કેનેડા સરકાર દ્વારા પોતાની ઈમિગ્રેશન નીતિઓમાં કડક સુધારાઓ અમલી બનાવવામાં આવ્યા છે, જેની સૌથી મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર પડી રહી છે. ઈમિગ્રેશન, રિફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા(IRCC)ના સત્તાવાર આંકડા અનુસાર દેશમાં વસવાટ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પડતા અતિશય બોજને નિયંત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ પરમિટ અને ટેમ્પરરી વર્ક પરમિટની સંખ્યામાં નોંધપાત્ર કાપ મૂકવામાં આવ્યો છે. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી મોટો હિસ્સો (આશરે 36%) ભારતીયોનો છે. નવી નીતિઓ હેઠળ કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વાર્ષિક મર્યાદા (Cap) ઘટાડીને આશરે 1,55,00 વાર્ષિક નવા પ્રવેશ સુધી મર્યાદિત કરી દીધી છે. આ ઉપરાંત માસ્ટર્સ અને ડોક્ટરેટ સિવાયના અભ્યાસક્રમો માટે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ(PGWP)ના નિયમો પણ સખત બનાવવામાં આવ્યા છે અને કેમ્પસ બહાર કામ કરવાના કલાકો અઠવાડિયે 20 કલાક સુધી જ સીમિત કરાયા છે. કેનેડિયન સરકારના આ નિર્ણયથી ખાસ કરીને ગુજરાત અને પંજાબના યુવાનો કે જેઓ ઉચ્ચ અભ્યાસ અને સ્થાયી વસવાટ(PR)ની અપેક્ષાએ કેનેડા જાય છે, તેમના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભારતીય વાણિજ્ય દૂતાવાસ અને શૈક્ષણિક સલાહકારો વિદ્યાર્થીઓને નવી માર્ગદર્શિકા ચકાસીને જ આગળ વધવાની સલાહ આપી રહ્યા છે.
ઇઝરાયેલમાં રાજકીય અસ્થિરતા અને સૈન્ય ભરતીનો મોટો વિવાદ
ઈઝરાયેલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધન સરકાર ગંભીર રાજકીય અને બંધારણીય સંકટનો સામનો કરી રહી છે. આ અસ્થિરતાનું મુખ્ય કારણ અલ્ટ્રા-ઓર્થોડોક્સ (હરેડી) યહૂદી સમુદાયને ફરજિયાત સૈન્ય સેવામાંથી મળતી મુક્તિ અંગેનો વિવાદ છે. ઈઝરાયેલની સુપ્રીમ કોર્ટે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓને સૈન્ય સેવામાંથી અપાતી મુક્તિને ગેરબંધારણીય ઠેરવીને તેમને પણ સેના(IDF)માં ભરતી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ આર્મી દ્વારા હજારો ધાર્મિક વિદ્યાર્થીઓને સૈન્યમાં જોડાવાની નોટિસ પાઠવવામાં આવી છે. આ પગલાના વિરોધમાં નેતન્યાહૂ સરકારમાં સામેલ શાસ (Shas) અને યુનાઈટેડ તોરાહ જ્યુડાઈઝમ જેવા અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષોએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની અને નેશનલ એસેમ્બલી (Knesset) ભંગ કરવાની ધમકી આપી છે. બીજી તરફ ગાઝા અને ઉત્તરીય સરહદો પર ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશના સામાન્ય નાગરિકો અને બિન-ધાર્મિક વર્ગમાં ધાર્મિક સમુદાયને સમાન લશ્કરી જવાબદારીમાંથી મુક્તિ આપવા સામે ભારે રોષ છે. આ આંતરિક ખેંચતાણને કારણે નેતન્યાહૂ સરકાર પર મધ્યસત્ર ચૂંટણીઓ યોજવાનું દબાણ સતત વધી રહ્યું છે.
જાપાનમાં વયોવૃદ્ધ વસ્તી અને `કોદોકુશી'(એકલતા)નું વધતું સંકટ
વિશ્વમાં સૌથી વધુ વૃદ્ધ વસ્તી ધરાવતા દેશોમાં જાપાન મોખરે છે, જ્યાં આશરે 30% નાગરિકો 65 વર્ષથી વધુ વયના છે. આ જનસંખ્યાકીય ફેરફારને કારણે જાપાન હાલ એક ગંભીર સામાજિક વિષચક્રનો સામનો કરી રહ્યું છે, જેને સ્થાનિક ભાષામાં `કોદોકુશી' (Kodokushi - એકલતામાં થતું મૃત્યુ) કહેવામાં આવે છે. તાજેતરના સરકારી અહેવાલો મુજબ જાપાનમાં વાર્ષિક આશરે 75,000થી વધુ લોકો પોતાનાં ઘરોમાં એકલાઅટુલા મૃત્યુ પામે છે અને દિવસો કે સપ્તાહો સુધી કોઈને તેની જાણ પણ થતી નથી. પરિવારના નાના કદ, એકલવાયા જીવન અને સામાજિક વિચ્છેદનને કારણે આ સમસ્યા વિકરાળ બની છે. આ સંકટને પહોંચી વળવા માટે જાપાન સરકારે વિશેષ `મિનિસ્ટ્રી ઓફ લોનલીનેસ' (એકલતા મંત્રાલય) કાર્યરત રાખ્યું છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે અનોખા પ્રયોગો હાથ ધરાયા છે.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વધતો અસંતોષ અને માનવાધિકાર સંઘર્ષ
પાકિસ્તાનનો ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો પરંતુ આર્થિક રીતે પછાત પ્રાંત બલુચિસ્તાન હાલ તીવ્ર રાજકીય અને સૈન્ય અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) જેવાં સશસ્ત્ર જૂથો દ્વારા પાકિસ્તાની સૈન્ય અને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(CPEC)ના પ્રોજેક્ટ્સ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હિંસાની સાથે સાથે, વિસ્તારમાં નાગરિક અધિકારો માટે લડતા `બલુચ યકજેહતી કમિટી'(BYC)ના આંદોલને પણ જોર પકડ્યું છે. બલુચ યુવાનોના ગેરકાયદેસર અપહરણ, `એન્ફોર્સ્ડ ડિસઅપીયરન્સ' અને વહીવટી અત્યાચારો સામે અવાજ ઉઠાવનાર જાણીતા મહિલા માનવાધિકાર કાર્યકર્તા ડૉ. મહેરંગ બલુચ અને તેમના સાથીઓને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલત દ્વારા કેસ ચલાવીને સજા સંભળાવવામાં આવતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અને સંયુક્ત રાષ્ટ્ર(UN)ની વિવિધ સંસ્થાઓએ પાકિસ્તાન સરકાર દ્વારા બલુચ નાગરિકોના લોકશાહી અધિકારોનું દમન કરવાની નીતિની સખત ટીકા કરી છે. પ્રાંતમાં ઈન્ટરનેટબંધી અને લશ્કરી નાકાબંધી હોવા છતાં સ્થાનિક લોકોનું વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો