગને અફવા માને છે. `અમેરિકાને ફરીથી મહાન બનાવવાના નિર્ધાર સાથે' શરૂ થયેલો ટ્રમ્પગાળો વાતાવરણને ટોક્સિક કરી રહ્યો છે અને હવાને પણ. ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ થયો અને ભારતમાં સ્કૂલે જતું બાળક ખૂની બની જાય છે! આ હળાહળ વિષ નથી તો શું છે? ટોક્સિક એર, ટોક્સિક વોટર અને ટોક્સિક કેમિકલનું પ્રમાણ સતત વધતું જાય છે. ટૂંકમાં, માણસની અંદર કે બહાર ઝેરની માત્રા વધતી જાય છે જે બહુ ઓછાને દેખાય છે. ઓક્સફોર્ડ ડિક્શનરી સાથે સંકળાયેલા માણસો માહોલમાં વ્યાપેલા ઝેરને સૂંઘી શક્યા તે બદલ તેમને અભિનંદન આપવાં ઘટે.

`વર્ડ ઓફ ધ યર' બનવા માટે બીજા કયા શબ્દો ફાઈનલ લિસ્ટમાં હોય છે? તે જાણવું એટલા માટે જરૂરી છે કે તેના પરથી માનવ સમુદાયની યાત્રાની દિશાનો અંદાજ આવશે કે સાડા સાત અબજ માણસો કઈ બાજુ જઈ રહ્યા છે. કેવા કેવા શબ્દો માણસોના સમાજને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે તે જોતાં અરીસો દેખાશે. છેલ્લા દસેક વર્ષના આવા શબ્દોનું ફાઇનલ લિસ્ટ કાઢશો તો સમજાશે કે દુનિયાનું પતન થઈ રહ્યું છે.

હવેનો સમય સામેવાળાના માનસમાં ઘૂસીને તેની વિચારસરણી બદલવાનો સમય છે. દરેક પોતાને વેપારી સમજે છે અને પોતાના સિવાય દરેક તેના માટે ઘરાક છે. એટલે સામેની વ્યક્તિના વિચારોને એટલી હદે બદલી નાખવા કે તેને વાસ્તવિકતા ઉપર સવાલો થવા માંડે અથવા તો પોતે સાચો છે કે ખોટો એવી શંકા જાગી જાય તે ક્રિયાને `ગેસલાઈટિંગ' કહેવાય છે. ગેસલાઈટિંગ તો હવે બધા કરવા માંડ્યા છે. ગેસલાઈટિંગની ક્રિયા ફક્ત નેતાઓ કે રાજકારણીઓ જ પ્રજા સાથે કરે છે એવું નહિ. માર્કેટિંગના નિષ્ણાતોએ બનાવેલી જાહેરાતોથી લઈને દરેક ખૂણામાં આછાપાતળા બ્લેકમેલિંગ દ્વારા ગેસલાઈટિંગનો ધંધો થઇ રહ્યો છે અને આ પ્રકારના બોમ્બબાર્ડિંગને કારણે `ઇન્સેલ'ની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, કારણ કે ઇન્સેલ લોકોને એવું લાગી રહ્યું છે કે આપણને કોઈ સુંદર છોકરી કે સુંદર પાર્ટનર મળશે જ નહિ,

 કારણ કે આખું જગત કેટલું બધું આગળ વધી ગયું છે. આ `ઇન્સેલ' લોકો એકલા નથી, તેની સાથે `ઓર્બિટિંગ' કરી રહેલા લોકો પણ છે. આ એવા લોકો છે જે ફક્ત સોશિયલ મીડિયામાં જ દેખાય, વાસ્તવિક દુનિયામાંથી અદૃશ્ય હોય. શું કામ એવું કરે તેઓ? કારણ કે તેની અંદર `બિગ ડિક એનર્જી'નો અભાવ હોય. બિગ ડિક એનર્જી એટલે અંદર સુષુપ્ત થઈને પડેલો કોન્ફિડન્સ, જે `ટેકલેશ'ને કારણે ખતમ થઇ રહ્યો છે. સિલિકોન વેલી ખાતે ઊભી થયેલી સોશિયલ મીડિયાની મોટી કંપનીઓ જે તેના વપરાશકર્તાઓની પ્રાઈવસી જાળવતી નથી અને તેનું આક્રમણ સમાજના બધા વર્ગોને વહેલું-મોડું નુકસાન કરી રહ્યું છે તેવા ભય એટલે કે ટેકલેશથી કેકીઝ્મ પણ વધી રહ્યું છે. કેકીઝ્મ એટલે તમે બીજાની કેક પણ લઇ શકો અને તેને ખાઈ પણ શકો.

છેલ્લા વર્ષોમાં બઝ થયેલા બધા શબ્દોના અર્થો ઉપર ફરીથી એક નજર ફેરવો. માનવજાત ઊર્ધ્વગમન કરી રહી છે કે અધોગતિ? આ અધોગતિનું કારણ શું? કેટલે નીચે જઈને તે અટકશે? સમાજના એક યુનિટ તરીકે આપણી જવાબદારી શું છે? આપણે આ પતન અટકાવી શકીશું?