આમ તો નવરાત્રી આસો સુદ એકમે શરૂ થાય છે, પણ ગુજરાતીઓ માટે ભાદરવા સુદ એકમથી એના માટેની તૈયારી, દોડાદોડી, ખરીદી, ફોનાફોની એ બધું શરૂ થઈ જતું હોય છે. નવરાત્રિના એક મહિના પહેલાં ગુજરાતીઓને ત્યાં ઘરમાં લગનના ઘર જેવી ચહલપહલ શરૂ થઈ જતી હોય છે.  

સૌથી પહેલાં ગરબા શીખવાનો કાર્યક્રમ શરૂ થાય છે. જેણે આખી જિંદગીમાં બે સ્ટેપથી વધારે ડાન્સ કર્યો નથી, એ પણ હવે જોરદાર ગરબા રમવા માટે ગરબા ક્લાસ જોઈન કરી લે છે. ક્લાસમાં ટ્રેનર કહે, `એક, બે, ત્રણ...' ત્યારે આપણા `ગરબાઘેલા' છે, સાત, આઠ સ્ટેપ પર પહોંચી ગયા હોય છે.  

ગરબા ક્લાસમાં શિખવાડનાર સ્ટેપ દેખાડે ત્યારે શીખનારાના હાથ-પગ ચાર અલગ દિશામાં ઘૂમતા હોય છે. કોઈનો હાથ ઉપર જાય તો પગ નીચે જાય, કોઈનો પગ આગળ જાય તો શરીર પાછળ રહી જાય. લોકો એવાં ભેદી અને ગેબી સ્ટેપ્સ કરે કે શિખવાડનાર પોતે સ્ટેપ ભૂલી જાય. મ્યુઝિક વાગે એવા હાથ-પગ વીંઝે જાણે મચ્છરથી બચવા માટે શરીર હલાવી રહ્યા હોય. એક બહેન તો ફુલ સ્પીડમાં એવા ઝડપથી ચક્કર મારે કે બાજુમાં નાચી રહેલી બહેન પૂછે, `બહેન, તમે ગરબા કરો છો કે વોશિંગ મશીનનો સ્પિન મોડ ઑન કર્યો છે?' ક્લાસ પૂરા થાય ત્યારે બધાના ચહેરા પર થાક હોય, પણ બધાને એક સંતોષ હોય કે `આજે તો જોરદાર સ્ટેપ શીખ્યા.' એ શું શીખ્યા અને કેવું શીખ્યા એ તો ભગવાન જાણે.  

ક્લાસમાંથી ઘેર આવી એ `ગરબા ક્રેઝીજનો' ઘરનું બધું ફર્નિચર ખસેડી, મ્યુઝિક વગાડી, અરીસા સામે કચ્ચી કચ્ચીને ગરબાની પ્રેક્ટિસ શરૂ કરે છે. કોઈ પૂછે, `શું કરો છો?' જવાબ મળે `ગરબામાં પ્રાઇઝ મેળવવાની તૈયારી કરું છું.'   

પછી આવે છે ડ્રેસની ખરીદી. ગરબાનો ડ્રેસ લેવા માટે આખું શહેર ફરી વળે છે. દુકાનદાર કહે, `આ લઈ લો, બધા લઈ જાય છે.' તો એ બોલે `ના, બીજું બતાવો.' બીજું બતાવે તો કહે, `આ તો જૂની સ્ટાઇલનું છે.' ત્રીજું બતાવે તો ભાવ સાંભળીને જીભ ઝલાઈ જાય. એક ડ્રેસ પસંદ કરવામાં ત્રણ દિવસ જાય અને અંતે ઘરે આવીને ખબર પડે કે જે રંગનો ડ્રેસ લીધો છે એ જ રંગનો ડ્રેસ પાડોશીએ પણ લીધો છે.  

હવે સૌથી મોટું ટેન્શન શરૂ થાય છે જેનું નામ છે - `પાસ'. ગરબાના પાસની કિંમત સાંભળી બાપદાદાની મિલકત વેચવાનું વિચારવા માંડે છે. પાસ લેવા માટે ઓળખાણો કાઢવામાં આવે છે. `ભાઈ, તમે એ ગરબા ઓર્ગેનાઈઝરને ઓળખો છોને?' `હા.' `તો પ્લીઝ પાસ લાવી આપોને.' પછી બીજાને ફોન કરે `તમે કોઈને ઓળખો છો?' આમ, નવરાત્રી પહેલાં જ દરેક ગુજરાતી પોતાનું આખું કોન્ટેક્ટ લિસ્ટ અપડેટ કરી નાખે છે.  

પાસ મોંઘા લાગે એટલે મિત્રોનું ગ્રૂપ બનાવે. `ચાલો, ગ્રૂપ બુકિંગ કરીએ, એ સસ્તું પડશે.' પાંચ મિત્રોનું ગ્રૂપ બનાવવાનું હોય અને પંદર જણ જોડાઈ જાય. કોઈ કહે, `મારો ભાઈ આવશે.' કોઈ કહે, `મારી કઝિન આવશે.' આમ, અંતે ગ્રૂપ બુકિંગ એવું બને કે નાનકડા ગરબા ગ્રૂપમાંથી પંચાવનનું પેકેજ તૈયાર થઈ જાય.  

હવે ખર્ચાની વ્યવસ્થા શરૂ થાય. ડ્રેસ, પાસ, મેકઅપ, પાર્કિંગ, ખાણીપીણી અને પાછા ફરવાનું પેટ્રોલ. આમ, ગરબા રમવા માટે આઈએમએફની લોન લેવી પડે એવો સીન સર્જાય છે. જે આખું વર્ષ `ખર્ચો ઓછો કરો'ની માળા કરતો હોય એ જ નવરાત્રીમાં બેન્ક બેલેન્સ ખાલી કરી નાંખે છે.  

ગરબા શરૂ થાય એ પહેલાં ફોટોશૂટ અનિવાર્ય હોય છે. ગરબા સ્પેશિયલ કપડાં ઠઠાડી, મેકઅપ લગાડી, દાંડિયા સાથે ફોટો માટે `જકાસ પોઝ' આપી સવાસો સેલ્ફીઓ લેવાય. સોશિયલ મીડિયા પર સ્ટોરી મૂક્યા વગર ગરબા રમ્યા જ નથી આજકાલ એવી માન્યતા છે.  

નવરાત્રીની સૌથી મજાની વાત એ છે કે લોકો ગરબા રમવા કરતાં તેની તૈયારીમાં વધારે થાકી જાય છે. નવરાત્રી પૂરી થાય ત્યારે શરીર કહે, `હવે આરામ કરો' ત્યારે મન કહે છે, `આવતા વર્ષે ક્યાં ગરબા રમવાના છે એ હમણાંથી નક્કી કરી લઈએ.'          

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો