દરેક દેશની સમૃદ્ધિ તેના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા ઉપર આધાર રાખે છે. આપણા પડોશી દેશ શ્રીલંકાની બીજી સૌથી પ્રાચીન રાજધાની તરીકે ઓળખાતું પોલોન્નારુવા નગર વિશાળ સ્તૂપો અને પથ્થરોમાંથી કોતરેલી ભવ્ય મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. પ્રાચીન એશિયાઇ સ્થાપત્યકળા અને એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાનું સાક્ષી છે. મધ્ય યુગના શાસકોની સાહસિકતા, ભારતની અને સિંહાલી સંસ્કૃતિઓનું મિશ્રણ અને બૌદ્ધ દર્શનની ઊંડી છાપ અહીંના દરેક શિલાલેખમાં ધબકે છે. તેની આ વિશેષતાને કારણે ઇ.સ. 1982માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.   

પોલોન્નારુવાનો ઇતિહાસ

10મી સદી સુધી શ્રીલંકાનું રાજકીય કેન્દ્ર અનુરાધાપુરા હતું, પણ ઈ.સ. 993માં દક્ષિણ ભારતના શક્તિશાળી ચોલ વંશના રાજા રાજારાજ ચોલ અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલે અનુરાધાપુરા પર આક્રમણ કરી તેને નષ્ટ કર્યું. ચોલ શાસકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આક્રમણકારોથી બચવા માટે પોલોન્નારુવાને પોતાની નવી રાજધાની બનાવી, તેને જનાનાથ મંગલમ નામ આપવામાં આવ્યું. વળી, આ જગ્યા મહાવેલી નદીના કિનારે આવેલી હોવાની વ્યૂહાત્મક રીતે ઉત્તમ હતી. ઈ.સ. 1070માં સિંહાલી રાજા વિજયબાહુ પ્રથમે ચોલ વંશને પરાસ્ત કરી નગર પર પુનઃ સિંહાલી સત્તા સ્થાપી, પરંતુ આ નગરનો વાસ્તવિક `સુવર્ણ યુગ' રાજા પરાક્રમબાહુ પ્રથમના શાસનમાં આવ્યો. તેમણે આ નગરને માત્ર એક સૈન્ય ગઢ તરીકે ન રાખતાં કલા, સાહિત્ય, આધ્યાત્મિકતા અને કલ્પનાતીત સ્થાપત્યનું વૈશ્વિક કેન્દ્ર બનાવ્યું. તદુપરાંત રાજા નિસાંકમલ્લાના સમયમાં પણ અહીં અનેક ભવ્ય નિર્માણો કરવામાં આવ્યાં હતાં. 13મી સદીમાં કાલિંગ માઘના વિનાશક આક્રમણ બાદ રાજધાની દક્ષિણ તરફ ખસતી ગઈ અને આ નગર સદીઓ સુધી ઘનઘોર જંગલોમાં લુપ્ત થવા લાગ્યું. 19મી સદીમાં બ્રિટિશ સંશોધકો દ્વારા આ નગરને પુનઃ શોધવામાં આવ્યું.

જળ સંચયનો ચમત્કાર : પરાક્રમ સમુદ્ર 

રાજા પરાક્રમબાહુનું દર્શન માત્ર રાજ્યવિસ્તાર પૂરતું મર્યાદિત નહોતું. તેમણે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે જે કાર્ય કર્યું તે આજે 21મી સદીના સિવિલ એન્જિનિયરો માટે પણ સંશોધનનો વિષય છે. તેમનો એવો સિદ્ધાંત હતો કે, `આકાશમાંથી પડતું વરસાદનું એક પણ ટીપું માનવજાતના કલ્યાણ માટે વપરાયા વિના સમુદ્રમાં વહી જવું ન જોઈએ.'   

 તેમણે 14 અલગ-અલગ મોટાં જળાશયોને જોડીને 2400 હેક્ટર એટલે કે આશરે 15 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું એક વિશાળ માનવસર્જિત તળાવ બનાવ્યું. તેનો વિસ્તાર એટલો વિશાળ હતો કે લોકો તેને `પરાક્રમ સમુદ્ર' કહેવા લાગ્યા. આ જળાશયમાં પાણીનું બાષ્પીભવન ઓછું થાય અને સિંચાઈ માટે સતત પાણી મળતું રહે તેવું ચોક્કસ ભૂમિતિક આયોજન કરવામાં આવ્યું હતું. આ સરોવરમાંથી નીકળતી સૂક્ષ્મ નહેરો વડે સમગ્ર પ્રદેશને ફળદ્રુપ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે તે સમયે શ્રીલંકા `પૂર્વનો અન્ન ભંડાર' તરીકે ઓળખાવા લાગ્યું હતું. 

અદ્ભુત સ્થાપત્ય અને શિલ્પકળા 

પોલોન્નારુવા ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે. જેમ કે, રાજમહેલ વિસ્તાર, દલાદા મલુવા (પવિત્ર અસ્થિ પરિસર) અને ઉત્તરીય મઠ પરિસર. ઇતિહાસકારોના મતે આ મહેલ સાત માળ ઊંચો હતો અને તેમાં 100થી વધુ રૂમ હતા. મહેલની દીવાલો ઈંટોની બનેલી અને અત્યંત જાડી છે. આજે પણ તેના ત્રણ-ચાર માળના અવશેષો જોઈ શકાય છે. મહેલ પરિસરમાં જ રાજાનો સભાખંડ આવેલો છે, જેનાં પગથિયાં પર નકશીદાર સિંહોની આકૃતિઓ અને પથ્થરના થાંભલાઓ સ્થાપત્યની ભવ્યતા દર્શાવે છે.   

`દલાદા મલુવા' તરીકે ઓળખાતા વટડાગે અને ચોકડી પરિસરમાં બુદ્ધના પવિત્ર દંત-અસ્થિ રાખવામાં આવતા હતા. વટડાગે એ એક ગોળાકાર બૌદ્ધ સ્તુપ ગૃહ છે. તેના કેન્દ્રમાં ચાર દિશામાં મોં રાખીને બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ છે. 

પ્રવેશદ્વારનાં પગથિયાં આગળ અર્ધચંદ્રાકાર પથ્થર કોતરેલો છે. તેમાં હાથી, ઘોડા, બળદ અને મંગળચિહ્નો કોતરેલાં છે, જે સંસારચક્ર અને મોક્ષ તરફની યાત્રાનું પ્રતીક છે.   

પોલોન્નારુવાનું સૌથી આકર્ષક અને ભવ્ય સ્થળ `ગલ વિહાર' છે. એક જ વિશાળ ગ્રેનાઈટ પથ્થરને કોતરીને અહીં ભગવાન બુદ્ધની ચાર અદ્ભુત મૂર્તિઓ બનાવવામાં આવી છે. જેમ કે ધ્યાન મુદ્રામાં બેઠેલા ભગવાન બુદ્ધની શાંત પ્રતિમા. પથ્થરની અંદર કોતરેલી ગુફામાં સ્થિત બુદ્ધ પ્રતિમા. ઊભેલી મુદ્રામાં ભગવાન બુદ્ધની 7 મીટર ઊંચી પ્રતિમા, જેમાં બુદ્ધના હાથ છાતી પર ક્રોસ કરેલા છે અને ચહેરા પર અનુકંપાના ભાવ છે. 14 મીટર લાંબી ઢળતી (સૂતેલી) મુદ્રામાં બુદ્ધની વિશાળ મૂર્તિ, જેમાં તેમનાં ચરણોની આંગળીઓની ગોઠવણ દર્શાવે છે કે આ મહાપરિનિર્વાણની ક્ષણ છે.   

રાજા નિસાંકમલ્લાના સમયનો ગલ પોથા 27 ફૂટ લાંબો અને 6 ફૂટ પહોળો પથ્થરનો શિલાલેખ છે, જેનું વજન આશરે 20 ટન છે. આ વિશાળ `પથ્થરની ચોપડી' પર રાજાનાં કાર્યો, વિજયો અને શાસનવ્યવસ્થા વિશે વિગતવાર લખાણ કોતરેલું છે.   

પોલોન્નારુવામાં ચોલ વંશના શાસનની યાદ અપાવતા કેટલાક પથ્થરનાં શિવમંદિરો પણ આવેલાં છે, જેને શિવ દેવોલે કહેવામાં આવે છે. સંપૂર્ણપણે પથ્થરોથી બનેલું શિવ દેવાલે-2 આજે પણ અખંડ સ્થિતિમાં છે. આ સ્થાન દર્શાવે છે કે તે સમયમાં બૌદ્ધ અને હિન્દુ સંસ્કૃતિ એકસાથે સમરસતાથી પાંગરી રહી હતી. હાલમાં પોલોન્નારુવા એક વિશાળ ઓપન-એર આર્કિયોલોજિકલ પાર્ક છે. પોલોન્નારુવા માત્ર ભૂતકાળનો અવશેષ નથી, પરંતુ તે માનવ ક્ષમતા, કલા અને પ્રકૃતિ સાથેના સુમેળનું એક ઉત્તમ ઉદાહરણ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો