મહાભારતના શાંતિ પર્વમાં જ્યારે પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને લીડરશિપ સંદર્ભે રાજધર્મ અને શાસન વ્યવસ્થાનો પાઠ ભણાવે છે, ત્યારે તેઓ લીડરશિપ અને મેનેજમેન્ટનું એક એવું સનાતન સત્ય સમજાવે છે, જે આજના કોર્પોરેટ વર્લ્ડ અને સામાજિક નેતૃત્વમાં પણ એટલું જ પ્રાસંગિક છે. ભીષ્મ શાસનકર્તાને આત્મ-નિયંત્રણ અને નૈતિક સીમાઓનો પાઠ ભણાવવા માટે એક ચોંકાવનારું ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે સમાજમાં જેને સૌથી અધમ અને અરાજક માનવામાં આવે છે, તે `દસ્યુ' એટલે કે લૂંટારાઓ પણ જો પોતાના અસ્તિત્વ અને સંગઠનને ટકાવી રાખવા માટે અમુક ચોક્કસ આચારસંહિતા કે મર્યાદાઓનું પાલન કરતા હોય, તો સર્વોચ્ચ પદ પર બેઠેલા લીડર અથવા મેનેજરે તો પોતાની મર્યાદાઓ અંગે અતિશય સભાન રહેવું જ જોઈએ.

આખરે લૂંટારાઓની પણ પોતાની અલિખિત મર્યાદાઓ હોય છે; તેઓ ક્યારેય હથિયાર વિનાના એટલે કે નિઃસહાય માણસ પર વાર કરતા નથી, તેઓ ક્યારેય પરસ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડતા નથી, કુંવારી કન્યાનું અપહરણ કરતા નથી અને જે ગામ પર આક્રમણ કરે છે તેના કાયમી સ્વામી બનીને ત્યાંના લોકોનું સંપૂર્ણ નિકંદન કાઢતા નથી. જ્યારે એક ગુનાહિત માનસિકતા ધરાવતું જૂથ પણ પોતાની મર્યાદાઓ ન ઓળંગવાની આટલી શિસ્ત ધરાવતું હોય, ત્યારે કોઈ સંસ્થા કે ટીમના નેતા માટે આત્મઅંકુશ એ વૈભવ નહીં, પરંતુ અનિવાર્ય શરત બની જાય છે.

આજના આધુનિક મેનેજમેન્ટના સંદર્ભમાં આ વાતને સમજીએ તો, કોઈ પણ લીડર પાસે સત્તા, સંસાધનો અને નિર્ણયો લેવાની અસીમ શક્તિ હોય છે, પરંતુ સાચો મેનેજર એ નથી જે આ સત્તાનો સ્વછંદી ઉપયોગ કરે, પણ એ છે જે જાણે છે કે ક્યાં થોભી જવું. સત્તા હંમેશાં જવાબદારી અને મર્યાદા સાથે સંતુલિત થવી જોઈએ. જ્યારે કોઈ સંસ્થાના ટોચના હોદ્દા પર બેઠેલી વ્યક્તિ પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે, ત્યારે સંસ્થામાં અરાજકતા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે. ભીષ્મ અહીં એ જ વાત રેખાંકિત કરે છે કે નેતાની નૈતિક મર્યાદાઓ જ તેની ટીમના સભ્યોમાં સુરક્ષાની ભાવના પેદા કરે છે. જો મેનેજર પોતાની સત્તાના જોરે ટીમના નબળા કે નિઃસહાય સભ્યોને દબાવવાનો પ્રયત્ન કરે, તો તે લીડર મટીને સરમુખત્યાર બની જાય છે. લૂંટારાઓ જેમ નિઃશસ્ત્ર પર વાર નથી કરતા, તેમ આજના મેનેજરે પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને જુનિયર કર્મચારીઓ કે નબળી પરિસ્થિતિમાં રહેલા લોકોનો ગેરલાભ લેવો જોઈએ નહીં.

