ભારતની વૈદિક સંસ્કૃતિ વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલી છે, જેનું પ્રમાણ આજે પણ જોવા મળે છે. આ પ્રભાવનું સૌથી ઉત્તમ અને ભવ્ય પ્રતીક એટલે ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલું પ્રમ્બાનન મંદિર. આ મંદિર ફક્ત ઇન્ડોનેશિયાનું જ નહીં, પરંતુ દુનિયાભરના અદ્ભુત મંદિરોમાં સ્થાન ધરાવે છે. પ્રમ્બાનન મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પથ્થરો કંડારીને બનાવવામાં આવેલ મંદિરની ભવ્યતા ઇતિહાસપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
પ્રમ્બાનન મંદિરનો ઇતિહાસ
નવમી સદીના મધ્યમાં પ્રમ્બાનન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મિડાંગ સામ્રાજ્યના સંજય વંશના રાજા રકાઇ પિકોતન દ્વારા આ મંદિરનો પાયો નાંખવામાં આવ્યો હતો. એ પછીના રાજાઓ ખાસ કરીને રાજા દક્ષ અને તુલોદોંગના સમયમાં મંદિરનો વિકાસ થયો હતો. કહેવાય છે કે આ મંદિરના નિર્માણ પાછળ ધાર્મિક ઉપરાંત રાજકીય હેતુ પણ હતો. એ સમયે જાવામાં બૌદ્ધ ધર્મ પાળતા શૈલેન્દ્ર વંશનું શાસન હતું. જેમણે પ્રખ્યાત બોરોબુદુર બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કર્યું હતું. એના જવાબમાં સંજય વંશના હિન્દુ રાજાઓએ શિવભક્તિ અને હિન્દુ ધર્મના પુનરુત્થાનના ભાગ રૂપે પ્રમ્બાનન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર મૂળભૂત રીતે ચંડી શિવગૃહ તરીકે ઓળખાતું હતું, જેનો અર્થ શિવનું ઘર એવો થાય છે.
મંદિરની સ્થાપત્ય શૈલી
દરેક મંદિરની કોઇ ને કોઇ શૈલી હોય છે જેના કારણે તે જાણીતું અથવા તો પ્રખ્યાત બને છે. એ રીતે પ્રમ્બાનન મંદિરની વિશેષતા તેની સ્થાપત્ય શૈલી છે. જે પરંપરાગત હિન્દુ વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે. આ આખું સંકુલ મુખ્યત્વે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિમૂર્તિને સમર્પિત હોવાનું મનાય છે. સંસારના નિર્માણની શક્તિ ઇશ્વરની એટલે કે બ્રહ્માની છે. જ્યારે પાલન, પોષણ વૃદ્ધિ અને વિકાસ કરવાની શક્તિ વિષ્ણુની છે. એ જ રીતે સંસારનો સંહાર કરવાની ઇશ્વરની શક્તિનું નામ મહેશ છે.
શરૂઆતમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય શક્તિઓના પ્રતિબિંબ દર્શાવવા માટે મુખ્ય ત્રણ મંદિર છે. ત્રણેય ભગવાનનાં મુખ પૂર્વ દિશામાં રાખવામાં આવ્યાં છે. સૌથી પહેલાં શિવ મંદિરની વાત કરીએ તો આ સંકુલનું સૌથી મોટું અને મધ્યમાં આવેલું મુખ્ય મંદિર છે. તેની ઊંચાઇ આશરે 47 મીટર છે. મંદિરની અંદર પાંચ રૂમ છે, જેમાં શિવજીની ભવ્ય મૂર્તિ ઉપરાંત અગસ્ત્ય ઋષિ, ગણેશજી અને માતા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
શિવ મંદિરની દક્ષિણ દિશામાં બ્રહ્માનું મંદિર આવેલું છે. જેમાં બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિ આવેલી છે. બ્રહ્માજીના મંદિરની ઉત્તર દિશામાં વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે, જેમાં તેમની ચતુર્મુખ મૂર્તિ બિરાજમાન છે. સૌથી યુનિક વાત તો એ છે કે આ ત્રણેય મંદિરોની બરાબર સામે તેમનાં વાહનોનાં ત્રણ નાનાં મંદિરો આવેલાં છે. જેમ કે, શિવજીના મંદિરની સામે નંદી, વિષ્ણુ ભગવાન સામે ગરુડ અને બ્રહ્માજી સામે હંસનું મંદિર આવેલું છે. આ સિવાય સંકુલમાં અનેક નાનાં મંદિરો આવેલાં છે.
પથ્થરો અને રામાયણ
પ્રમ્બાનન મંદિર પથ્થરોમાંથી બનાવવામાં આવ્યાં છે. પથ્થરોની દીવાલો કોતરીને કલાત્મક રામાયણની અમરકથા કંડારવામાં આવી છે. અહીં શ્રીરામના જન્મ, સીતા સ્વયંવર, વનવાસ, સીતાહરણ, હનુમાનજીનું લંકા પ્રસ્થાન, સેતુ નિર્માણ અને રાવણ સાથેના યુદ્ધ સુધીનાં દૃશ્યો એટલી બારીકાઇથી કોતરવામાં આવ્યાં છે કે જાણે પથ્થરો જાતે વાર્તા કહી રહ્યા હોય. આ ઉપરાંત વિષ્ણુ મંદિરની દીવાલો પર ભગવાન કૃષ્ણની લીલાઓ અને ભાગવત પુરાણના પ્રસંગો જોવા મળે છે. આ કોતરણી પ્રાચીન સમયના કારીગરોની કલ્પનાશક્તિ અને કૌશલ્યનો અજાડો પુરાવો છે.
પતન અને પુનઃ શોધ
દસમી સદીની શરૂઆતમાં એટલે કે ભવ્ય મંદિરનું નિર્માણ થયું એના ગણતરીના દાયકાઓમાં પ્રમ્બાનન મંદિરનું પતન થવાનું શરૂ થઇ ગયું હતું.
વાત જાણે એમ છે કે આ મંદિરની નજીકમાં આવેલા ભયાનક જ્વાળામુખી માઉન્ટ મેરાપીના વિસ્ફોટો અને મોટા ભૂકંપના કારણે આ વિસ્તાર તબાહ થઇ ગયો હતો. પરિણામે ભવ્ય મંદિરો જંગલી ઝાડીઓ અને કાટમાળ નીચે દબાઇ ગયાં. સદીઓ પછી એટલે કે 1811માં બ્રિટિશ શાસન દરમિયાન સર થોમસ સ્ટેમફોર્ડ રેફલ્સના એક અધિકારી દ્વારા આ સ્થળની પુનઃ શોધ કરવામાં આવી. જોકે, તેનું પુન: નિર્માણ કાર્ય 1918માં શરૂ થયું અને 1953માં મુખ્ય શિવ મંદિરનું પુનઃ નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું. આધુનિક આર્કિટેક્ચર માટે આ મંદિર આજે પણ કોયડા સમાન છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










