પ્રિન્સ એન્ડ્રુ ડ્યુક ઓફ યોર્કના રાજવી દરજ્જાનો ત્યાગ કરવા સહમત થઇ ગયા છે. બકિંગહામ પેલેસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રિન્સ એન્ડ્રુ નાઇટ ગ્રાન્ડ ક્રોસ ઓફ રોયલ વિક્ટોરિયન ઓર્ડર અને રોયલ નાઇટ કમ્પેનિયન ઓફ ધ મોસ્ટ નોબલ ઓર્ડર ઓફ ધ ગાર્ટર જેવાં સન્માનોનો પણ ઉપયોગ નહીં કરે.
તેમનો ફક્ત રાજકુંવર તરીકેનો દરજ્જો જળવાઇ રહેશે, કારણ કે તેઓ ક્વીનનું સંતાન હોવાના કારણે આ દરજ્જો છીનવી શકાતો નથી. એક નિવેદનમાં પ્રિન્સ એન્ડ્રુએ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ અને મારા રાજવી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ અમે એવા તારણ પર પહોંચ્યા છીએ કે મારા પર મુકાતા આરોપોના કારણે કિંગ અને રાજવી પરિવાર વિચલિત થઇ રહ્યા છે, તેથી મેં મારા પરિવાર અને દેશને પ્રથમ રાખવાનો નિર્ણય કર્યો છે. જાહેર જીવનમાંથી દૂર થઇ જવાના પાંચ વર્ષ પહેલાંના મારા નિર્ણયને હું વળગી રહું છું. પ્રિન્સ એન્ડ્રુએ જણાવ્યું હતું કે, કિંગ સાથે સધાયેલી સહમતિ અનુસાર અમને લાગે છે કે અમારે આગળ વધવું જોઇએ. તેથી હવે હું મારા કોઇ ટાઇટલ કે ઓનર્સનો ઉપયોગ કરીશ નહીં. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે મારા પર મુકાયેલા તમામ આરોપ પાયાવિહોણા છે.
મેંગલુરુનાં ડો. સંધ્યા શેનોય વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોમાં સામેલ
મેંગલુરુનાં ડો. સંધ્યા શેનોયે દુનિયા સમક્ષ ભારતનું નામ ફરી એકવાર રોશન કર્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી `સાયન્સ-વાઇડ ઓથર ડેટાબેઝીસ ઓફ સેન્ટ્રલાઇઝ્ડ સાઇટેશન ઇન્ડિકેટર્સ રિપોર્ટ'માં તેમને વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે ડો. શેનોયે સતત ત્રીજા વર્ષે આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. મેંગલુરુની શ્રીનિવાસ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ રિસર્ચ સાયન્ટિસ્ટ ડો. સંધ્યા શેનોયનું સંશોધન ક્ષેત્ર થર્મોઇલેક્ટ્રિક અને એનર્જી મટીરિયલ્સ છે. મતલબ કે એવું વિજ્ઞાન જે નકામી નીકળતી ઉષ્મા (હીટ વેસ્ટ)ને વીજળીમાં બદલી શકે છે. ડો. સંધ્યા શેનોયના નામે અત્યાર સુધીમાં 67થી વધુ આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રકાશનો છે અને હજારો વૈજ્ઞાનિક સંદર્ભોમાં તેમના કામની નોંધ લેવાઇ છે. તેમણે મેંગલુરુ યુનિવર્સિટીમાંથી બીએસસી, એનઆઈટી-કર્ણાટકમાંથી એમએસસી (કેમેસ્ટ્રી) અને 2013માં પીએચડી પૂર્ણ કર્યું છે. આ પછી તેમણે જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચમાં પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચ કર્યું હતું. ડો. સંધ્યા ડીએસટી ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે અનેક રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યાં છે.
અમેરિકામાં ભારતીય સલાહકારની ચીન માટે જાસૂસી કરવા બદલ ધરપકડ
ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. 64 વર્ષીય એશ્લે ટેલિસનો જન્મ ભારતના મુંબઇમાં થયો છે, પણ તેઓ યુએસ સિટીઝનશિપ ધરાવે છે. ટેલિસ પૂર્વ રાષ્ટ્રપતિ બુશના કાર્યકાળમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા, રક્ષા અને એશિયન બાબતોના નિષ્ણાત મનાય છે. ભારત-અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક નાગરિક પરમાણુ સમજૂતીમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તાજેતરનાં વર્ષોમાં તેમનો ઝુકાવ ચીન તરફી રહ્યો છે. ટેલિસે રશિયા અને ઈરાન સાથે ભારતના સંબંધો સામે સવાલ ઉઠાવ્યા હતા અને ભારતની ક્ષમતા પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમના ઘરે દરોડામાં સેંકડો ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે.
3.30 લાખ કરોડની સંપત્તિ સાથે સાવિત્રી જિંદાલ દેશનાં સૌથી ધનવાન મહિલા
`ફોર્બ્સ' ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારનાં ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશનાં સૌથી ધનવાન મહિલા બન્યાં છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ કરોડ) હોવાનું જાહેર કરાયું છે. આ સાથે જ હવે દેશના સૌથી રિચેસ્ટ વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી સાવિત્રી જિંદાલ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યાં છે. વિશ્વના ધનકુબેરોની યાદીમાં સાવિત્રી જિંદાલ 48મા સ્થાને છે. અગાઉ એપ્રિલ 2025માં જાહેર ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ મુજબ સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 33.5 બિલિયન ડોલર હતી. છ મહિનાના સમયગાળામાં તેમની સંપત્તિમાં અધધ 4.1 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. એક તરફ દેશના ટોચના 100 ધનિક લોકોની નેટવર્થમાં 9 ટકાનો ઘટાડો નોંધાતાં એક ટ્રિલિયન ડોલર (રૂ. 88 લાખ કરોડ) થઈ છે ત્યારે બીજી તરફ સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિમાં વધારો થયો છે. દેશના ટોચના ધનિકોની 2024માં કુલ સંપત્તિનો આંક 1.1 ટ્રિલિયન ડોલર અર્થાત્ રૂ. 97 લાખ કરોડ હતો. સાવિત્રી જિંદાલ હરિયાણાના હિસાર બેઠકથી ધારાસભ્ય ચૂંટાયાં છે. તેઓ જિંદાલ ગ્રૂપના સંસ્થાપક સ્વર્ગસ્થ ઓમપ્રકાશ જિંદાલનાં પત્ની છે. 2005માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઓ.પી. જિંદાલનું મૃત્યુ થયું હતું, ત્યાર પછી સાવિત્રી જિંદાલે ગ્રૂપનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ વેપાર સામ્રાજ્ય હવે ચાર પુત્રો વચ્ચે વિભાજિત છે. સૌથી મોટા પુત્ર નવીન જિંદાલ હાલમાં કુરુક્ષેત્ર બેઠકથી ભાજપના સાંસદ છે.