અનેક પ્રકારની માનસિક વ્યાધિઓમાં `અવસાદ'નું સ્થાન પ્રમુખ છે. એ એક એવી અવસ્થા છે કે, જેમાં વ્યક્તિ આનંદ અને ઉત્સાહથી દૂર થઈને અત્યંત શિથિલ(ઢીલી), દુઃખી અને નિરાશાવાદી બની જાય છે. આવા રોગીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જ જાય છે. માનસિક શાંતિના અભાવના આ યુગમાં ઘણી વ્યક્તિઓ શીઘ્ર અવસાદગ્રસ્ત થઇ જતી હોય છે.

મહર્ષિ ચરકે તો પોતાના મહાગ્રંથ `ચરક સંહિતા'માં સૂત્રસ્થાનના 25મા અધ્યાયમાં કોઈ પણ રોગને વધારનાર કારણોમાં `અવસાદ'ને સર્વોપરી કહ્યો છે. `વિષાદો રોગવર્ધનાનામ્ શ્રેષ્ઠમ્' (વિષાદ-અવસાદ- depression). વર્તમાન સંઘર્ષમય જીવનમાં શરીર અને મન પર જે વિશેષ ભાર પડે છે, તેને `આયાસ' એટલે કે `Stress' કહેવામાં આવે છે. મહર્ષિ ચરકે આ અધ્યાયમાં જ `આયાસ સર્વ અપથ્યાનામ્' કહીને સ્ટ્રેસની વિકારકારિતાનો ઉલ્લેખ કર્યો છે. આ અાયાસ(સ્ટ્રેસ) જ અવસાદ(ડિપ્રેશન)ની સ્થિતિ ઉત્પન્ન કરે છે.

જેવી રીતે શારીરિક રોગો વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોની વિષમતા વગર થતા નથી. એવી જ રીતે માનસિક વ્યાધિઓ પણ `રજ' અને `તમ' આ બે માનસિક દોષોની વિષમતા વગર થતી નથી. તેમ છતાં આ શારીરિક અને માનસિક વ્યાધિઓનો પરસ્પર પ્રભાવ અને સંબંધ અવશ્ય દૃષ્ટિગોચર થાય છે.

શારીરિક દોષોની દૃષ્ટિએ `વાયુ' એ અવસાદ રોગનો પ્રવર્તક છે. ચરક સંહિતામાં તેને મનનો નિયતા અને પ્રણેતા ગણાવીને તેને હર્ષ અને ઉત્સાહનો જનક કહ્યો છે. મહર્ષિ ચરકે વિમાનસ્થાનમાં તો સ્પષ્ટ જ લખ્યું છે કે વાયુ પ્રકૃતિવાળી વ્યક્તિઓ શીઘ્ર અવસાદજન્ય રોગોમાં સપડાય છે. અવસાદને લીધે વ્યક્તિમાં દુઃખ, રડવું, જડતા, મૂઢાવસ્થા (વિચારશક્તિનો હ્રાસ) તથા આત્મગ્લાનિ પ્રકટ થાય છે. અવસાદગ્રસ્ત મનુષ્યને શિર:શૂળ, ભારેપણું, પિંડીઓમાં કળતર, ઝાડા, અનિદ્રા, અગ્નિમાંદ્ય જેવાં શારીરિક લક્ષણો ઉત્પન્ન થાય છે.

અભિનવ મનોવિશ્લેષણથી ચરકના મતને સમર્થન-પુષ્ટિ મળે છે કે, વિષાદથી બધા રોગોની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને તેનાથી હૃદયરોગ-એટેક, અજીર્ણ, અગ્નિમાંદ્ય, એસિડિટી, જઠરનાં ચાંદા-અલ્સર, અપતંત્રક, શોકાતિસાર, કોલાયટિસ, એન્ટ્રાઈટિસ, માથાનો દુખાવો, ઊબકા, ઊલટી વગેરે રોગો થવાની પૂરી શક્યતાઓ રહે છે.

આજકાલ આધુનિક દુનિયાની મોટાભાગની વ્યક્તિઓ અવસાદગ્રસ્ત જણાય છે. ભયભીત, ત્રસ્ત, વ્યગ્ર દુનિયાનું મુખ્ય કારણ માનસિક અવસાદ જ છે. અવસાદનો મન અને શરીર બંને પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. હૃદય, સ્વરયંત્ર, નેત્ર, શ્વસન સંસ્થાન, પાચનતંત્ર, મૂત્રવહ તંત્ર, ત્વચા, રોમ, મૈથુન ક્રિયા, માંસપેશીઓ અને રક્તવહનતંત્ર તેનાથી પ્રભાવિત થાય છે.

આવા આ અવસાદમાં ડૂબેલી વ્યક્તિઓને બચાવવાના આયુર્વેદમાં કોઈ ઉપચાર કે ઔષધો ખરાં? તો તેના પ્રત્યુત્તરમાં કહી શકાય કે હા, દર્દીની ઉંમર, દોષ, પ્રકૃતિ, સત્ત્વ, સાત્મ્ય, રુચિ વગેરેને ધ્યાનમાં રાખીને બ્રાહ્મી, શંખપુષ્પી, તગર, કઠ, જટામાંસી, અંકોલ, જ્યોતિષ્મતિ, રુદ્રાક્ષ, કમળ, હિંગ, ભૃંગરાજ, શતાવરી, કાયફળ, સર્પગંધા, વજ, સ્મૃતિસાગર રસ, બ્રાહ્મીવટી, અશ્વગંધારિષ્ટ વગેરે અનેક ઔષધો ઉત્તમ પરિણામ આપે છે.