ભારતમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક કક્ષાનું માળખું પૂરું પાડવા કેન્દ્ર સરકારે ₹33,660 કરોડના બજેટ સાથે ‘ભારત ઔદ્યોગિક વિકાસ યોજના' (BHAVYA) શરૂ કરી છે. દેશના જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો વધારીને 2035 સુધીમાં 25% સુધી પહોંચાડવાના લક્ષ્યાંક હેઠળ આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 100 પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક પાર્ક સ્થાપવામાં આવશે. નાણાકીય વર્ષ 2026-27 થી 2031-32 સુધીના છ વર્ષના ગાળામાં આ પ્રોજેક્ટ્સ રાજ્યો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી વિકસાવાશે. પાત્ર પાર્ક દીઠ પ્રતિ એકર ₹1 કરોડ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે, જેમાં આંતરિક વીજળી, પાણી, અદ્યતન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જમીન ખોદ્યા વિના જાળવણી થાય તેવા ‘નો-ડગ' યુટિલિટી કોરિડોર જેવી આધુનિક સુવિધાઓ સામેલ હશે. આ પાર્ક રેડી-ટુ-યુઝ ફેક્ટરી શેડ અને વેરહાઉસ પૂરા પાડશે, જેનાથી MSME એકમો સ્થાપવાનો સમય અને મૂડીખર્ચ બંને ઘટશે. કામદારો માટે આવાસ, આરોગ્ય અને કૌશલ્ય તાલીમ કેન્દ્રોની સાથે બાહ્ય કનેક્ટિવિટી માટે 25% સુધીનું ફંડ ફાળવાશે. જૂન, 2026માં શરૂ થયેલું ‘ભવ્ય' પોર્ટલ પ્રોજેક્ટની મંજૂરી અને મોનિટરિંગને પારદર્શક બનાવી દેશમાં આર્થિક રોકાણ, ઔદ્યોગિક ઉત્પાદન અને મોટા પાયે રોજગારીના નવાં દ્વાર ખોલશે.
મધર ઑફ ઑલ બોમ્બ : અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વિધ્વંસક પરંપરાગત શસ્ત્રની ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે અમેરિકા દ્વારા ઈરાનના ઊર્જા અને પરમાણુ માળખા પર સંભવિત હુમલા માટે ‘મધર ઑફ ઑલ બોમ્બ’ (MOAB)ના ઉપયોગની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર હલચલ મચાવી છે. જીબિયુ-43/બી (GBU-43/B) મેસિવ ઓર્ડનન્સ એર બ્લાસ્ટ નામે ઓળખાતો આ બોમ્બ અમેરિકી લશ્કરના ભાથામાં રહેલું સૌથી શક્તિશાળી બિન-પરમાણુ પરંપરાગત હથિયાર છે. આશરે 9,800 કિલોગ્રામ વજન અને 30 ફૂટની લંબાઈ ધરાવતા આ વિરાટકાય બોમ્બમાં 8,480 કિલોગ્રામ અત્યંત તીવ્ર H-6 વિસ્ફોટક ભરેલું હોય છે, જે સમાન વજનના ટીએનટી (TNT) કરતાં 35 ટકા વધુ વિધ્વંસક ઊર્જા પેદા કરે છે. ઈરાનના પહાડોની ઊંડાઈમાં બનેલા શંકાસ્પદ 'પિકેક્સ માઉન્ટેન' જેવા પરમાણુ મથકો આ બોમ્બના સંભવિત ટાર્ગેટ તરીકે ચર્ચાઈ રહ્યા છે. જોકે, સંરક્ષણ વિશ્લેષકો અને અધિકારીઓમાં શંકા છે કે જમીનની સેંકડો ફૂટ ઊંડાઈએ અતિ-મજબૂત કોંક્રિટના સ્તરો ધરાવતા ભૂગર્ભ બંકરોને આ બોમ્બ પણ સંપૂર્ણ નષ્ટ કરી શકશે કે કેમ. આ વિધ્વંસક શસ્ત્રની શક્યતા માત્રથી વૈશ્વિક સ્તરે યુદ્ધના પરિણામો અને ઊર્જા સંકટને લઈને ભારે ચિંતા ઊભી થઈ છે.