લીડરની પોતાની આચારસંહિતા જ તેની ખરી ઓળખ છે. કાર્યસ્થળ પર સ્ત્રીઓ પ્રત્યેનો આદર, સહકર્મચારીઓના અંગત જીવન અને સ્પેસની મર્યાદાઓનું સન્માન કરવું એ કોઈ પણ પ્રોફેશનલ મેનેજર માટે પાયાની લાયકાત છે. ભીષ્મએ સદીઓ પહેલાં જે સ્ત્રી સન્માન અને મર્યાદાની વાત લૂંટારાઓના સંદર્ભમાં કહી હતી, તે આજે કોર્પોરેટ ગવર્નન્સ અને સેફ વર્ક કલ્ચરના પાયામાં રહેલી છે. નેતા જ્યારે નૈતિક રીતે મર્યાદામાં રહે છે ત્યારે તેની આસપાસના લોકોમાં એક સામાજિક અને વ્યાવસાયિક સન્માનની ભાવના જાગે છે. જે લીડર પોતાની ગરિમા અને નૈતિક સીમાઓ જાળવી શકતો નથી, તે વહેલા કે મોડા પોતાની ટીમનો વિશ્વાસ ગુમાવી બેસે છે અને અંતે નિંદાપાત્ર બને છે.

આ ઉપરાંત આક્રમણ કર્યા પછી પણ ગામના સ્વામી ન બની બેસવાની દસ્યુઓની મર્યાદા આજના મેનેજરો માટે `માઈક્રો-મેનેજમેન્ટ' અને `એમ્પાવરમેન્ટ'નો મોટો પાઠ છે. ઘણા લીડર પોતાની ટીમના કામ પર એટલો બધો અંકુશ મેળવી લે છે કે તેઓ કર્મચારીઓની નિર્ણય લેવાની આઝાદી જ છીનવી લે છે. તેઓ દરેક બાબતમાં પોતાના સ્વામીત્વનો દાવો કરવા લાગે છે. સક્ષમ લીડર એ છે જે ક્ષેત્ર જીતે, લક્ષ્યાંકો હાંસલ કરે, પરંતુ ટીમના સભ્યોને ગુલામ બનાવવાને બદલે તેમને સ્વાયત્તતા આપે. જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ કે વિભાગનું નેતૃત્વ કરો છો, ત્યારે તમારો ઉદ્દેશ પરિણામ મેળવવાનો હોવો જોઈએ, નહીં કે ત્યાંના લોકો પર માનસિક આક્રમણ કરીને તેમનું શોષણ કરવાનો. સત્તાનો અતિરેક હંમેશાં પતનની શરૂઆત હોય છે.

આ જ કારણે પિતામહ ભીષ્મ દૃઢતાપૂર્વક કહે છે કે લીડરે હંમેશાં પોતાની મર્યાદાઓ પોતે જ બાંધવી જોઈએ. કાયદા કે નિયમો તો બહારથી લાદવામાં આવે છે, પરંતુ ખરી લીડરશિપ એ આંતરિક શિસ્તમાંથી જન્મે છે. જે મેનેજર પોતાની વાણી, વર્તન, નાણાકીય વ્યવહારો અને સત્તાના પ્રદર્શનમાં મર્યાદા જાળવે છે, તે ક્યારેય નિંદા કે ટીકાનો ભોગ બનતો નથી. તેની સ્વીકાર્યતા અને આદર આપોઆપ વધી જાય છે.

મર્યાદામાં રહીને જ યોગ્ય અને ઉત્તમ શાસન કરી શકાય છે, કારણ કે મર્યાદિત અને સંતુલિત વર્તન જ નેતાને લાંબા ગાળાની સફળતા અને સ્થિરતા પ્રદાન કરે છે. આજની ઝડપથી બદલાતી બિઝનેસ ઈકોસિસ્ટમમાં, જ્યાં નૈતિક મૂલ્યો ઘણીવાર જોખમાતાં જોવા મળે છે, ત્યાં ભીષ્મનો આ `દસ્યુ સિદ્ધાંત' દરેક લીડર માટે એક દિશાસૂચક દીવાદાંડી સમાન છે કે સફળતા ગમે તેટલી મોટી હોય, મર્યાદા ક્યારેય ચૂકવી જોઈએ નહીં.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો