હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની યાદગાર ફિલ્મોની ચર્ચા થાય ત્યારે તેના ચાહકો સહજ રીતે આરાધના, આનંદ, અમરપ્રેમ, હાથી મેરે સાથી કે નમક હરામને યાદ કરે છે, પરંતુ એ જ શ્વાસે `પ્રેમ નગર'નું નામ સામાન્ય રીતે આવતું નથી.
અલબત્ત, એ બધી ફિલ્મો માત્ર ખન્નાના ચાહકો માટે નહીં, પરંતુ હિન્દી સિનેમાના સમગ્ર રસિયાઓ માટે પણ પ્રિય છે. `પ્રેમ નગર'ની એટલી `રિકોલ વેલ્યૂ' નથી આ વાત સ્વીકાર્ય છે છતાં ખન્નાની રાજધાની ટ્રેન જેવી સુપરફાસ્ટ કારકિર્દીમાં 1974નું વર્ષ શિખર સમાન હતું અને એ વર્ષે આવેલી આ ફિલ્મ માત્ર નોંધપાત્ર જ નહોતી, પરંતુ ખન્નાએ તેમાં ખરેખર જ બહેતરીન અભિનય આપ્યો હતો.
1973-74 ખન્ના માટે સોનેરી સમય સાબિત થયો. આ બે વર્ષમાં તેની 12 ફિલ્મો રિલીઝ થઈ અને `બોમ્બે સુપરસ્ટાર' નામની બીબીસીની ડોક્યુમેન્ટરી પણ આવી. ત્યારબાદનાં બે વર્ષ સુધી તેની ટ્રેન સીધી લીટીમાં દોડતી રહી, પરંતુ પછી એ ગતિ ધીમે ધીમે નીચે ગબડવા લાગી.
1974માં ખન્નામાં એવી જાદુગરી હતી કે કથીરને અડકે તો પણ સોનું બની જાય. એ જ વર્ષે તેની સુપરહિટ આપ કી કસમ અને પ્રેમ નગર આગળ-પાછળ રિલીઝ થઈ, અનુક્રમે 17 એપ્રિલ અને 24 મે. સ્વભાવથી જ બંને ફિલ્મો ખન્નાને માફક આવે તેવી હતી. આપ કી કસમમાં તેણે રોમેન્ટિક, પણ અહંકારી અને શંકાશીલ પતિનો કિરદાર ભજવ્યો હતો, જ્યારે પ્રેમ નગરમાં તે રંગીન મિજાજનો, પરંતુ અંદરથી ખાલી પડતો જઈ રહેલો અમીર શરાબી બનીને પડદા પર ઊતર્યો હતો.
પ્રેમ નગર મૂળ તેલુગુ હિટ ફિલ્મ પ્રેમા નગરની હિન્દી રિમેક હતી, જે પોતે એ જ નામની તેલુગુ નવલકથા (લેખક: કોદુરી કૌશલ્યા દેવી) પરથી આધારિત હતી. ભારતીય ભાષાઓમાં 150થી વધુ ફિલ્મોનું નિર્માણ કરીને (હિન્દીમાં તોહફા, દિલબર અને હમ આપકે દિલ મેં રહતે હૈં સહિત) ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનારા નિર્માતા દગ્ગુબતિ રામા નાયડુએ 1971માં અગાઉની ફિલ્મોની નિષ્ફળતામાંથી બહાર આવવા માટે પ્રેમા નગરનું નિર્માણ કર્યું હતું. તેનું નિર્દેશન કે. એસ. પ્રકાશરાવે કર્યું હતું.
પોણા બે કરોડ રૂપિયાની કમાણી સાથે આ ફિલ્મ તેલુગુમાં બ્લોકબસ્ટર સાબિત થઈ અને રામા નાયડુની આર્થિક તંગી દૂર થઈ ગઈ. આ સફળતાથી ઉત્સાહિત થઈને, તેને હિન્દીમાં લાવવાનો નિર્ણય લેવાયો અને રામા નાયડુ તથા પ્રકાશરાવ ખન્નાની લોકપ્રિયતાની દોડતી ટ્રેનમાં સવાર થઈ ગયા. આગળ જઈને તેમણે ખન્ના સાથે મકસદ અને બંદિશ જેવી ફિલ્મો પણ બનાવી.
એવું કહેવાય છે કે ચાહકોને આપ કી કસમ જેટલી યાદ છે, તેટલી પ્રેમ નગર નથી, પરંતુ બોક્સઓફિસ પર કમાણીની દૃષ્ટિએ પ્રેમ નગર તેને પછાડીને આગળ નીકળી ગઈ હતી. ફિલ્મ ખરેખર સરસ હતી. રાજેશ ખન્નાની રોમેન્ટિક ઈમેજને અનુરૂપ તો હતી જ, પરંતુ તેની સફળતામાં આર. ડી. બર્મનનું યોગદાન પણ નોંધપાત્ર હતું. તેમણે ફિલ્મની વાર્તાને અનુરૂપ અતિ મધુર અને ભાવસભર સંગીત આપ્યું હતું.
કિશોર કુમારના અવાજમાં ગવાયેલું `યે લાલ રંગ, કબ મુઝે છોડેગા' આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીત ખન્નાનું પણ મનપસંદ હતું, કારણ કે અસલ જીવનમાં પણ તે શરાબના વ્યસનથી પીડાતો હતો. ઉપરાંત `કિસકા મહલ હૈ, કિસકા યે ઘર હૈ', `યે કૈસા સુર મંદિર હૈ' અને `બાય બાય મિસ ગુડ નાઈટ' જેવાં ગીતો પણ ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.
આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને હેમા માલિની પહેલી વાર મુખ્ય ભૂમિકામાં સાથે આવ્યાં હતાં અને પછી તેમણે સાથે મળીને નવ જેટલી ફિલ્મો આપી. અગાઉ 1971ની અંદાઝમાં બંને દેખાયાં હતાં, પરંતુ ત્યાં શમ્મી કપૂર મુખ્ય હીરો હતો અને ખન્ના માત્ર મહેમાન કલાકાર તરીકે એક જ ગીત `ઝિંદગી એક સફર હૈ સુહાના' માટે આવ્યો હતો. પ્રેમ નગરમાં તેમની કેમેસ્ટ્રી સાચે જ રંગ લાવી. હેમાએ તેમાં લતા નામની એક એરહોસ્ટેસની ભૂમિકા ભજવી હતી.
ખન્નાની એક વિશેષતા એ હતી કે તે હીરોને ન છાજે એવા કિરદારો કરવામાં ક્યારેય ખચકાતો નહોતો. પ્રેમ નગરમાં કરણસિંહ અમીર બાપની બગડી ગયેલી ઔલાદ છે - ઉદાસીન, ઉચ્છૃંખલ અને આખો સમય નશામાં ડૂબેલો. હિરોઈન ભગવાનના અવતાર જેવી શુદ્ધ અને સમર્પિત હોય અને હીરો ગામના ઉતાર જેવો લાગતો હોય એવી ફિલ્મ કરવાનું સાહસ ખન્નામાં જ હતું.
એક હવાઈ પ્રવાસ દરમિયાન વિમાનને તોફાની હવામાનનો સામનો કરવો પડે છે અને એ જ ક્ષણે કરણની મુલાકાત અત્યંત સુંદર લતા સાથે થાય છે. લતાની માતા (સુલોચના) તેના જોખમી વ્યવસાયથી ગભરાઈ જાય છે અને નોકરી બદલવાની સલાહ આપે છે. યોગાનુયોગે કરણ તેને પોતાની સેક્રેટરી તરીકે નોકરી ઓફર કરે છે.
ધીમે ધીમે કરણ લતાના પ્રેમમાં પડી જાય છે અને લતા પણ દિલથી સારા, પરંતુ આદતોમાં બગડી ગયેલા કરણને સુધારવાનું બીડું ઝડપે છે. કરણમાં આવતો આ ફેરફાર તેની માતા (કામિની કૌશલ) અને મોટા ભાઈ શમશેર બહાદુર(પ્રેમચોપરા)ને ગમતો નથી. પરિવારની ઉપેક્ષા કરીને કરણ પોતે અને લતા માટે એક નવો મહેલ બાંધે છે `પ્રેમ નગર'.
પરંતુ શમશેર પોતાની ચાલાક પત્ની(બિંદુ)ની ઉશ્કેરણીથી કરણને સંપત્તિમાંથી બેદખલ કરવાનું કાવતરું રચે છે. હોશિયાર લતાની સમયસરની દરમિયાનગીરીથી કરણ રસ્તા પર આવતાં બચી જાય છે. લતાની આ દરકારથી પ્રભાવિત થઈને કરણ શરાબ અને સ્ત્રીઓની આદત છોડે છે અને એસ્ટેટના સંચાલનમાં મન પરોવે છે.
આ બધાથી અકળાયેલો શમશેર લતાને ચોરીના કેસમાં ફસાવે છે. એક તબક્કે કરણ પણ લતાને દોષી માની લે છે. વ્યથિત લતા પોતાનાં માતા-પિતાના ઘરે જતી રહે છે, જ્યાં તેને પરણાવી દેવાની તજવીજ થાય છે. દરમિયાન સચ્ચાઈનો પર્દાફાશ થાય છે, એટલે કરણ માફી માંગવા આવે છે, પરંતુ લતા તેનો સ્વીકાર કરતી નથી. બીજી તરફ લતાનાં ભાવી સાસરિયાંને તેના ચરિત્ર પર શંકા જાય છે અને લગ્ન રદ થઈ જાય છે.
શરાબ છોડવાને કારણે કરણની તબિયત લથડી જાય છે. ડોક્ટરો તેને થોડો શરાબ પીવાની સલાહ આપે છે, પરંતુ લતાને આપેલું વચન પાળવા માટે તે શરાબને અડતો પણ નથી. બગડેલી તબિયત અને લતાના ઇનકારથી દુઃખી થઈને કરણ જીવનનો અંત લાવવાનો નિર્ણય કરે છે, પરંતુ છેલ્લી ઘડીએ લતાનું હૃદય પીગળે છે અને તે દોડી આવીને કરણને બચાવી લે છે.
હેમાએ એક સમર્પિત સ્ત્રીનો અને ખન્નાએ એક શરાબી પ્રેમીનો કિરદાર બખૂબી નિભાવ્યો હતો. ફિલ્મના પ્રીમિયર પછી શો-મેન રાજ કપૂરે રાજેશ ખન્નાના અભિનયનાં દિલ ખોલીને વખાણ કર્યાં હતાં. ખાસ કરીને ક્લાઈમેક્સમાં આવતા ગીત `જા, મુઝે ના અબ યાદ આ' દરમિયાન લતાની વિશાળ તસવીર સામે ખન્ના જે રીતે પોતાના બંને હાથને તલવારની જેમ વીંઝે છે, તે દૃશ્યથી પ્રભાવિત થઈને રાજ સાહેબે ખન્નાના હાથ ચૂમી લીધા હતા.
વર્ષો પછી જ્યારે શો-મેનના દીકરા રિશિ કપૂરે ખન્નાને લઈને `આ અબ લૌટ ચલે' બનાવી, ત્યારે તેના ક્લાઈમેક્સમાં ખન્નાએ એ જ રીતે હાથ વીંઝવાનો પ્રયાસ કર્યો. રિશિને એ પસંદ ન પડ્યું. બંને વચ્ચે બોલાચાલી પણ થઈ. અંતે ખન્નાએ આજ્ઞાંકિત એક્ટરની જેમ હાથ સ્થિર રાખ્યા. પછી ક્યારેક `પ્રેમ નગર'ને યાદ કરતાં ખન્નાએ હસતાં-હસતાં પોતાના સાથીદારને કહ્યું હતું, `રિશિએ તો મારા હાથ બાંધી દીધા હતા.'
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