યુએઈ શાહી પરિવારની સભ્ય લંડનમાં નશાખોરી અને બાળ ઉપેક્ષા કેસમાં દોષિત ઠરી
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીના ધનાઢ્ય શાહી પરિવાર સાથે વૈવાહિક સંબંધ ધરાવતી 32 વર્ષીય મહરાહ અલ નાહયાન લંડનની કોર્ટમાં ચાઇલ્ડ નેગ્લેક્ટ (બાળ ઉપેક્ષા)ના આરોપમાં દોષિત ઠરતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની છે. લંડનની સાઉથવર્ક ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું કે જૂન મહિનામાં પશ્ચિમ લંડનના રસ્તા પર મહરાહ અને એક પુરુષ કોકેઇનનો નશો કર્યા બાદ બેભાન અવસ્થામાં પડ્યા હતા. આ દરમિયાન તેમની દેખરેખ હેઠળનું ત્રણ વર્ષનું માસૂમ બાળક રસ્તા પર ધમધમતા ટ્રાફિક વચ્ચે ખુલ્લા પગે ભટકી રહ્યું હતું, જેને ત્યાંથી પસાર થતા રાહદારીઓએ બચાવ્યું હતું. આશરે 300 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા પ્રભાવશાળી અલ નાહયાન પરિવાર તરફથી મહરાહને દર મહિને આશરે 8,000 યુરો (લગભગ ₹10 લાખ)નું શાહી ભથ્થું મળે છે. સુનાવણી દરમિયાન પોતાના કૃત્ય બદલ પસ્તાવો વ્યક્ત કરી તેણે નશામુક્તિ માટે સરેના પ્રાયરી ક્લિનિકમાં સારવાર લેવાની ખાતરી આપી હતી. કોર્ટે તેને બે વર્ષનો કમ્યુનિટી ઓર્ડર, રિહેબિલિટેશન શરતો અને 8,000 ડોલરનો દંડ ફટકાર્યો છે.
$290 અબજનું દેવું : પાકિસ્તાનનું લશ્કરી બજેટ અને દેવાળિયાપણાનો વિષચક્ર
પાકિસ્તાનનું અર્થતંત્ર હાલ જીડીપીના 74 ટકા એટલે કે 290 અબજ ડોલરના જંગી દેવાના બોજ હેઠળ કચડાઈને લગભગ નાદારીના આરે આવી ગયું છે. આ ગંભીર નાણાકીય સંકટ છતાં દેશનું શાસન દેવાં ચૂકવવા માટે નવું કરજ લેવાની વિદેશી નીતિ પર ચાલી રહ્યું છે. દેશ પર કુલ 121 અબજ ડોલરનું વિદેશી કરજ છે, જેમાં ચીન એકલાનું 25% જેટલું અધધ લેણું છે. ચીન ભારત સામે પાકિસ્તાનનો મોહરા તરીકે ઉપયોગ કરવા તેને દેવાના ડૂબાણમાં રાખે છે, 2024માં આઈએમએફ પાસેથી 7 અબજ ડોલર મેળવી પાકિસ્તાન વિશ્વનો ચોથો સૌથી મોટો લોનધારક દેશ બન્યો હતો. વિશ્વબેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક અને પેરિસ ક્લબ પાસેથી સતત અરબો ડોલરની લોન લેવા છતાં આર્થિક સ્થિતિ સુધરતી નથી. આ અધોગતિનું કારણ દેશનું વાર્ષિક 10 થી 12 અબજ ડોલરનું વિશાળ ડિફેન્સ બજેટ છે, જે જીડીપીના 4 ટકા જેટલું છે. લોનના નાણાં લોકકલ્યાણ કે સંપત્તિ સર્જનમાં વાપરવાને બદલે શસ્ત્રો ખરીદવા પાછળ વેડફાતા હોવાથી દેશ ક્યારેય ન છૂટી શકે તેવા વૈશ્વિક કરજના કાદવમાં ફસાયો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો